આપણે ત્યાં એક કહેવત છે મુશ્કેલ સમયમાં મિત્ર, પત્ની અને ચારિત્ર્યની કસોટી થાય છે. એ સિવાય મુશ્કેલીઓમાં માણસની હિમ્મત, ધીરજ અને પ્રમાણિક્તાની પણ કસોટી પણ થઇ જાય છે. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે નિરાશાવાદી માણસ દરેક તકમાં પણ મુશ્કેલી જુએ છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં પણ તક જુએ છે. આજે વિશ્વની મહાસત્તાઓ વચ્ચે આર્થિક રાજકીય સાઠમારી ચાલી રહી છે. દેશો વચ્ચેની મિત્રતા ઝડપભેર બદલાઈ રહી છે. સૌથી ઝડપી પ્રગતિ કરી રહેલા અને આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ કુનેહની કસોટીનો ખરેખરો સમય છે. ભારત આ મહાસત્તાઓના સંગ્રામમાં શું ભૂમિકા ભજવીને બહાર આવે છે એ ઉત્તર કદાચ લાંબા સમયે મળશે. બધા ઘટનાક્રમ પરથી એટલું તો દેખાઈ આવે છે કે હવે ભારતને અવગણીને વિશ્વમાં કોઈ આર્થિક કે રાજકીય ધરી રચાઈ શકે તેમ નથી.
અમેરિકા છેલ્લા અઢી દશકા એ પ્રયત્નમાં રહ્યું હતું કે ભારત ચીનની નજીક ન જાય. આર્થિક મોરચે ચીન અમેરિકાનું સૌથી નજીકનું પ્રતિસ્પર્ધી છે. ચીનનું કદ એવડું છે કે અમેરિકા સીધે સીધું આર્થિક અથડામણમાં તેની સામે ઉતરી શકે તેમ નથી. કદાચ અમેરિકાને એ ભ્રમ પણ હતો કે અલગ અલગ રાજકીય વ્યવસ્થાઓ અને ભૂતકાળના સરહદી સંઘર્ષો જેવી બાબતોને લઈને ભારત ચીન સહયોગ સંભવ નથી. ભારત જો કોઈ દેશનું કુદરતી, રાજકીય પરિમાણો પર સાથીદાર બની શકે તો એ અમેરિકા જ હોઈ શકે. બંને લોકશાહી રાષ્ટ્રો છે, એક વિશ્વની સૌથી જૂની લોકશાહી છે અને બીજી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. રાજકીય વિશ્લેષકો આજે પણ એમ માને છે કે સહયોગ કરવાની દ્રષ્ટીએ અમેરિકા અને ભારતના જ નેચર મળતા આવે છે. જો કે ભારત આઝાદી બાદ ખુબ લાંબા સમય સુધી બિનજોડાણવાદની નીતિમાં માનતું આવ્યું હતું.
એશિયાના ભૌગોલિક સ્થાનોના રાજકારણમાં વિશ્વ પાસે હમેશા બે પસંદગી રહી છે. ભારત અને પાકિસ્તાન. બીલ ક્લિન્ટનનો કાર્યકાળ શરુ થયા પહેલા અમેરિકા પાકિસ્તાનનું હિમાયતી હતું. કારણકે ત્યારે ભારત રૂસ તરફ વધુ ઢળેલું હતું. ત્યારે અમેરિકા ચીનની આર્થિક સ્પર્ધા પ્રાથમિક અવસ્થામાં હતી. અમેરિકાને ચીનની રાક્ષસી પ્રગતિની ઝડપની કલ્પના પણ નહિ હોય. ત્યારે અમેરિકાનો ટાર્ગેટ રૂસ હતું. ત્યારબાદ રુસનું વિઘટન થયું. અમેરિકાએ એમ માન્યું કે રૂસની તાકાત હવે ઘટી જશે. પણ રૂસે બધી ગણતરીઓ ઉંધી પાડીને પોતાની પ્રગતિ એક ગતિથી જાળવી રાખી. આમ અમેરિકા રૂસ અને ચીન બંનેની બાબતમાં એક વખત ધારણાઓમાં ખોટું ઠરી ચુક્યું છે.
આજે ભારત વિરુદ્ધ અમેરિકાના આ સ્ટેન્ડ લેવાના બે ત્રણ કારણો ચર્ચાઈ રહ્યા છે. પહેલું રાષ્ટ્રપતિ ટ્રમ્પના અંગત આર્થિક હિતો સાચવવા પાકિસ્તાનનો ઉપયોગ થઇ રહ્યો છે. સ્વાભાવિક છે કે પાકિસ્તાનને સપોર્ટ કરતા કોઈપણ દેશ સાથે ભારત સંબંધ ન રાખે. એટલે જ તો અમેરિકાની આટઆટલી ધમકીઓ બાદ પણ ભારત ચીન સાથેના સબંધોમાં છાસ પણ ફૂંકી ફૂંકીને પી રહ્યું છે. પાકિસ્તાનના લશ્કરી વડાએ અમેરિકાની ધરતી પરથી ભારત પર પરમાણું હુમલાની ધમકી આપી હતી. પાકિસ્તાનને આટલી મોકળાશ આપવા પાછળનું કોઈ લોજીક દેખાઈ નથી આવતું, એટલે ટ્રમ્પના અંગત આર્થિક વાળી બાબત સાચી હોવાનું માનવાને કારણ છે. બીજું જો પાકિસ્તાનમાં પગ કરવો હોય તો ચીનને પાકિસ્તાનથી દૂર કરવું પડે, કારણકે આજે લગભગ આખું પાકિસ્તાન ચીન પાસે ગીરવી પડ્‌યું છે એમ કહી શકાય. ત્રીજું અમેરિકન પ્રેસિડેન્ટે ભારત પાકિસ્તાન યુદ્ધ રોકવી દીધાનો જશ ખાટવા જે પ્રોપેગેન્ડા ચલાવ્યો હતો એ ભારતે બધા મોરચે તોડી પાડ્‌યો તેથી તેનો અહં ઘવાયો હોય, નોબલ માટે ભારત દ્વારા ભલામણ ન થવાનું કારણ પણ આ સાથે જોડી શકાય. હવે અમેરિકામાં પણ આ વિશે ખુલીને અવાજ ઉઠી રહ્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનમાં પોતાના પરિવારના વ્યવસાયને આગળ વધારવા માટે ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડ્‌યું છે. સુલિવાને વધુમાં જણાવ્યું કે અમેરિકા ઘણા વર્ષોથી ભારત સાથે સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે હવે જોખમમાં છે. અમેરિકા એ ન સમજી શક્યું કે ઘણી વખત તમે જેને હરાવવા કે હંફાવવા નીકળ્યા હોવ છો, જો તેની પાસેના બીજા વિકલ્પો હોય તો એ તલાશવા લાગે છે.
ટૂંકમાં અમેરિકન પ્રેસિડેન્ટે આ બધા દેશો સાથેના સંબંધો અંગત તરીકે લઇ લીધા. વિશ્વના બધા રાજકીય વિશ્લેષકો એમ માની રહ્યા છે કે ટ્રમ્પના આ વલણથી ભારત, રૂસ અને ચીનની ધરીને મજબૂત કરવામાં અહમ ભૂમિકા ભજવી છે. તાજેતરમાં ચીન ખાતે SCO વખતે ત્રણેય દેશના નેતાઓની કેમેસ્ટ્રી આજકાલ બધી જગ્યાએ ચર્ચામાં છે. આ ત્રણે દેશ વચ્ચેના સંબંધો કઈ રીતે આગળ વધશે એ તો સમય જતા જ ખ્યાલ આવશે. પણ એક બાબત સ્પષ્ટ થઇ ચૂકી છે કે
અમેરિકાનો સિક્કો હવે એકતરફી નહિ ચાલે. જો આમાંથી અમેરિકાએ પીછેહઠ કરવાની થઇ તો તેના આર્થિક રાજકીય વજૂદને ખુબ મોટો ધક્કો લાગશે.
ક્વિક નોટ —..BECAUSE WITHOUT UNITED STATES EVERYTHING IN THE WORLD WILL DIE, ITS TRUE, ITS SO POWERFULL, AND SO BIG. AND I MADE IT REALY BIG IN FIRST FOUR YEAR…  કારણકે અમેરિકા વિના આ દુનિયાનો નાશ થઇ જશે, આ સાચી વાત છે… અમેરિકા ખુબ શક્તિશાળી છે. ખુબ મોટું છે. અને મેં મારા છેલ્લા ચાર વર્ષના કાર્યકાળમાં અમેરિકાને ખરેખર ખુબ મોટું બનાવ્યું છે…) – અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ.
production@infiniumpharmachem.com