તાજેતરમાં ભારતે ઈરાનના વિષય પર ગુલાંટ મારી. ઈરાનના ચાબહાર બંદરને નિધિ બંધ કરી. તે પણ યુદ્ધ પહેલાં, ૧ ફેબ્રુઆરીએ વહી ખાતું પ્રસ્તુત થયું ત્યારે. વહી ખાતું ૧ ફેબ્રુઆરીએ તૈયાર થાય તેનો અર્થ એ નથી કે તે ૩૧ જાન્યુઆરીએ જ તૈયાર થયું હશે. તેની તૈયારીમાં એકાદ મહિનો તો ઓછામાં ઓછો ગયો જ હોય. અને એટલે ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ-અમેરિકાએ ભેગા મળીને ઈરાનના સર્વોચ્ચ વડા આયાતોલ્લાહ ખામેનેઈને દોઝખશરણ કરી દીધા તેના બે મહિના પહેલાં ભારતને અણસાર હોવો જોઈએ.
ઈરાન ભારતનું મિત્ર છે અને અમેરિકા મોદી સરકારને ઉથલાવવા માટે આકાશપાતાળ એક કરે છે તે બધી વાતો બોદી, વણસમજી, અધકચરી છે. ઈરાન ભારતનું મિત્ર ગાઢ નહોતું. આવું ગાઢ મિત્ર તો રશિયા જ્યારે સોવિયેત સંઘ હતું ત્યારેય નથી રહ્યું, ભલે વડાપ્રધાન મોદી સ્વયં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ઉપસ્થિતિમાં દાયકાઓ જૂની મિત્રતાના ગુણગાન ગાતા હોય (એ ગાવા પડે, આપણેય કોઈ મહાનુભાવ મળવા આવે કે મળે ત્યારે નથી સ્તુતિગાન કરતા?) પરંતુ ૧૯૬૫ના પાકિસ્તાન
યુુધ્ધ સમયે સોવિયેત સંઘે અમેરિકાને નીચું પાડવા પાકિસ્તાન તરફી ઝૂકી જઈને અને વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુનું કારણ થવા દઈને ભારતને છેહ જ દીધો હતો.
ઈરાનના ખામેનેઈએ ૨૦૧૯માં ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી અનુચ્છેદ ૩૭૦ દૂર કરી બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા ત્યારે કે પછી દિલ્લી ૨૦૨૦ની સીએએ વિરોધી મુસ્લિમો દ્વારા હિંસા સમયે ભારત વિરોધી વલણ લઈ કટ્ટર મુસ્લિમોનો સાથ આપ્યો હતો. ઈ. સ. ૧૯૬૫ અને ઈ. સ. ૧૯૭૧ના યુધ્ધ સમયે તેમજ ૨૦૨૫ના આૅપરેશન સિંદૂર સમયે પાકિસ્તાનને સહાય કરી હતી.
ખામેનેઈના પિતા આયાતોલ્લાહ ખોમૈની ઈ. સ. ૧૯૭૯માં સત્તામાં આવ્યા ત્યારે ઇસ્લામિક દેશોના તારણહાર બનવા માટે તેમણે વધુ કટ્ટરતા અપનાવી હતી. સલમાન રશ્દીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ સામે જો ફતવો બહાર ન પાડ્યો હોત તો જે અભણ છે કે અંગ્રેજી નથી જાણતા તેવા મુસ્લિમોને ખબર પણ ન પડી હોત. પરંતુ તેનાથી ભારતમાં મુસ્લિમોમાં કટ્ટરતા ભડકી. કારણ વગર (અત્યારે જેમ ખામેનેઈ મર્યા તેના લીધે ભારતમાં હિંસક પ્રદર્શનો શિયાઓએ કર્યા તેમ) હિંસક પ્રદર્શનો થયાં.
અગાઉ આૅલરેડી શાહબાનો કેસ પર સુન્ની કટ્ટરતાની આગ જાગેલી હતી પરંતુ સલમાન રશ્દી પછી તેમાં શિયા વડાએ પેટ્રાલ નાખતા ભારતમાં સરવાળે સમગ્ર મુસ્લિમોમાં કટ્ટરતાનું મોજું ફરી વળ્યું. તેમાં ભળ્યું તુષ્ટિકરણનું તેલ ! કાંગ્રેસે શરૂઆત કરી. તેના વિરોધમાં, કાંગ્રેસમાંથી જ બળવો કરીને નીકળેલા વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર વગેરેએ બનાવેલા જનતા દળ અને તેમાંથી સર્જાયેલા મુલાયમસિંહ યાદવના સમાજવાદી પક્ષ, લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ, રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી, જય ભીમ-જય મિમના સહારે સત્તા મેળવવા માગતા કાંશીરામ-માયાવતીના બસપ, અને ડાબેરી પક્ષો તો હોય જ, એ બધાએ મુસ્લિમ તુષ્ટિકરણનો ભૂંડો ખેલ શરૂ કર્યો.
તેની પ્રતિક્રિયા રૂપે હિન્દુઓમાં રોષ જાગ્યો એટલે રાજીવ ગાંધીએ આવી રહેલી ચૂંટણી જીતવા શ્રી રામમંદિરનો શિલાન્યાસ થવા દીધો. શ્રી રામમંદિરનું આંદોલન વેગીલું બન્યું. અટલજીનો અંત્યોદયવાદી-નહેરુ બ્રાન્ડ રાજકારણવાળો ભાજપ અડવાણીજીના નેતૃત્વમાં હિન્દુત્વના રાજકારણ તરફ વળ્યો જેમાં તેને સફળતા મળી. ૧૯૮૫ પહેલાં કાંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરતી હતી પરંતુ ૧૯૮૦ના દાયકામાં જે રીતનું તુષ્ટિકરણ શરૂ થયું અને પછી ઇફ્તાર પાર્ટીઓ શરૂ થઈ તે આગળ જ વધતું ગયું.
આ તરફ પાકિસ્તાનમાં ઝિયા ઉલ હકે ઈ. સ. ૧૯૮૦ના દાયકામાં કટ્ટરતાને આગળ વધારી અને શરિયતના નિયમો લાગુ કરી દીધા. પાકિસ્તાનમાં રાજકારણમાં સફળ થવું હોય તો સિંધી મુસ્લિમ પરિવારની બેનઝીર ભુટ્ટોએ પણ કટ્ટરતાને હવા આપવી પડે અને ભારત સામે કાશ્મીર મુદ્દે હજારો વર્ષ સુધી યધ્ધ લડતા રહીશું તેમ કહેવું પડે. ઝિયા ઉલ હક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામે તો તેની પ્રતિક્રિયા કાશ્મીરમાં સુન્નીઓ શિયાઓની સામે હિંસા કરીને આપે ! કારણકે તેમને શંકા હતી કે શિયાઓએ ઝિયા ઉલ હકની હત્યા કરાવી છે કારણકે ઝિયા મર્યા ત્યારે શિયાઓની હત્યાનો ખેલ ચરમસીમાએ પહોંચી ચૂક્યો હતો. પાકિસ્તાનમાં પણ ઝિયા મર્યા તે પહેલાં તો કટ્ટર સુન્નીઓ જોરમાં આવીને શિયાઓની હત્યા કરતા જ હતા પણ ઝિયા મર્યા પછી તો શિયાઓની દશા કફોડી થઈ ગઈ. આજેય ગત ૬ ફેબ્રુઆરી ૨૦૨૬એ ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ બહાર બામ્બ ધડાકામાં ઓછામાં ઓછા ૩૧ શિયાઓ માર્યા ગયા તેવા બામ્બ ધડાકા થાય છે.
આ બધું ખોમૈનીના પ્રતાપે. અને તમે કટ્ટરતા કેવી તીવ્ર અને કેટલી લાંબી ચાલે છે તે જુઓ. સલમાન રશ્દીની હત્યા કરવાની છે તેવો ખોમૈનીનો ઈ. સ. ૧૯૮૯નો આદેશ કટ્ટર મુસ્લિમ ૩૩ વર્ષ પછી નહોતો ભૂલ્યો અને ૧૨ આૅગસ્ટ ૨૦૨૨ના દિને ન્યૂ યાર્કમાં તેમના પર ચાકૂના અનેક ઘા મારી ગંભીર ઈજાગ્રસ્ત કરી દીધા. આ બધું કોના કારણે? ખોમૈની. યાદ રહે, મુસ્લિમ સલમાન રશ્દી પર ચાકૂના ઘા મારનાર એક મુસ્લિમ જ હતો. શિયાઓ જેને માને છે તે ઈમામ હુસૈને તે ઈમામ હુસૈનની હત્યા કરનારા મુસ્લિમ જ હતા. અત્યારે ઈરાનમાં ઈઝરાયેલ-અમેરિકા ભેગા મળી આક્રમણો કરે છે ત્યારે ૫૩માંથી ઈરાનને બાદ કરો તો બાકીના ૫૧ દેશો ચૂપ છે. અને ઈરાને પણ ઈઝરાયેલ-અમેરિકાના આક્રમણનો ઉત્તર ક્યાં આક્રમણ કરીને આપ્યો? અમેરિકામાં? ના. ઈઝરાયેલમાં તેણે આક્રમણો કર્યાં, પણ તેને બાદ કરતાં બીજાં આક્રમણો તો સાઉદી, યુએઈ, કુવૈત, કતાર, બહરૈન, ઈરાક, જાર્ડન, તુર્કીમાં.
ભારતમાં શિયાઓ ગાઝાના સુન્ની મુસ્લિમો હમાસ મારફતે ઇઝરાયેલ સામે ત્રાસવાદ ફેલાવે અને સાત આૅક્ટોબર ૨૦૨૩એ બર્બર હિંસાનું ક્રૂર પ્રદર્શન કર્યું તેવું કરે તેના ઉત્તરમાં ઇઝરાયેલ ત્રાટકે ત્યારે ગાઝા, ગાઝા મંડી પડે છે. પાકિસ્તાનમાં શિયાઓની હત્યા થાય ત્યારે ભારતના શિયા મુસ્લિમોને પોતાના જાતભાઈઓ પ્રત્યે સંવેદના નથી જાગતી. પણ ઈરાનના કટ્ટર ખામેનેઇએ ઈરાનમાં જ શિયા મહિલાઓની જે સ્થિતિ કરી, મહસા અમીની સહિત અનેક મુસ્લિમ મહિલાઓ તેનો હિંસક શિકાર બની, મોંઘવારી વધી તો ઈરાનમાં વિદ્રોહ થયો ત્યારે અનેકો જાતભાઈઓને મરાવી નાખ્યા તે ભૂલી જઈ ભારતના શિયા મુસ્લિમો ખામેનેઈ માટે અહીં હિંસક તોડફોડ કરે છે.
પરંતુ ભારતે ૧ ફેબ્રુઆરીના વહીખાતા દ્વારા ઈરાન સાથે અંતર વધારી દીધું. (પણ માનવાતાભર્યું વલણ બંધ નથી કર્યું. તાજેતરમાં ઈરાનના જહાજ આઈરિશ લવાનને ભારતના કોચીમાં લાંગરવા દઈ ૧૮૩ ખલાસીઓને ભારતે બચાવ્યા જ અને જે જહાજ ડેને અમેરિકાએ ફૂંકી માર્યું તે આંતરરાષ્ટ્રીય જળ સીમામાં હતું) વડા પ્રધાન મોદીજી ઈરાન પર ઇઝરાયેલ-અમેરિકાના આક્રમણના બે જ દિવસ પહેલાં ઈઝરાયેલ હતા અને ૧૧૨ ઈંચની છાતી સાથે હમાસના ત્રાસવાદી આક્રમણો બાબતે ‘જો’ અને ‘તો’ ઇઝરાયેલને સમર્થન આપતા હતા. એટલું જ નહીં, ઈરાન પર આક્રમણ પછી બહુ ઓછા દેશો ઈઝરાયેલ પડખે ઊભા રહેશે તેવી સ્થિતિમાં ઈઝરાયેલ સાથે સંરક્ષણ અને ટૅક્નાલાજી, ખેતીમાં ઇનાવેશન સેન્ટર, ઇઝરાયેલમાં ભારતીય શ્રમિકોને કામ વગેરે અનેક સમજૂતીઓ કરીને આવ્યા. સ્મરણ રહે કે અત્યારે અમેરિકાને કૃપાનિધાન અને ભારતને મૌન કહેનારા વાંકદેખુ કલમઘસુઓ ભૂલી જાય છે કે અત્યાર સુધી અમેરિકાના વિરોધ છતાં ઈરાન પાસેથી તેલ ખરીદવા સહિત ચાબહાર બંદરના વિકાસ વગેરે બાબતે સક્રિય નીતિ ચાલુ જ હતી. આ બાબતે યુપીએ સરકારના વડા પ્રધાન મનમોહનસિંહની પણ પ્રશંસા કરવી પડે જેમણે અમેરિકા જઈને અમેરિકાના ઈરાક પર યુધ્ધને ગંભીર ભૂલ ગણાવી હતી.
અને ૨૦૨૦માં ડાબેરી અને ડીપ સ્ટેટના ખાસ જા બાઇડેન સત્તામાં આવ્યા પછી ભારતમાં મોદી સરકારને ઉથલાવવા માટે જે પ્રયાસો થયા તે છૂપા નથી. ચાહે તે ખેડૂત આંદોલન હોય કે લદ્દાખમાં સોનમ વાંગચુક (અમેરિકાના લેફ્ટ-લિબરલો તેના તરફીઓને ટાઇમ્સ જેવા મેગેઝિનમાં પહેલાં પ્રમાટ કરી દે છે, પછી તે સોનમ વાંગ્ચુક હોય કે નેપાળના બાલેન્દ્ર શાહ કે પછી કેજરીવાલ)નું આંદોલન હોય, સુપારી સંસ્થા હિંડનબર્ગનો અદાણી સામેનો અહેવાલ હોય કે પછી અમેરિકાના રાજદ્વારીઓનું ૨૦૨૪ની ચૂંટણી પહેલાં વિપક્ષના નેતાઓને મળવું હોય. આ બધા સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝીંક ઝીલી છે. અને વટ કે સાથ ૨૦૨૪માં ભલે ૨૪૦ તો ૨૪૦ બેઠક સાથે સત્તામાં ત્રીજી વાર પુનરાગમન કર્યું છે.
ડાનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ વખતે જેવા હતા તેવા ૨૦૨૪ની અવધિમાં નથી. તેમની વિવશતા છે. ‘અમેરિકાને ફરીથી મહાન’ બનાવવાના વચન સાથે તેઓ સત્તામાં આવ્યા છે. એટલે એ સીમા શુલ્ક ઝીંકે તેમાં આપણા લોકો તેમને ગાંડિયા કહી શકે છે. પરંતુ તે તેમની દેશની નીતિ છે. અને આ સીમા શુલ્ક ઝીંકાયા ત્યારે પણ અમેરિકાના
કૃષિ અને ડેરી ઉદ્યોગોને તેમજ ઊર્જા બાબતે મોદીજીએ મચક નથી આપી. આથી ટ્રમ્પ વારેઘડીએ એવી જાહેરાતો કરતા રહે છે જેના કારણે ભારતના મોદી દ્વેષમાં ભારત વિરોધી થઈ ગયેલા લોકો કહે છે કે ભારત (એટલે મોદી) ટ્રમ્પને શરણે થઈ ગયા છે.
દા. ત. આૅપરેશન સિંદૂરને ભારતે પાકિસ્તાનની વિનંતી પર અટકાવી દીધું, તેના મુદ્દે ટ્રમ્પ અનેક વખત પોતે યુદ્ધ અટકાવ્યાનું વાજુ વગાડી ચૂક્યા છે. અત્યારે રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાએ ૩૦ દિવસની છૂટ આપી છે તેવું પણ વાજું વગાડી ચૂક્યા છે.
જેમ મનમોહનસિંહના શાસનમાં ભારતે લુક ઇસ્ટ નીતિ અપનાવી હતી તેમ નરેન્દ્ર મોદી શાસનમાં એક્ટ ઇસ્ટની નીતિ અપનાવી છે. મનમોહનસિંહ શાસનમાં ભારત અમેરિકા પ્રત્યે વધુ ઝૂક્યું હતું. પરંતુ મોદી શાસનમાં ભારત સમય સંજોગો અનુસાર અમેરિકા, ચીન, ફ્રાન્સ અને રશિયા સાથે પોતાની મિત્રતા વધારે-ઘટાડે છે. ચીન જો ડોકલામ અને ગલવાનમાં ૨૦૨૦માં સળી કરવા આવે તો તેને વીર સૈનિકો તો ઉત્તર આપે જ, પરંતુ વેપાર-ધંધામાંય ફટકો પાડે. વડા પ્રધાન ૨૦૨૦થી લાલ કિલ્લા પરથી આત્મનિર્ભર થવા અને ‘વાકલ ફાર લાકલ’ થવા અને દર મહિને ‘મન કી બાત’માં તો સતત આ બાબતનું સ્મરણ કરાવતા રહે છે. ટિકટાક સહિતની ઍપ પર ડિજિટલ સ્ટ્રાઇક તો થઈ જ છે. પરંતુ જ્યારે ગલવાન અને લદ્દાખ સીમાએથી ચીને સૈનિકો હટાવ્યા પછી તેની સાથે સંબંધો ન અતિ, ન અલ્પના ન્યાયે સ્થાપી દીધા.
યુક્રેઇન-રશિયા યુદ્ધમાં તટસ્થ નીતિ અપનાવી પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદી રિફાઇન કરી યુરોપને વેચી કમાણી કરી લીધી. આ કહેવાય વાણિયા નીતિ ! યુરોપ રશિયા પાસેથી તેલ ન ખરીદવા કહે તો વિદેશ પ્રધાન એસ. જયશંકર તેમની ભૂમિ પર જઈને સંભળાવી આવે કે પહેલાં તમે તેલ ખરીદવાનું બંધ કરો. તમારા શત્રુ એ જગત આખાના શત્રુ એવું પહેલાં તમે થોપી શકતા હતા, હવે નહીં થોપી શકો.
આવું યુરોપને સંભળાવવા છતાં, જ્યારે ટ્રમ્પે ‘ટેરિફ’ને શસ્ત્ર બનાવ્યું ત્યારે મોદીજીએ યુરોપના જ જર્મની, ફ્રાન્સ, યુકે, ઇયુ (યુરોપીય સંઘ) સાથે અને તે ઉપરાંત ડાનાલ્ડ ટ્રમ્પ અત્યારે જેને શત્રુ બનાવી બેઠા છે તે કેનેડા સાથે વેપાર સમજૂતીઓ કરી. યુએઇના પ્રમુખ શૈખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન જાન્યુઆરી ૨૦૨૬માં ભારત આવીને વેપાર સમજૂતીઓ કરી ગયા. એ પછી જ ફેબ્રુઆરીમાં ઘાંઘા થયેલા ટ્રમ્પે ભારત સાથે વેપાર સમજૂતીની એકપક્ષીય જાહેરાત અમેરિકા બેઠાં કરી દીધી ! ભારતે તેને વધાવી પણ લીધી કારણકે સીમા શુલ્ક પચાસ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવાની વાત હતી. (હજુ તેના પર સહી તો થઈ જ નથી.) તેમ છતાંય રાહુલ ગાંધી સહિત વિપક્ષો અને તેમનાં ‘વાયર્ડ’ વાજિંત્રો કહે છે કે ભારત અમેરિકાને ઘૂંટણિયે પડી ગયું.
અને ડાનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ભારતને શું લાભ થયો એ પણ જોવું જોઈએ. ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ લગભગ શાંત છે. ટ્રમ્પની ધમકી પછી કેનેડામાં ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો અદૃશ્ય થઈ ગયા. માર્ક કાર્ની સત્તામાં આવ્યા અને તેમણે ભારત તરફી નીતિ અપનાવી. તેઓ ભારત પણ આવી ગયા. ટ્રમ્પે બાંગ્લાદેશમાં ભારતે જે કરવું તે કરવાની સત્તાવાર સાર્વજનિક રીતે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫એ છૂટ આપી દીધી અને પરિણામ એ છે કે બાંગ્લાદેશમાં ડીપ સ્ટેટના માનીતા અને ભારત વિરોધી, હિન્દુ વિરોધી મોહમ્મદ યુનૂસના સ્થાને હવે ખાલિદા ઝિયાના પુત્ર તારીક રહેમાન વડા પ્રધાન બની ગયા છે. કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી આટલા બધા ઉધામા છતાં સત્તામાં ન આવી શકી. જોકે તારીક રહેમાનથી પણ સાચવવું તો રહ્યું જ. તો બાજુના નેપાળમાં ચૂંટણીમાં વામપંથીઓનો સફાયો થઈ ગયો છે જે ચીન માટે ચૅક મેટ છે. શ્રીલંકામાં ચૂંટાયેલા પ્રમુખ અનુર કુમાર દિશાનાયકે ભલે માર્ક્સિસ્ટ હોય પરંતુ ભારત તરફી છે જ. પશ્ચિમે અફઘાનિસ્તાનમાં વૈચારિક વિરોધી, માનવતા વિરોધી છતાં પાકિસ્તાનની ખો કાઢવા માટે તાલિબાન સાથે સારા સંબંધ કર્યા છે. આથી તાલિબાન પાકિસ્તાનને રાતા પાણીએ રોવડાવે છે. તો, પાકિસ્તાનમાં બલોચોનો જુસ્સો પણ ઓછો નથી. ‘ધૂરંધર’ બલોચોની વાત કહેતી ફિલ્મ બને અને સેન્સર બાર્ડમાંથી અનુમતિ પામે અને પાકિસ્તાનને (અને ભારતમાંના પાકિસ્તાન પ્રેમીઓને) મરચાં લાગી જાય.
આ બધા છતાં ભારતની વર્તમાન વિદેશ નીતિ બાબતે રોદણાં રોનારાને રોવા દેવાના, તેમને રૂમાલ પણ નહીં આપવાનો. મરચાંનો ધૂમાડો આપવાનો !










































