તંદુરસ્ત અને રોગમુક્ત રહેવા માટે લીલા શાકભાજી અને ફળોનો શકય બને તેટલો ઉપયોગ વધારવો જોઈએ. કેમ કે આપણા શરીરના બંધારણ અને દૈનિક જરૂરિયાત માટેના મુખ્ય તત્વો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજ તત્વો આપણને રોજિંદા ખોરાકમાંથી મળી રહે છે. આ પૈકીના કાર્બોદિત, પ્રોટીન, ચરબી મુખ્યત્વે ધાન્ય પાકો, કઠોળ, ઘી અને તેલમાંથી જ્યારે વિટામિન અને ખનીજ પદાર્થો વિશેષ કરીને ફળો અને તાજા શાકભાજીમાંથી મળી રહે છે.
પરિવારના દરેક સ્વજનોના રોજબરોજના ખોરાકમાં ફળો અને શાકભાજી અને ચટણી, કચુંબર, રાયતા કે સંભારના સ્વરૂપે, કોઈ અન્ય સ્વરૂપે કે તાજા અથાણાના સ્વરૂપમાં પીરસવા જોઈએ. આપણા દેશમાં ફળોનું ઉત્પાદન સૌથી વધારે પ્રમાણમાં થાય છે. તેમજ શાકભાજીના ઉત્પાદનમાં વિશ્વ કક્ષાએ ચીન પછી બીજા ક્રમે ભારત આવે છે. ફળો અને શાકભાજીનો ઉપયોગ ગૃહ કક્ષાએ વધારે પ્રમાણમાં થાય છે. ફળો અને શાકભાજી જલ્દી બગડી જાય તેવા ઉત્પાદનો છે. વર્ષ દરમ્યાન ઘણી વખત એવું બને છે કે પુષ્કળ પ્રમાણમાં ફળો અને શાકભાજીનું ઉત્પાદન થાય છે અને તે બધાનો ઉપયોગ થઇ શકતો નથી અથવા દૂરના તેમજ અંતરિયાળ ગામડામાં વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવસ્થા કે સગવડતાના અભાવે મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જે ખુબ જ મોટું આંકવામાં આવે છે. ફળો અને શાકભાજી જીવિત કોષોથી ભરપૂર છે અને છોડમાંથી તોડ્યા બાદ પણ તેની દેહધાર્મિક ક્રિયાઓ ઘણે અંશે ચાલુ રહેતી હોય છે. તેથી તેનો પાકવાનો તબક્કો ચાલુ રહેતા તેમાંથી વિવિધ વાયુઓ પેદા થાય છે. તેથી તે લાંબા સમયે બગડી જાય છે. જેથી આવા ફળો કે શાકભાજી આરોગ્યપ્રદ રહેતા નથી, તેને ખાઈ શકાતા નથી અને જો ખાવામાં આવે તો તે આપણા માટે માંદગી નોતરે છે. આમ તે આરોગ્યપ્રદ રહે અને લોકો તેને ખાઈ પણ શકે તેમજ વિશાળ જથ્થામાં બગડતા પણ અટકાવી શકાય છે. આ માટે વિવિધ બનાવટો બનાવવામાં આવે તો તે ખેડૂતોને પુષ્કળ આર્થિક ફાયદો પણ કરાવે છે. ફળો કે શાકભાજીને લાંબો સમય સાચવી રાખવાની આ પદ્ધતિઓને ‘પરીરક્ષણ’ તરીકે ઓળખવામાં આવે છે.
પરીરક્ષણથી થતા લાભો ઃ
• પરીરક્ષણ દ્વારા ગૃહ ઉદ્યોગ વિકસાવી મહિલાઓને રોજગારી આપી શકાય છે.
• આખા વર્ષ દરમિયાન વિવિધ ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો મળી રહે છે.
• ખોરાકમાં બદલાવ લાવી, તેને રુચિકર તેમજ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
• આવી બનાવટોને મોટાપાયે બનાવી વિદેશોમાં મોકલી વિદેશી હુંડીયામણ મેળવી શકાય છે.
ફળ અને શાકભાજીમાં પરીરક્ષણ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ઃ
• ફળોને નુકસાન ન થાય તે રીતે ઉતારવા.
• ઉતાર્યા બાદ કેરેટમાં હેરફેર કરવી.
• ત્યારબાદ ઉતારેલા ફળોને સાફ કરી છાયડામાં મુકવા.
• ફળો તેમજ શાકભાજીના સારા બજારભાવ મેળવવા માટે તેનું વર્ગીકરણ કરી બજારમાં મુકવા.
• પરીરક્ષણમાં ઉપયોગ થતા રસાયણો અને તેનું આકલનઃ
ફળો અને શાકભાજી આપણા શરીર તથા જીવનમાં ઘણા ઉપયોગી છે તે આપણે એક કવિતાના સ્વરૂપમાં જાણીએ. આમ તો ક્યાંક ને ક્યાંક અત્રે આપેલ કવિતા મહદઅંશે સાંભળી હશે કે મનમાંથી આવી જ વાત નીકળી હશે પરંતુ દરેક બગાયાતદારનો બાગાયતી ખેતીમાં ઉત્સાહ વધે તે માટે અહી સરળ અંદાજમાં રજૂ કરી છે. બીજી કવિતાઓ ફરી ક્યારેક અહી જ રજૂ કરીશું. બાગાયત એ શરીર અને આત્માનો ખોરાક છે.
“કેરીનો રસ અને જામફળની જેલી, બોરડીના બોર તથા આમલીની ચટણી,
લીલા નાળિયેરનું પાણી, ઘણા દર્દ જાય તાણી. તાંદળજોની ભાજી તબિયત રાખે તાજી,
આમળાની છે અનેક કરામત, પરંતુ માનવીનું મગજ માગે છે મરામત.
લીંબુનો રસ શરીરમાં ચડાવે કસ, દર્દને કહે હવે તું ખસ. શક્તિદાયક કેળા, મળે વેળા કે કવેળા. જામફળનો છે જાદુ, આંતર કરી દે સાજુ.
ફૂલોની તો છે દુનિયા, પરવાના થાય છે પતંગિયા”
ઘરેલુ સ્તરે ફળ અને શાકભાજીનું પરીક્ષણ કરવા માટે ખૂબ જ સરળ અને સુરક્ષિત રસાયણો ઉપયોગમાં લેવાય છે. જે સામાન્ય રીતે રસોડા અથવા દવાખાનામાં સરળતાથી મળી રહે. રસાયણો જેવા કે સ્ટાર્ચ, એસિડ, વિટામિન સી, ખાંડ અને મીઠું જેવા પદાર્થો ઉપયોગી છે.
• પી.એચ. મીટર તથા લિટમસ પેપરના ઉપયોગથી જાણકારી મેળવવી.
• ઓવન ડ્રાઇંગ પદ્ધતિ.
• આયોડિન રંગ લગાવી ફળમાં ફેરફાર જોવો.
• સુગર કન્ટેન્ટ માપવા માટે રીફેકટ્રોમીટર પદ્ધતિ.
ફળો અને શાકભાજીની વિવિધ બનાવટો ઃ
• કેરીઃ રસ, અથાણા, ચટણી, જામ, ટોફી વગેરે
• કેળાઃ વેફર, કેન્ડી, જામ
• ચીકુઃ સુકવણી, જ્યુસ, જામ
• જામફળઃ જેલી, ટોફી
• આમળાઃ મુરબ્બો, મુખવાસ, જામ, ટોફી
• બોરઃ કેન્ડી, જામ, સુકવણી
• પપૈયાઃ જામ, ટુટીફુટી
• સીતાફળઃ સીતાફળ રબડી, આઇસ્ક્રીમ
• નાળિયેરઃ નાળિયેરનો હલવો, ટોપરું, મીઠાઈ વગેરે
• દાડમઃ શરબત






































