ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે કહ્યું છે કે ભારત અને ચીને અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફનો સંયુક્ત રીતે સામનો કરવો જોઈએ, કારણ કે તે ‘અન્યાયી અને ખોટું’ છે. તેમણે કહ્યું કે આ પડકારનો સામનો કરવા માટે બંને દેશોએ તેમની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવી જોઈએ. સોમવારે નવી દિલ્હીમાં જાપાન પર ચીનના વિજયની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, રાજદૂતે ભારત-ચીન સરહદ વિવાદ પર પણ વાત કરી અને કહ્યું કે આ મુદ્દા પર બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ સર્વસંમતિ બની છે. તે જ સમયે, તેમણે સંકેત આપ્યો કે ભારત-ચીન સંબંધોને કોઈ ત્રીજા દેશ (પાકિસ્તાન) દ્વારા અસર થઈ નથી.

ઝુએ અમેરિકાની ટેરિફ નીતિની આકરી ટીકા કરી. તેમણે કહ્યું, ‘અમેરિકા ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખોટું છે. દરેકને વેપારમાં ફાયદો થવો જોઈએ, પરંતુ અમેરિકા હવે ભારત પર ૫૦ ટકા સુધી ટેરિફ લાદી રહ્યું છે, જે સંપૂર્ણપણે અન્યાયી છે.’ તેમણે ભારત અને ચીનને આ ‘ખતરો’નો સંયુક્ત રીતે સામનો કરવા અપીલ કરી. તેમણે કહ્યું, ‘આપણી પાસે ૨.૮ અબજની વસ્તી છે. આપણી અર્થવ્યવસ્થા અને બજારો ખૂબ મોટા છે. આપણા લોકો મહેનતુ છે અને આપણી અર્થવ્યવસ્થા એકબીજાના પૂરક છે. આપણે આર્થિક અને વેપાર સહયોગ વધારવો જોઈએ.’

ચીનના રાજદૂતે ઓગસ્ટમાં એસસીઓ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ શીએ કહ્યું હતું કે ભારત અને ચીન બંને મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે. આપણે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એકબીજાને ટેકો આપવો જોઈએ. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત-ચીન સહયોગ ૨૧મી સદીને સાચી એશિયન સદી બનાવશે.’ આતંકવાદના મુદ્દા પર, રાજદૂતે કહ્યું કે ભારત અને ચીન બંને તેનાથી પીડાય છે. તેમણે કહ્યું, ‘અમે દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છીએ. ભારત સાથે મળીને, અમે વૈશ્વીક અને પ્રાદેશિક શાંતિ માટે કામ કરવા તૈયાર છીએ.’

ઝુએ કહ્યું કે ભારત અને ચીન બંને વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું, ‘આપણે રાષ્ટ્રીય વિકાસ માટે આપણા સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે એકબીજાને ટેકો આપવો જોઈએ, સાથે મળીને પ્રગતિ કરવી જાઈએ અને એકબીજાને સફળ થવામાં મદદ કરવી જોઈએ.’ તેમણે ભારતમાંથી ચીની કંપનીઓ માટે ન્યાયી અને ભેદભાવ રહિત વ્યવસાય વાતાવરણની આશા વ્યક્ત કરી. ઉપરાંત, તેમણે ભારતીય કંપનીઓને ચીનમાં રોકાણ કરવા અને તેમના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આમંત્રણ આપ્યું.