ભ્રષ્ટાચારથી ખદબદતા અમદાવાદ મ્યુનિસિપલ કાપારેશનમાં તમામ સ્તરના કર્મચારી/અધિકારીઓ કરપ્શનમાં ગળાડૂબ છે.છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અમદાવાદ મ્યુનિ. કાપા. ના ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓને લાખો રૂપિયાના લાંચકાંડમાં પકડી ચૂકી છે. એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે આજે એક નિવૃત્ત વાર્ડ ઇન્સ્પેક્ટરને ૪ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો છે.અમદાવાદ મ્યુનિસિપિલ કાપારેશનના ભ્રષ્ટાચારી અધિકારી/કર્મચારીઓને પકડી ભૂતકાળમાં નોંધપાત્ર કેસ કર્યા છે. ૧૦૬૪ નંબર પર અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાંથી અનેક ફરિયાદો મળી હતી. પૂર્વ અમદાવાદમાં આવેલા વિરાટનગર વાર્ડમાં પ્રાપર્ટી ટેક્સ આકારણીની કામગીરી કરનારા એએમસીના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે નાણા પડાવતા હોવાની ફરિયાદો મળી હતી. વિરાટનગરના રહીશો અને વેપારીઓને જુદાજુદા બહાના બતાવી ૧ હજારથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધી પડાવવામાં આવતા હોવાની રજૂઆતના પગલે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એન.પટેલે ડીકોય ગોઠવી હતી. પીઆઇ ડી એન પટેલે ડીકોયરની મદદથી લાંચનું છટકું ગોઠવતા એએમસીના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી (ઉ.વ. ૬૮ રહે. ડી-૧૦૦૪, આરોહી એલીજીયમ, સાઉથ બોપલ, અમદાવાદ) રૂપિયા ૪૦૦૦ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.એસીબીએ લાંચની રકમ લેનારા ગોવિંદભાઈ ડાભીની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. લાંચ કેસમાં પકડાયેલા આરોપી ગોવિંદ ડાભી વર્ષ ૨૦૧૫માં નિવૃત્ત થયાં છે. તેઓ અગાઉ અમદાવાદ મ્યુનિસિપિલ કાપારેશનના મધ્ય ઝોનમાં વાર્ડ ઇન્સ્પેક્ટર ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં હતાં. હાલ ગોવિંદભાઈને મહિને ૩૨ હજાર રૂપિયા પેન્શન મળે છે. એસીબીના તપાસ અધિકારી આગામી દિવસોમાં લાંચ કેસમાં ઝડપાયેલા કાપારેશનના કર્મચારી વિરૂદ્ધ રિપોર્ટ કરશે.