‘‘બોસ, મારે સ્કૂટર લેવું છે.’’
બકાની વાત હાંભળી ને બોસને નવાઈ લાગી. બકા પાંહે સાયકલ નથી, અને સીધું જ સ્કૂટર લેવું છે? બોસે બકાને ખખડાવ્યો..
‘‘બકા, તારે હારી સાયકલનો વેંત નથી. તને સાયકલ આવડતી ‘ય નથી અને સીધું જ સ્કૂટર લેવું છે? ’’‘‘હા બોસ હા, મારે સ્કૂટર લેવું છે.’’
બોસને એમ કે, મોળું વરહ છે, એટલે બકાને કોઈ નવો ધંધો- બંધો કરવો હશે. બકાને કોઈએ રેપીડો- બેપીડોની વાત કરી હશે. એટલે બોસે કહ્યું.
‘‘બકા, તારે ધંધો જ કરવો હોય તો જૂનું- બુનું સ્કૂટર લય લેવાય. એક વાર ધંધો ફાવી જાય પછી વધારે પૈસાનું રોકાણ કરાય.’’ ‘‘ના બોસ ના… મારે જૂનું સ્કૂટર ના હાલે. મારે તો ઉપરના ફોટા માયલું સ્કૂટર લેવું છે.’’ ‘‘બકા, એવું સ્કૂટર તો દોઢેક લાખ રૂપિયાનું આવે. આટલા બધા પૈસા તારી પાંહે છે?’’
‘‘ગામમાંથી વ્યાજે લય લેહું. પણ સ્કૂટર તો આવું જ હાલે.’’
‘‘બકા, તારે રેપીડો ચેઈનમાં જોડાવું છે? એમાં તો જૂનું ‘ય હાલે.’’
‘‘રેપીડો ? ઈ વળી શું છે?’’
‘‘બકા, એમાં રીક્ષાની માફક તારે પેસેન્જરને લઈને જવાનું હોય. અને એનું તને ભાડું મળે.’’
‘‘ના..રે..ના બોસ. ઈ બીરબલની ખીચડી કયારે પાકે ? અને કયારે આપણે ખાવા ભેગા થાઈ ?’’
‘‘તો પછી તારે સ્કૂટર લયને કરવું છે શું? પૈસાવાળાના છોકરાઓ રોલા પાડે, એવા રોલા પાડવા છે? એ હંધાયને એના બાપા કમાતાં હોય છે. અને છોકરાઓ પૈસા ઉડાડતાં હોય છે. (બી.પી.એલ.ની જમાત) પણ, તારે તો તું જ બાપ છો. એનું શું?’’
‘‘બોસ, મારે હાંજ પડે ને તાવડી તેર વાના માંગે છે. મારે એવા રોલા પાડવા પોહાય? અને હું રોલા પાડવામાં હાલું ‘ય નહીં. મારે તો નબળાં વરહને હિસાબે સાઈડમાં કોઈ ધંધો- બંધો કરવો છે.’’
‘‘બકા, તારી વાત હાવ હાચી છે. પગ ઉપર પગ ચડાવીને બેહવું, એનાં કરતાં કોઈ ધંધો કરવો જોઈએ અને કોઈ ધંધો નાનો કે મોટો નથી. આખરે ધંધો ઈ ધંધો હોય છે. પણ, મને ઈ નથી હમજાતું કે, તારાં ધંધામાં નવા સ્કૂટરની કેમ જરૂર છે?’’
‘‘બોસ, ઈ હંધૂય તમે હમણાંને હમણાં નહીં પૂછો. કેટલાક ધંધા ટોપ સિક્રેટ હોય છે.’’
‘‘લે..કર..વાત.!! તને તો ઈંગ્લીશેય ફાવે છે ને કંઈ.’’
‘‘આ બધી અભણ અમથાલાલની મહેરબાની છે.’’
‘‘ઈ હંધૂય તો બરાબર છે. પૈસાની સગવડે ‘ય થઈ જાહે.
પણ, જરા તો હિંટ આપ કે, તારો ધંધો ખોટો તો નથી ને? તારા ધંધામાં કમાણી તો છે ને ? કારણ કે, નવા સ્કૂટરના હપ્તા કોણ ભરશે?’’
‘‘બોસ બોસ, હપ્તાની તો તમે વાત જ ના કરશો. જો હંધૂય હમું હુતરું હાલ્યું ને તો તો હું થોડા જ સમયમાં સ્કૂટર છોડાવી પણ લઈશ એટલે હપ્તા ભરવાના બંધ.’’
‘‘બકા, આવા ધંધા તો બે ત્રણ છે. એક છે જુગાર. પણ, જુગાર તો તું રમે નહીં. લોટરીમાં તું માનતો નથી. વધ્યો ધંધો દારૂનો.
બકા..! તું દારૂનો ધંધો કરવાનો છો ?’’
‘‘બોસ, તમે ગમે એટલું રોકાણ કરીને ધંધો શરૂ કરો, પણ તમારે ગ્રાહક ગોતવા જાવું જ પડે. પણ, ગુજરાતમાં એક જ ધંધો એવો છે, એમાં ગ્રાહક તમને ગોતતો -ગોતતો આવે. એક પૈસાની ઉધારી નહીં. ભાવ કરવાની રકઝક જ નહીં અને જૂઓ બોસ, ગ્રાહકની લાઈન લાગે લાઈન.’’
‘‘અરે..બકા, તારી જાણ ખાતર કહી દઉં કે, ગુજરાતમાં દારૂબંધી છે.’’ ‘‘મને ખબર છે બોસ, કયારેક કયારેક છાપું વાંચુ છું. પણ, આપણાં એક નવા બનેલા મંત્રીએ હમણાં હમણાં સ્ટેજ ઉપરથી ના કહ્યું કે,’ મારા આદીવાસી ભાઈઓને દારૂ પીવા તો જોઈએ જ.’ એટલે થોડું ઘણું તો ચલાવી લેવાનું ભઈ.
આ..આ.. થોડું ઘણુંમાં આપણે ઘૂસી જવાનું. મંત્રી થોડું જ ખોટું બોલે?’’
‘‘મંત્રી ખોટું ના બોલે, પણ સરકારમાં હંધૂય હાસુય ના બોલવાનું હોય. પણ નવા નવા મંત્રી બન્યા છે, તો હાસુ બોલવાની ભૂલ થઈ જાય. પણ, આ ધંધામાં તારે નવું સ્કૂટર કેમ જોઈએ છે?’’
‘‘દારૂની ખેપ માટે. દારૂની ખેપ અત્યાર સુધી ટ્રક, રીક્ષા, ડમ્પર, ફોરવ્હીલ, દૂધનું ટેન્કર, એમ્બ્યુલન્સ અને ધારાસભ્યની ગાડીમાં થતી હતી. હંધાયને ખબર હતી. રે ‘તા, રે ‘તા પોલીસને ‘ય ખબર પડી. એટલે હવે આ ખેપિયાઓ નવી તરકીબ લાવ્યા છે.’’ ‘‘ઈ વળી શું તરકીબ?’’
‘‘ઉપરનો ફોટો જૂઓ, એક જ લાઈનમાં પંદર પંદર સ્કૂટર છે. આગળ માલ (દારૂ) રાખીને બિન્દાસ જઈ રહ્યા છે. ન કોઈને શંકા પડે. ના કોઈ પકડે. હપ્તા દેવાની ઝંઝટ જ ખતમ.’’
‘‘હા પણ, એમાં દારૂ છે, ઈ કેમ ખબર પડી?’’
‘‘મને કે તમને ખબર ના પડી. અરે, પોલીસે’ય ફીફા ખાંડતી રહી ગઈ. એ ખાતી ‘તી મતલબ એ (જમવા બેઠી ’તી)’’ ‘‘તો..ઓ..ખબર કોને પડી?’’‘‘ગાંધીનગર વાળા સ્ટેટ મોનિટરીંગ સેલને. એમને ખબર પડી કે, છોટાઉદેપુર પાસે બોડેલી રોડે એક બુટલેગર એક સરખા પંદર સ્કૂટર ઉપર દારૂની ખેપ મારવાના છે. રાય જેવા જાંબાઝ અધિકારી એમને છોડે ખરાં!?? પકડાઈ ગયા હંધાય.’’ ‘‘તો પછી, તારે ઈ ધંધો કેમ કરવો છે?’’ ‘‘ના બોસ ના. હું તો તમારા પારખા કરતો ‘તો. ગાંધીના ગુજરાતમાં આવા ધંધા કરાય!??kalubhaibhad123@gmail.com











































