ભારતની વસ્તી ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહી છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમના ૨૦૨૩ ના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.એસઆરએસ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં પ્રજનન દર ઘટી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં કાર્યકારી વયની વસ્તી (૧૫-૫૯ વર્ષ) નું પ્રમાણ વધી રહ્યું છે. જાકે, ૦-૧૪ વય જૂથની  વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, ૧૯૭૧ થી ૧૯૮૧ દરમિયાન ૦-૧૪ વય જૂથનો હિસ્સો ૪૧.૨ ટકાથી ઘટીને ૩૮.૧ ટકા થયો હતો, જ્યારે ૧૯૯૧ થી ૨૦૨૩ દરમિયાન આ આંકડો ૩૬.૩ ટકાથી ઘટીને ૨૪.૨ ટકા થયો હતો. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જાહેર કરાયેલા એસઆરએસ ડેટામાં જાણવા મળ્યું છે કે આ જ સમયગાળા દરમિયાન, દેશનો કુલ પ્રજનન દર ૧૯૭૧ માં ૫.૨ થી ઘટીને ૨૦૨૩ માં ૧.૯ થયો છે.એસઆરએસ દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં લગભગ ૮૮ લાખ લોકોની વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશ્વના સૌથી મોટા વસ્તી વિષયક સર્વેક્ષણોમાંનો એક છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, ૦-૧૪ વર્ષની વય જૂથમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા વધુ છે. અપવાદ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોનો છે જ્યાં છોકરીઓનું પ્રમાણ વધુ છે.એસઆરએસ રિપોર્ટ મુજબ, ભારતમાં કાર્યકારી વય જૂથનું પ્રમાણ ૧૯૭૧ માં ૫૩.૪ ટકાથી વધીને ૨૦૨૩ માં ૬૬.૧ ટકા થયું છે. સૌથી વધુ ટકાવારી દિલ્હીમાં (૭૦.૮ ટકા) છે, ત્યારબાદ તેલંગાણા (૭૦.૨ ટકા) અને આંધ્રપ્રદેશ (૭૦.૧ ટકા) છે, જ્યારે સૌથી ઓછી ટકાવારી બિહારમાં (૬૦.૧ ટકા) નોંધાઈ છે. રિપોર્ટ મુજબ, શહેરી વિસ્તારોમાં આ શ્રેણી ૬૮.૮ ટકા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો ૬૪.૬ ટકા છે.એસઆરએસ રિપોર્ટ જણાવે છે કે ભારતમાં, જમ્મુ અને કાશ્મીરમાં ગ્રામીણ મહિલાઓ અને આસામમાં શહેરી પુરુષોનો કાર્યકારી વય જૂથમાં સૌથી વધુ હિસ્સો છે. દેશમાં વૃદ્ધોની વસ્તીમાં પણ વધારો થયો છે. ૨૦૨૩ માં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો વધીને ૯.૭ ટકા થયા છે. કેરળ (૧૫.૧ ટકા), તમિલનાડુ (૧૪ ટકા) અને હિમાચલ પ્રદેશ (૧૩.૨ ટકા) આ શ્રેણીમાં મોખરે છે.