શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતની વચ્ચે ડબલ ઋતુની સિઝન ચાલી રહી છે. જેના પગલે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડી અનુભવાય છે. જ્યારે દિવસે ઉનાળાની શરૂઆતનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહિનો શરૂ થતાંની સાથે જ જાણે બપોરના સમયે આકરો ઉનાળો શરૂ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં પણ પારો ઉચકાવવાની આગાહી સામે આવી રહી છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં પારો પાંચ ડિગ્રી સુધી ઉચકાઈ શકે છે.
હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોથાથી સાતમાં દિવસ એટલે કે ૪થી ૭ માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન માટે આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે પાંચ સે.નો વધારો થશે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ન્યૂનતમ તાપમાન માટે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ° સે. વધારો થશે. ત્યારબાદ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે, આ સિઝનમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી વધારે રહેવાની આશા છે. માર્ચ મહિનાની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી છે. જ્યારે કચ્છમાં સામાન્યથી વધારે તાપમાન રહેવાની શક્યતા છે. માર્ચમાં પણ ગુજરાતમાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાના અેંધાણ છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. માર્ચથી મે મહિના દરમિયાન હીટવેવ (લૂ)ના દિવસોમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેનો અર્થ છે કે આ વખતે મેદાની વિસ્તારોમાં અસહ્ય ગરમી સહન કરવી પડી શકે છે.
રસપ્રદ વાત એ છે કે, માર્ચ મહિનામાં એક તરફ ગરમી વધશે તો બીજી તરફ માવઠાની એટલે કે કમોસમી વરસાદની શક્યતા પણ સામાન્ય કરતાં વધુ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર ના અમુક ભાગોને બાદ કરતાં માર્ચ મહિનામાં શરૂઆતમાં થોડી ઓછી ગરમી રહેવાના સંકેત છે. પરંતુ મહિનાના અંત સુધીમાં હીટવેવનો પ્રકોપ જાવા મળી શકે છે.







































