સાવરકુંડલાના બાઢડા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત ‘પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ‘ ને કેન્દ્રમાં રાખીને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાનિક વહીવટી તંત્ર અને સાવરકુંડલાના આઈ.સી.ડી.એસ. વિભાગના સંકલનથી આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રોની બહેનોએ ટી.એચ.આર. અને મિલેટ્સમાંથી બનાવેલી પૌષ્ટિક અને નવીન વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોના પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરતી શૈક્ષણિક સામગ્રી, ચાટ્ર્સ અને મોડેલ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.વાનગી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક જોડાયેલા આંગણવાડી કાર્યકર બહેનોમાંથી સ્પર્ધાને અંતે શ્રેષ્ઠ વાનગીઓ બનાવનાર બહેનોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આંગણવાડીની બહેનો દ્વારા વિકાસ સપ્તાહને અનુરૂપ રંગોળી બનાવવામાં આવી હતી, આ આકર્ષક રંગોળીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન માટે મહાનુભાવો દ્વારા સાવરકુંડલા આઈ.ડી.ડી.એસ. વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં.






































