છોટા ઉદેપુરથી ગોંડલ જઈ રહેલ કારમાં બે શિક્ષિકા અને એક શિક્ષક હોવાનું ખુલ્યું
હાઇડ્રોલિક અને સાદા કટર વડે ગાડીના દરવાજા કાપી મૃતદેહો બહાર કઢાયા
છોટાઉદેપુરથી ગોંડલ તરફ પૂરઝડપે જઈ રહેલી ઓરા કારના ચાલકે મોટા માંડવા-મોટા દડવા વચ્ચે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે ઊતરી ૮ ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતાં જ ઈંધણ લીકેજ કે શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર પટકાવાને કારણે તેના દરવાજા જામ થઈ ગયા હતા, પરિણામે અંદર સવાર બે મહિલા સહિત ૩ શિક્ષક બહાર નીકળી શક્યા નહોતાં અને જોતજોતાંમાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાના ફાયર જવાનો અજયસિંહ વાળા, જયેશભાઇ સોજીત્રા, દિવ્યરાજસિંહ ઝાલા અને સતુભા જાડેજાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારસવાર લોકો સંપૂર્ણ બળીને ભડથું થઈ ગયા હતા.
કાર પડીકું વળી ગઈ હોવાથી સ્પેશિયલ રેસ્ક્યૂ ફાયર ફાઈટરની મદદથી હાઇડ્રોલિક અને સાદા કટર વડે ગાડીના દરવાજા કાપવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ અંદરથી હાડપિંજર બની ગયેલા ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આશાબેનનો દીકરો હેતકુમાર વિજયભાઈ રાઠવા ગોંડલ ગુરુકુળમાં અભ્યાસ કરે છે. ગત રાત્રે ગોંડલ ગુરુકુળમાંથી આશાબેન પર ફોન આવ્યો હતો કે તેમનો દીકરો બીમાર છે, તો આવીને લઇ જાઓ, જેથી આશાબેને રાત્રે જ પુત્રને લેવા માટે ગોંડલ જવાનું નક્કી કર્યું, પરંતુ રાત હોવાથી આશાબેને પોતાની સાથે નોકરી કરતાં નીતાબેનને પણ સાથે આવવા કહ્યું હતું, જોકે વાહનના અભાવે અને બંને મહિલાનું રાત્રે જવું યોગ્ય ન રહેતાં મોટી સઢલી પ્રાથમિક શાળાના ગૃપાચાર્ય પ્રયાગભાઇ પોતાની ગાડી લઇને ત્રણેય જણા રાત્રે જ ગોંડલ જવા રવાના થયા હતા, જોકે આ આશાબેન પોતાના દીકરાને મળે એ પહેલાં જ રસ્તામાં આ અકસ્માત થયો હતો.
કારમાં સવાર ત્રણેય શિક્ષકોના મોત
પ્રયાગકુમાર ગણપતસિંહ બારિયા, (ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટાઉદેપુર), આશાબેન સત્યપાલ ચૌધરી, (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટાઉદેપુર), નીતાબેન એન્થની પટેલ, (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટાઉદેપુર) સવાર હતા જેમાં ત્રણેયના મોત નિપજતા શિક્ષણ જગતમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.





































