લગ્નની મોસમ વચ્ચે ચોર ટોળકીઓ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. બાબરા તાલુકાના વલારડી ગામે એક ઘરના આંગણે લગ્નનો મંગળ અવસર હતો, ત્યારે જ તકોનો લાભ ઉઠાવી તસ્કરે ઘરના કબાટમાંથી લાખોની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે મેહુલકુમાર વિનુભાઇ કાવઠીયા (ઉ.વ.૩૦) એ સુરતમાં રહેતા નિશાબેન નિતિનભાઇ નવાપરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગત મુજબ, વલારડી ગામે રહેતા ફરિયાદીના ભાઈના લગ્ન હોવાથી પરિવાર પ્રસંગના કામમાં વ્યસ્ત હતો. તા. ૨૨/૦૧/૨૬ ના બપોરથી તા. ૨૩/૦૧/૨૬ ના રાત્રિના ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન, જ્યારે પરિવારના સભ્યો લગ્ન વિધિમાં રોકાયેલા હતા, ત્યારે મહિલાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેણે ચાલાકીપૂર્વક કબાટનું તાળું ખોલી તેમાં રાખેલા કિંમતી દાગીના પર હાથ સાફ કર્યો હતો. મહિલા ચોરે સોનાનો ૭ તોલાનો હાર, સોનાના ૪ તોલા વજનના ૨ પોચા મળી કુલ અંદાજે રુ.૯,૨૯,૯૪૮ની ચોરી કરી હતી. લગ્ન પૂરા થયા બાદ જ્યારે કબાટ તપાસવામાં આવ્યું ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.









































