ભારતમાં કરોડપતિ વધી ગયા.
મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ ૨૦૨૫ પ્રમાણે ૨૦૨૧ની સરખામણીએ ભારતમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ભારતમાં હાલમાં કરોડપતિઓની સંખ્યા ૮,૭૧,૭૦૦ છે. આપણે ત્યાં કરોડપતિનો મતલબ જેની પાસે કરોડ રૂપિયા હોય એવો કરાય છે પણ આ રિપોર્ટમાં કરોડપતિનો મતલબ મિલિયોનેર થાય છે. અંગ્રેજીમાં મિલિયોનેર એટલે જેની પાસે ૧૦ લાખ ડોલરથી વધારેની સંપત્તિ હોય એવી વ્યક્તિ. ભારતીય રૂપિયામાં ફેરવો તો મિલિયોનેર એટલે જેની પાસે લગભગ ૯ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ છે એવી વ્યક્તિ. આ રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૧માં આવા મિલિયોનેર પરિવારોની સંખ્યા ૪.૫૮ લાખ હતી જે હવે વધીને ૮.૭૧ લાખથી વધારે થઈ છે. આ રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૭થી ૨૦૨૫ દરમિયાન મિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યામાં ૪૫ ટકાનો વધારો થયો છે.
ભારતમાં સૌથી વધારે કરોડપતિઓ મુંબઈમાં છે જ્યારે રાજ્યની રીતે મહારાષ્ટ્ર અવ્વલ છે. મહારાષ્ટ્રમાં ૧,૭૮,૬૦૦ કરોડપતિ પરિવારો છે તેમાંથી ૧,૪૨,૦૦૦ કરોડપતિ પરિવારો તો મુંબઈમાં જ રહે છે. દિલ્હીમાં ૬૮,૨૦૦ અને બેંગલુરુમાં ૩૧,૬૦૦ કરોડપતિ પરિવારો રહે છે.
ભારતમાં ૯ કરોડ રૂપિયા હજુય બહુ મોટી રકમ છે તેથી આ કરોડપતિ પરિવારોની જીંદગી બહેતર છે એ કહેવાની જરૂર નથી. ડોલરની રીતે આ પરિવારો કરોડપતિ નથી પણ લખપતિ જ છે પણ ડોલરનું રૂપિયામાં રૂપાંતરણ થાય ત્યારે રકમ કરોડોમાં થઈ જાય છે. આ કરોડપતિ પરિવારો સામાન્ય લોકો કરતાં વધારે લેવિશ લાઈફ જીવી શકે છે. વિદેશોમાં ફરી શકે છે, પોતાનાં સંતાનોને બહેતર શિક્ષણ આપી શકે છે પણ તેમની સરખામણીમાં ભારતીય કરોડપતિઓની હાલત બહુ સારી નથી.

ભારતીય કરોડપતિની શું કિંમત ?
ભારતીય ચલણમાં જેની પાસે એક કરોડ રૂપિયાની સંપત્તિ હોય એવા લોકોની સંખ્યા લાખોમાં હશે પણ તેમને કરોડપતિ ગણાવવા એ મશ્કરી કરવા જેવું કહેવાય કેમ કે ભારતીય ચલણમાં કરોડપતિ હોય તેની કોઈ કિંમત નથી. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં જેની પાસે કરોડ રૂપિયા હોય એ સારી જીંદગી જીવી શકે પણ શહેરી વિસ્તારમાં કરોડ રૂપિયાનું કશું મૂલ્ય નથી.
મુંબઈ, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, કોલકાત્તા જેવાં શહેરોમાં એક કરોડ રૂપિયામાં તો સારો ફ્‌લેટ ના જ મળે પણ હવે ગુજરાતમાં જ અમદાવાદ, સુરત, રાજકોટ જેવાં શહેરોમાં સારા ફ્‌લેટની કિંમત એક કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. ગુજરાતનાં મોટાં શહેરોમાં સારા મધ્યમ વર્ગીય વિસ્તારમાં ૩ બેડરૂમના ફ્‌લેટની કિંમત દોઢેક કરોડની આસપાસ છે જ્યારે પોશ વિસ્તારોમાં તો ત્રણ કરોડ રૂપિયા સિવાય ફ્‌લેટ નથી મળતા.
એક જમાનામાં કરોડપતિ અતિ ધનિક માટે વપરાતો અને જેની પાસે કરોડ રૂપિયા હોય તેનો ઠાઠ અલગ રહેતો. હજુ બે દાયકા પહેલાં સુધી આ સ્થિતી હતી પણ અત્યારે ગુજરાતનાં શહેરોમાં જેમની પાસે એકાદ કરોડ રૂપિયા હોય તેણે પણ સંઘર્ષ કરવો પડે એવી હાલત છે. પહેલાં કરોડ રૂપિયા હોય એ બેંકમાં ફિક્સ્ડ ડીપોઝિટ કરીને બેઠાં બેઠાં જલસાની જીંદગી જીવી શકતા. અત્યારે કરોડ રૂપિયાની એફ.ડી. કરો તો વરસે સાડા છ લાખ રૂપિયા વ્યાજ આવે. મતલબ કે, દર મહિને ૫૪ હજાર રૂપિયાની કમાણી થાય. બેંગલુરૂ કે દિલ્હી જેવા શહેરોની તો વાત જ ન થાય પણ ગુજરાતનાં મોટાં શહેરોમાં પણ મહિને ૫૪ હજાર રૂપિયામાં સારી રીતે રહેવું સંઘર્ષપૂર્ણ છે. પોતાનું ઘર કે વાહન હોય તો ચાલી જાય, બાકી ૫૪ હજાર રૂપિયામાં કંઈ ના થાય. તેમાં પણ એકથી વધારે સંતાનો હોય તો બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ જાય એવી સ્થિતી છે એ જોતાં ગુજરાતનાં શહેરોમાં પણ કરોડપતિ હો તો બહુ ખુશ થવા જેવું નથી. બીજી કોઈ કમાણી ના હોય તો આ કરોડપતિઓની હાલત સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો કરતાં સારી નથી હોતી.

ભારતીય કરોડપતિની કેમ કિંમત નથી ?
ભારતીય ચલણમાં કરોડ રૂપિયાની કિંમત નથી તેનું કારણ રૂપિયાનું સતત થતું અવમૂલ્યન છે. કોઈપણ ચલણ કેટલું શક્તિશાળી છે તેનું મૂલ્ય તેની ખરીદશક્તિના આધારે નક્કી થાય છે. કમનસીબે ભારતીય ચલણ રૂપિયાની ખરીદશક્તિ દુનિયાનાં શક્તિશાળી અર્થતંત્રો ધરાવતા દેશોની સરખામણીમાં કંઈ જ નથી.
મોદી સરકારની વાહવાહી કરવા માટે મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત બનાવ્યો હોવાના દાવા થાય છે પણ વાસ્તવમાં મોદી સરકારના ૧૧ વર્ષના શાસનમાં રૂપિયો સૌથી વધારે ઘસાયો છે. ૨૦૧૩-૧૪માં ડોલર સામે રૂપિયો ૫૮ રૂપિયાની આસપાસ હતો ને અત્યારે ભાવ ૮૯ રૂપિયા છે. મતલબ કે ૨૦૧૩-૧૪માં એક ડોલર લેવો હોય તો ૫૮ રૂપિયા ખર્ચવા પડતા જ્યારે અત્યારે ૮૯ રૂપિયા ખર્ચવા પડે છે. ટકાની રીતે જોઈએ તો છેલ્લાં ૧૧ વર્ષમાં ડોલર સામે રૂપિયો લગભગ ૫૫ ટકા ગગડ્‌યો છે.
ભારત આઝાદ થયો ત્યારે ૧ ડોલર સામે ૧ રૂપિયો મળતો હતો. એ પછી ધીરે ધીરે રૂપિયો ઘસાવા માંડ્‌યો પણ છતાં અત્યારના જેવી સ્થિતી નહોતી. ઈન્દિરા ગાંધીએ ૬ જૂન, ૧૯૬૬ના રોજ રૂપિયાનું ૩૬.૫૦ ટકા અવમૂલ્યન કરવાની જાહેરાત કરી ત્યારે અમેરિકાના એક ડોલર સામે ૪.૭૬ રૂપિયા મળતા. ઈન્દિરા ગાંધીના અવમૂલ્યનના નિર્ણયના કારણે રૂપિયો ગગડીને ૭.૫૦ પર પહોંચી ગયેલો. પછીનાં વરસોમાં રૂપિયો ડોલર સામે નબળો પડતો ગયો એ હકીકત છે કેમ કે ભારતની નિકાસ આયાત કરતાં કદી ના વધી પણ છેલ્લા એક દાયકામાં થયેલું ધોવાણ અભૂતપૂર્વ છે. ઈન્દિરા ગાંધીના અવમૂલ્યનના નિર્ણયના કારણે રૂપિયો લગભગ ૫૭ ટકા તૂટેલો જ્યારે અત્યારે એવા કોઈ નિર્ણય વિના એક દાયકામાં રૂપિયો ૫૫ ટકા તૂટ્યો છે.
રૂપિયાના અવમૂલ્યનની અસર ભારતમાં ભાવો પર પડી રહી છે અને મોંધવારી વધી છે કેમ કે ભારત વધારે પડતો આયાત પર નભતો દેશ છે. આપણે કોઈપણ પ્રોડક્ટ બનાવવા માટે મોટાભાગનો કાચો માલ અને ટેકનોલોજી સુધ્ધાં વિદેશથી લાવવી પડે છે. રૂપિયો ડોલર સામે નબળો પડતો જાય છે તેના કારણે કંઈપણ વિદેશથી મંગાવો એટલે તેના માટે ચૂકવવી પડતી રકમ વધતી જ જાય છે તેથી પડતર કિંમત પણ વધે છે. આ કારણે રૂપિયાની ખરીદશક્તિ નબળી પડતી જાય છે અને ભારતીય રૂપિયાની કોઈ કિમત નથી રહી.

ભારતીય રૂપિયાને કઈ રીતે મજબૂત બનાવી શકાય ?
ભારતીય રૂપિયાને મજબૂત બનાવવા માટે નિકાસ વધારવી પડે અને આયાત ઘટાડવી પડે. દુનિયામાં આર્થિક મહાસત્તા ગણાતા દેશો જબરદસ્ત નિકાસ કરે છે અને તેમની આયાત ઓછી છે. કમનસીબે ભારત દુનિયામાં સૌથી વધારે નિકાસ કરતા દેશોની યાદીમાં બહુ પાછળ છે. ભારત ટોપ ટેન દેશોમાં છે પણ આર્થિક મહાસત્તા ગણાતા દેશોની નિકાસની સરખામણીમાં ભારતની નિકાસ નગણ્ય છે.
ચીન લગભગ ૩.૮ ટ્રિલિયન ડોલરની નિકાસ સાથે વિશ્વમાં નંબર વન છે જ્યારે અમેરિકાની નિકાસ ૩.૨ ટ્રિલિયન ડોલર છે. જર્મની ૧.૯૫ ટ્રિલિયન ડોલરની નિકાસ કરે છે જ્યારે જાપાન ૮૦ હજાર કરોડ ડોલરની નિકાસ કરે છે જ્યારે ફ્રાન્સ ૧.૧૨ ટ્રિલિયન ડોલર અને યુકે ૧.૧૧ ટ્રિલિયન ડોલરની નિકાસ કરે છે.
યુરોપીયન યુનિયનની નિકાસ તો ૭ ટ્રિલિયન ડોલરની નજીક છે.
આર્થિક મહાસત્તા ગણાતા દેશોની નિકાસ લાખો કરોડ ડોલરમાં છે જ્યારે આપણે હજુ હજારોમાં રમીએ છીએ. ભારત કરતાં બહુ ઓછી વસતી ધરાવતા દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ્‌સ, કેનેડા, મેક્સિકો, સિંગાપોર સહિતના દેશો ભારત કરતાં બહુ વધારે નિકાસ કરે છે.
મોદીએ આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે આત્મનિર્ભર ભારત સહિતના કાર્યક્રમો શરૂ કર્યા છે. અત્યારે પણ મોદી સતત બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવાની તરફેણ કરે છે પણ ધાર્યાં પરિણામ નથી મળતાં. મોદી અમેરિકા સહિતના દેશો પર નિર્ભરતા ઘટાડવાની તરફેણ કરે છે એ સૈધ્ધાંતિક રીતે સાચી વાત છે પણ તેમાં વરસો લાગી જાય એ જોતાં આપણે આશાવાદી બનીને રાહ જોઈએ.