મિચેલ સ્ટાર્કે પોતાની નિવૃત્તિ પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેઓ પોતાને ભારત સામેની સિરીઝ, વનડે વર્લ્ડ કપ અને એશિઝ માટે ફીટ રાખવા માંગે છે. તેમણે કહ્યું, ‘મારી નજર હવે ટીમ ઇન્ડિયા સામેની ટેસ્ટ સિરીઝ, એશિઝ અને ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ પર છે. મને લાગે છે કે સંપૂર્ણ રીતે ફીટ અને ફ્રેશ રહેવા માટે મારી પાસે આ (ટી ૨૦માંથી નિવૃત્તિ) સૌથી સારો રસ્તો હતો. આનાથી ટી૨૦ વર્લ્ડ કપ પહેલા યોજાનારી મેચોમાં બોલિંગ ગ્રુપને તૈયારી કરવાનો સારો મોકો મળશે.’
પોતાના લાંબા ટી૨૦ કરિયર દરમિયાન સ્ટાર્કે ઘણી યાદગાર જીત અપાવી છે. પરંતુ તેમના માટે સૌથી યાદગાર ક્ષણ ૨૦૨૧નો વર્લ્ડ કપ રહ્યો. સ્ટાર્કે જણાવ્યું, ‘ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. ઓસ્ટ્રેલિયા માટે રમેલી દરેક ટી૨૦ મેચની દરેક મિનિટનો મેં આનંદ માણ્યો છે, ખાસ કરીને ૨૦૨૧નો વર્લ્ડ કપ. માત્ર એટલા માટે નહીં કે અમે જીત્યા, પરંતુ અમારો ગ્રુપ શાનદાર હતો અને અમે ખૂબ મજા કરી.’
મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે કુલ ૬૫ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. આ દરમિયાન તેમણે ૨૩.૮૧ની સરેરાશથી ૭૯ વિકેટ લીધી છે અને તેમની ઈકોનોમી ૭.૭૪ રહી છે. તેમણે એકવાર ટી૨૦માં ૪ વિકેટ પણ લીધી છે. ભલે ૨૦૨૬ના ટી૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમને તેમની ખોટ સાલશે, પણ તેમની પાસે સ્ટાર્કની જગ્યાએ નવા બોલર શોધવા માટે પૂરતો સમય છે.












































