‘મોંઘવારી.. મોંઘવારી.., મોંઘવારી. બોસ, આ મોંઘવારી મારી નાખશે. એક તો મોંઘવારી હાલતી જ હતી. એમાં ભારતે એનું નામ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો ’તો. ઈ માથા ફરેલા ટ્રમ્પને રોજ એક નવું સપનું આવે છે. અને રોજ એક નવું ઉંબાડિયું કરે છે. એમણે ભારત ઉપર પચાસ ટકાનો ટેરિફ નાખીને વધુ મોંઘવારી વધારી દીધી છે. એટલું જ નહીં, કામ મળતાં ય બંધ થઈ ગયા છે. બોસ, આમ ને આમ ચાલ્યું તો બે છેડા ભેગા કેમ કરીશું?”
બકાએ આવીને બળાપો કાઢ્યો.
“એમ તો પૈસાવાળાનેય ક્યાં હખ છે? એમને રોજેરોજ કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ ક્યાં કચકચ કરે છે?”
“વાહ રે વાહ! બોસ. તમે કોની સરખામણી કોની હારે કરો છો!? ક્યાં કીડી અને ક્યાં હાથી. અને તમે એમ માનો છો કે, પૈસાવાળાને મોંઘવારીથી ફરક પડે છે? કાનખજુરાનો એક પગ ભાંગે તો એને શું ફરક પડે?
આવી વાત તમે કરી.”
“તારી વાત હાચી છે, બકા. એને કાંઈ ફરક ના પડે. પણ, રાત દિવસ દોડનારો અને બે પાંચ કલાક કામ કરનારો જમે શું? એને કેટલી રોટલી જોઈએ? ”
“બે કે ચાર, એનાથી વધારે તો ના જોઈએ બોસ.”
“તો પછી, આ ચાર રોટલી માટે પૈસાવાળા રાત દિવસ, ચોવીસ કલાક, દોડાદોડી જ કર્યે રાખે છે. લાખ વાળા દસ લાખ માટે દોડે છે, દસ વાળા કરોડ માટે અને કરોડ વાળા… બસ, સૌ દોડ્યા જ કરે છે. શું ખબર કેટલું ભેગું કરવું છે. અને કેટલું હારે લઈ જવું છે.”
“બોસ, આ લોકો આટલું બધું ભેગું કરે છે, તો હારે લઈ જશે ? આપણને તો ભગવાને આવી સગવડ નથી આપી ! તો.. પછી..!!”
“તું ય શું બકા, ભગવાને કોઈને પણ ભેગું લઈ જવાની સગવડ નથી આપી. છતાંય, એ લોકો ભેગું કર્યે જ જાય છે, કર્યે જ જાય છે.”
“બોસ, મને હજી એક વાત ના હમજાણી.”
“કઈ વાત ના હમજાણી બકા !”
“આપણે તો ઠીક છે, કાળા માથાના માનવી છીએ. પણ, ભગવાનની પૂજા- અર્ચના કરનારા, અને ભગવાનની કાયમ નજીક રહેનારા (એ લોકો કહે છે હોં! બાકી, કેટલાં નજીક છે? ઈ તો ભગવાનને જ ખબર.) એ લોકો ધીમે.. ધીમે.. બધું જ છોડવાનું કહે છે. તો પછી, એ લોકો જ કેમ હંધૂય પકડે છે. લાખ, બે લાખ અને વીસ વીસ લાખને પકડે છે. આ વાત મને નો હમજાણી બોસ.”
“બકા ! તે પ્રશ્ન બોવ અઘરો પૂછી નાખ્યો. આનો જવાબ તો કદાચ! આવું કહેનારનેય ખબર નહીં હોય. કદાચ! અભણ અમથાલાલને ખબર હોય.”
“જૂઓ ભાઈ! માણસને ઘણું બધું છોડવું છે, પણ છોડી શકતો નથી. અને ઘણું બધું પકડવું છે, પણ પકડી શકતો નથી. એનાથી આગળ વધીએ તો..હંધાયનો જન્મ જીવવા માટે જ થાય છે. છતાંય કેટલાક લોકોને અકાળે મરી જવું છે. વાત કરીએ બકાના પ્રશ્નની કે, મોંઘવારીએ મારી નાખ્યા, મોંઘવારીએ મારી નાખ્યા. આમ જીવવા જન્મેલો માણસ રોજેરોજ મરે છે. વાત વાતમાં મરે છે. અને ટ્રેજેડી તો ત્યારે થાય છે કે, રોજેરોજ મરતો માણસ જ્યારે ઓચિંતા મરણ આવે તો, દોડાદોડી કરીને હોસ્પિટલમાં જીવવા માટે આજીજી કરે છે. માથે કરીનેય ખર્ચો કરે છે. પછી જીવીને દેવું ઉતારવાં દોડાદોડી કરે છે. અને પાછો મોંઘવારીમાં પીસાય છે.”
“અમથાલાલ તમારી વાત તો હાચી છે. પણ, હમજાય કોને ? યમરાજનું બારણું ખટખટાવીને પાછો આવેલો માનવી વળી પાછું ભેગું કરવામાં રાત દિવસ મંડી પડે છે. તો પછી, આ માનવી ભેગું કરેલું ભોગવશે ક્યારે ?? આપણા અંબાણી અને અદાણીને કેટલું ભેગું કરવું છે, ઈ જ સમજાતું નથી. એક બાજુ આખે-આખો દેશ છે, અને એકબાજુ બે ચાર આવા માથાં છે. આખરે.. કોના માટે? ક્યાં લઈ જશે ?”
“એટલા માટે જ કેટલાક લોકોએ આનો રસ્તો ગોતી કાઢ્યો છે.”
“શું વાત કરો છો, અમથાલાલ! ? આવું હોય ??”
“હા હા, આવું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જર્મનીમાં એક “ટુમોરો બાયો” કરીને કંપની ખુલી છે.
એ તમને રૂપિયા બે કરોડમાં પુનર્જન્મ કરાવી આપવાનો દાવો કરે છે.”
“હવે આવા રૂપિયા બે કરોડ ખર્ચ કરવા કોણ તૈયાર થાય !?”
“બોસ, બકા તમે ભૂલો છો. આવો પુનર્જન્મ કરાવવા અને રૂપિયા બે કરોડ ખર્ચવા અત્યાર સુધીમાં ૬૫૦ લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. અને કૂતરા સહિત ઘણા માણસોનું બોડી ફ્રીઝ કરી પણ દીધું છે.”
“અમથાલાલ, આ તો કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવો ઘાટ ઘડાયો છે. છતાંય, એ લોકો કરે છે શું? એ તો કહો.”
“એ તમારા મૃત શરીરને ૧૯૮ ડિગ્રી માઈનસ બરફમાં રાખી મૂકે છે. આવી માઈનસ ડિગ્રીમાં મૃત શરીરના કોષો ડીજનરેટર નથી થતા. શરીર હોય એવું જ રહે છે.
આગળ જતાં જો એ એમની યોજનાઓ પ્રમાણે સફળ થયા તો, આવા શરીરમાં ફરીથી પ્રાણ ફૂંકી શકે.”
“અમથાલાલ! વાત તમારી હાંભળવામાં હારી લાગે એવી છે. પણ, પુનર્જન્મ તો આવે તો આવે. બાકી, અત્યારે આ “ટુમોરો બાયો” કંપનીનો પુનર્જન્મ થઈ જાહે ઈ વાત પાક્કી છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ.”