ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી ભાવના એટલે “વસુધૈવ કુટુંબકમ” (આખું વિશ્વ એક પરિવાર છે). આ ઉક્તિને સાર્થક કરતું એક જીવંત ઉદાહરણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે જાવા મળ્યું છે. જ્યાં એક મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગમાં હિન્દુ સંતની પધરામણી થતા આખું ગામ ઉમટી પડ્યું હતું અને જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તે દ્રશ્યો જાઈને પંથકના લોકો ગદગદિત થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, બહુચરાજીના ચંદ્રોડા ગામે રહેતા સલીમભાઈ નાગોરીના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે પરિવારને આશીર્વાદ આપવા માટે દેવ દરબાર મઠ (ઓગડનાથ મહારાજની ગાદીના મહંત શ્રી બળદેવનાથજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુ સંત જ્યારે ગામમાં પધાર્યા ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા તેમનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ મહંતને સન્માનપૂર્વક બગીમાં બેસાડ્યા હતા અને વાજતે-ગાજતે આખા ગામમાં તેમની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.
આ પ્રસંગની મહત્વની વાત એ છે કે ચંદ્રોડા ગામમાં આશરે ૯૫ ટકા મુસ્લિમ વસ્તી છે. અહીં મૂળ રાજસ્થાનથી સ્થળાંતરિત થયેલા મોલેસલામ દરબાર નાગોરી સમાજના લોકો વસે છે. ગામમાં મુસ્લિમ સમુદાયની બહુમતી હોવા છતાં, એક હિન્દુ સંત પ્રત્યેનો તેમનો આદર, પ્રેમ અને સત્કાર જાઈને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજના સમયમાં જ્યારે નાની-નાની વાતોમાં મનભેદ થતા હોય છે, ત્યારે ચંદ્રોડા ગામની આ ઘટનાએ સમાજને ભાઈચારાનો નવો રાહ ચીંધ્યો છે. લગ્ન પ્રસંગમાં સંત શ્રી બળદેવનાથજી મહારાજના આશીર્વાદ અને ગ્રામજનોનો ઉત્સાહ જાઈને આખું વાતાવરણ ભક્તિમય અને સ્નેહસભર બની ગયું હતું.








































