ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ મહુડી ટ્રસ્ટનો વિવાદ હવે વધુ આગળ વધ્યો છે. મહુડી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં મહુડી મંદિરના વહીવટ અને ટ્રસ્ટ સંચાલનમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિના આરોપ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. પૂર્વ સભ્યો અંકિત મહેતા અને જયેશ મહેતાએ વર્તમાન ટ્રસ્ટીઓ સામે ૧૩૦ કિલો સોનાની ચોરી અંગે આક્ષેપો કર્યા હતા.
મહુડી મંદિરના ટ્રસ્ટના પૂર્વ સભ્યોએ વર્તમાન ટ્રસ્ટીઓ સામે લગાવ્યા છે. મંદિરના હીવટ અને ટ્રસ્ટ સંચાલનમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિના આરોપ લગાવ્યો છે. પૂર્વ સભ્યો અંકિત મહેતા અને જયેશ મહેતાના આરોપો સામે વર્તમાન ટ્રસ્ટીઓએ વિવિધ સ્પષ્ટતા કરી છે. મહુડી ટ્રસ્ટના ભૂપેન્દ્ર વોરાએ જણાવ્યું કે, આરોપ લગાવનાર અંકિત મહેતા ૧૯ મહિના માટે પાસાની સજા ભોગવી મુક્યો છે. અંકિત મહેતા અને જયેશ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસના કારણે મહુડી સંઘના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. પદ પરથી દૂર કરાયા છતાં તેઓ ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી રહ્યા છે. ૨૦૧૨ માં સંઘના પૂર્વ ટ્રસ્ટી રશ્મભાઈ મહેતા કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લેતા પકડાતા તેઓનું રાજીનામું લેવાયું હતું. જે બાદ તેઓએ અન્ય ટ્રસ્ટીઓ પર ૬૫ કિલો સોનાની ચોરીના આરોપવાળી માણસા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, આરોપ મુજબ કઈ તથ્ય મળ્યું ન્હોતું.
તેઓએ આગળ કહ્યું કે, વર્ષ ૨૦૨૩ માં મહુડી તીર્થ ભંડારમાંથી નિલેશ મહેતા અને સુનિલ મહેતા સીસીટીવીમાં ઝડપાયા હતા, જેઓ અંકિત મહેતા અને જયેશ મહેતાના કુટુંબી હતા. વર્તમાન ટ્રસ્ટીઓ પણ ૬૫ કિલો સોનાની હેરાફેરીના આરોપ સામે તમામ કાયદાકીય પ્રક્રિયા હેઠળના ખરીદીના પુરાવા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૫ સુધીના ઓડિટ રિપોર્ટમાં પણ તમામ સોનાનો રેકોર્ડ ઉપલબ્ધ છે. લોકરમાંથી સોનાના દાગીનાની ચોરીના આરોપ હતા, લોકર કોઈ એક વ્યકિતથી નહીં પણ ૩ વ્યકિતઓની અલગ અલગ ચાવીથી ખોલી શકાય છે.
ભૂપેન્દ્ર વોરાએ જણાવ્યું કે, વર્તમાન ટ્રસ્ટીઓની નિમણૂંક ગેરકાયદે હોવાના આરોપ હતા, પણ તમામની નિયુકિત સામે આરોપ લગાવનારની પોતાની સહી છે. બંને વ્યકિતઓએ સત્તાની લાલચમાં અત્યંત નીચલી કક્ષાએ પહોંચી ગયા છે. આ બંને વ્યકિતઓનો અત્યંત ખરાબ ગુનાહિત ઈતિહાસ છે. વર્ષ ૨૦૨૩ માં ટ્રસ્ટના કેટલાક ખોટા રિપોર્ટ બનાવી પોતાની નિમણૂંક અંગેના ચેરિટી કમિશનર ઓફિસમાં જમા કરાવ્યા હતા. ચેરિટી કમિશ્નરે તેઓની અરજી ફગાવી દીધી હતી. અંકિત મહેતા અને તેમના ધર્મપત્ની પણ તમામ કૌભાંડમા સંડોવાયેલા છે, તેમની સામે એફઆઇઆર થઈ છે. તેમની સામે પણ ૧૦ જેટલા કેસ સરકાર સામે ચીટિંગના ચાલી રહ્યાં છે. પોતાના નામ બદલીને સતત કૌભાંડ કરી રહ્યા છે, કૌભાંડ કરવામાં અત્યંત માસ્ટરમાઈન્ડ છે. તમામ પ્રયત્નો કર્યા અને સફળ ન થયા એટલે વર્તમાન ટ્રસ્ટીઓને બદનામ કરવા તમામ પ્રયત્ન કરી રહ્યા છે.
તેઓએ જયેશ મહેતા અને અંકિત મહેતા સામે આક્ષેપ કરતા કહ્યું કે, આરોપ લગાવનાર બંને વ્યકિતઓને કોઈપણ હિસાબે ટ્રસ્ટમાં હોદ્દો જાઈએ છે, પણ તેમના ગુનાહિત ઇતિહાસના કારણે તેઓને કાઢી મૂકવામાં આવ્યા છે.









































