ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લીલીયા મોટાથી પુંજાપાદર સુધીના માર્ગનો વર્ષો જૂનો પ્રશ્ન હવે ઉકેલાવાની ખાતરી આપી હતી. શ્યામવાડીથી પુંજાપાદર સુધીના રસ્તાના નવીનીકરણ માટે તેમણે ઈરિગેશન અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પુલને પંચાયત હસ્તક લઈ સરકારમાંથી વહેલી તકે જોબ નંબર મેળવી કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત, લીલીયા શહેરમાંથી પસાર થતી નાવલીના વરસાદી પાણીના નિકાલ માટે શ્યામવાડી સુધીનો મજબૂત રસ્તો બનાવવા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આંબા, પુંજાપાદર અને ભેંસવડીને જોડતા માર્ગ પર બ્રિજ બનાવવા માટે પણ તપાસ કરવામાં આવી હતી. આંબા ગામમાં થયેલ ચોરીના બનાવમાં ભોગ બનનાર પરિવારની મુલાકાત લઈ ધારાસભ્યએ પોલીસ વિભાગને તાત્કાલિક આરોપીઓને પકડવા સૂચના આપી હતી. આ સમયે સ્થાનિક ભાજપના પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.