અમરેલી જિલ્લા ખાતે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત શરીર સંબંધિત ગુનાઓ કરવાની ટેવ ધરાવતા અને જાહેર વ્યવસ્થા ભંગ કરતા ભયજનક ઇસમો સામે પાસા-તડીપાર જેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા દ્વારા બગસરાના રહેવાસી નદીમભાઈ કાદરભાઈ બારેજીયા (ઉ.વ. ૩૦) વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા, એલ.સી.બી. તથા બગસરા પોલીસ ટીમે નદીમની ધરપકડ કરી મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપ્યો છે. પકડાયેલા નદીમ સામે ધારી અને બગસરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.






































