આજે બકો બોલે એ પહેલાં બેરાલાલે શરુઆત કરી.
“બોસ, ઘરવાળી બહું કચ કચ, કચ કચ કરે છે. કોઈ રસ્તો? કોઈ ઉપાય?”
“બેરાલાલ! આ સમસ્યા ઓલ ઓવર છે. આમાં હું કાંઈ કરી શકું એવી શક્યતા ઓછી છે. અને હાં, એક રસ્તો છે. જમણાં કાને સાંભળીને ડાબા કાને કાઢી નાંખો. સહેલાંમાં સહેલો રસ્તો આ છે. અને મોટાં ભાગનાં ભાયુએ આ રસ્તો અપનાવી લીધો છે.
જો, તમને પણ અનુકૂળ આવે તો કરવાં જેવું ખરું.
પણ, એક વાત કહેવાની રહી ગઈ. તમારે તો કાનપુરમાં હડતાળ છે. તમારે ક્યાં સાંભળવું પડે છે?”
“બોસ, બોસ. તમને શું કહું!? આવાં મેણાં તો જેણે જેણે સહન કર્યા હોય ઈ જ જાણે. બંગડીના ઘા ખમ્યા હોય એને જ ખબર હોય. વાંઢાને શું વલોપાત! કે શું હુંવાણ!! વખાનો માર્યો બીચારો જાય તો જાય પણ ક્યાં? કેટલાંક જાહેરમાં બોલે. અને કેટલાંક મનમાં.બાકી ઘોબા તો હૌને પડ્યાં જ છે.”
“બેરાલાલ એક બીજો રસ્તો ય છે. ”
“બોલો બોલો, જલ્દી બોલો. શું રસ્તો છે?”
“રસ્તો તો છે. પણ, જરા જોખમથી ભરેલો છે.”
“બોસ, જોખમ ક્યાં નથી? સંબંધ ના થાય તોય જોખમ. સંબંધ થાય અને હાલક ડોલક થાય તોય જોખમ. લગ્ન ના થાય તોય જોખમ અને લગ્ન થાય તો આવું જોખમ. એટલે હવે તમે જોખમની તો વાત જ હાવ ભૂલી જાવ. જે વાત કરો ઈ તમ તમારે જોખમ સહિતની જ કરો.”
“ખાનગીમાં બીજું ઘર ગોતી લ્યો, કરી લ્યો.”
‘બોસ બોસ, એકનો માંડ માંડ મેળ પડ્યો છે અને તમે બીજું ગોતવાની વાત કરો છો? ટાંટીયા હારા નરવા રાખવાનાં છે હોં. અને એમ બબ્બે ઘર કરીને કરવાનું શું? આવું હલકું કામ કોણ કરે??”
“તમે ભૂલો છો બેરાલાલ. આપણાં નેતાઓ બબ્બે ત્રણ ત્રણ ઘર કરે જ છે. ગામડે ઘર હોય, ગાંધીનગર જાય તો ન્યાં ઘર હોય અને..એમને કાંઈ વાંધો આવતો નથી.”
“એમની હારે સરકાર હોય, પોલીસ હોય, એમના જેવાં નેતાઓ હોય અને પૈસા હોય એટલે વકીલ તો હોય જ. અને હારે હારે રૂપિયાના બંડલો સળગાવનાર જેવાં જજ પણ હોય. આપણી હારે કોણ હોય? હું, તું ને રતનિયો જેવો ઘાટ થાય.”
“એટલે ! તમારી થોડી થોડી ગણતરી ખરી !”
બેરાલાલને મોઢામાં મોસંબીના ફુવારા ફુટવા લાગ્યા. એ નીચું જોઈ ગયાં.
“ના..ના, તમારી આવી થોડી ઘણી ય ગણતરી હોય તો હું ધારાસભ્ય હારે ઓળખાણ કરાવી દઉં.”
“ખાટલે મોટી ખોડ તો ઈ જ છે. ધારાસભ્ય જ્યાં સુધી સભ્ય હતાં ત્યાં લગણ વાત કરતાં ‘તા, ફોન ઉપાડતાં ‘તા, હામા મળે તો હાથે ‘ય ઉંચો કરતાં ‘તા. પણ, જ્યારથી સભ્યમાંથી ધારાસભ્ય બન્યાં છે, ત્યારથી નથી હાંભળતા, નથી ફોન ઉપાડતાં, કે નથી મળતાં!!”
“તો પછી એક કામ કરાય ને !!”
“બોલો બોલો, હવે પાંચ વરહ સુધી આપણે શું કરી શકીએ? જે કરવાનું છે. ઈ જ કરશે. ભેગું કરશે કા ભાગ રાખશે.”
“તમે ભૂલો છો બેરાલાલ. ધારાસભ્ય બદલી નંખાય ને ! એમાં કોણ ના પાડે છે ?”
“તમેય તે શું બોસ. એકવાર ધારાસભ્યને ચૂંથી નાંખ્યો. સોરી..સોરી ! ચૂંટી નાંખ્યો એટલે પાંચ વરહ સુધી સામાન્ય મતદાર જોયા રાખ્યાં વગર કશું જ કરી શકતો નથી. એમાં ધારાસભ્ય બદલવાની વાત ક્યાં આવી!?”
“તમે ટૂંકું ટૂંકું વિચારો છો, બેરાલાલ. મારો કહેવાનો મતલબ એ હતો કે, જો તમે ચૂંટીને ધારાસભામાં મોકલ્યો, ઈ ફોન નથી ઉપાડતો તો, બીજા પક્ષના ધારાસભ્યને પકડી લેવાય !! અત્યારે હંધાયને જરુર જ છે.”
“બીજો પક્ષ એટલે કોણ ? મને કાંઈ હમજણનો ટપો નાં પડ્યો.”
“અત્યારે સૌથી વધારે દોડે છે કોણ ? સૌથી વધારે ચર્ચામાં કોણ છે?”
“લાગે છે તો ઝાડું વાળા. એણે જ કાપો વાળ્યો છે.”
“તો પછી, એમાં ભળી જાવ ! અને ચિંતા કર્યા વગર બીજું ઘર કરી લ્યો.”
“આવું કરવામાં એને જુનાં પક્ષ વાળા જેટલો અનુભવ હશે ? અને આપણે ત્યાં તો આંગળીને વેઢે ગણી શકાય એટલાં જ છે. એમાં ય આવાં હશે ?”
“ધીરે બોલો બેરાલાલ, ધીરે. આજકાલ દિવાલનેય આંખ કાન આવી ગયાં છે. આપણે ત્યાંના ધારાસભ્યની તો ખબર નથી. પણ, એમાં આવાં અનુભવ વાળા જાજા. એટલે તમને હારો સપોર્ટ પણ મળી રહેશે.”
“પણ, બીજું ઘર કરવામાં પકડાઈ ગયાં તો ??”
“તો એમાં જાત -જાતના અનુભવ વાળા છે. પકડાઈ ગયાં તો કેમ ભાગવું? ક્યારે ભાગવું? કોની હારે કેવું સેટીંગ કરવું? ઈ હંધૂય તમને એમાં મળી જાહે.”
“તમારી વાત હાચી. પણ, એકાદ દાખલો તો આપો. મારામાં હિંમત આવે એટલે.”
“જૂઓ હમણાં પંજાબની સનૌર બેઠકનાં એક ‘આપ’ના ધારાસભ્ય હરમીત સિંહ, શિયાળ બની ગયાં. મતલબ, એમને એક કરતાં વધારે પત્નીઓ હતી. એમાં એકે બળાત્કારની ફરિયાદ નોંધાવી. ‘પઠાણ માજરા’ પોલીસ સ્ટેશનમાંથી ઘોડા છૂટ્યાં.
અને ઠેક -ઠેકાણે શોધવાથી એ સિંહ મળી ગયો. પણ, એમણે એમનો જુનો અનુભવ કામે લગાડ્યો. પોલીસ કસ્ટડીમાંથી જ એમણે ફાયરિંગ કર્યું અને કરાવ્યું. કેટલાંક પોલીસવાળાને ધાયલ કર્યા, કેટલાંકને કચડીને ગાડી મારી મૂકી અને એ શિયાળ બની ભાગી ગયો. (કદાચ! પોલીસ વાળાએ આવું કરાવ્યું હોય ?)
પણ, સરવાળે એ ગુમ થઈ ગયો. હજી મળ્યો નથી.
નિયમ તોડવા વાળા તો નિયમ તોડતાં જ હતાં. આ તો નિયમ બનાવવા વાળા ધારાસભ્યે જ નિયમ તોડ્યો. આવું કદાચ ! પંજાબની “આપ ”સરકારે પહેલીવાર કર્યું હશે.