(ગતાંકથી આગળ)
ગયા અંકે આપણે ‘ઘૂસખોર પંડત’ ફિલ્મની વાત પરથી જોયું કે બ્રાહ્મણ વિરોધી રાજકારણની શરૂઆત અંગ્રેજો- મેક્સ મૂલર અને ખ્રિસ્તી મિશનરી રાબર્ટ કાલ્ડવેલે કરી હતી અને રામમોહન રાય (જેને મોગલ બાદશાહે રાજ્ય વગરના રાજાનું શીર્ષક આપ્યું હતું), લોકમાન્ય તિલક જેવા લોકો તેમના વાદ-ઉત્તર વિરુદ્ધ દક્ષિણ, આર્ય વિ. અનાર્ય, સંસ્કૃત વિ. તમિલ, સવર્ણ વિ. દલિતનો ભોગ બન્યા. રાજકારણમાં તેની શરૂઆત દક્ષિણમાં જસ્ટિસ પાર્ટીએ કરી, પરંતુ બાદમાં તે નિષ્ફળ ગઈ. જાતિવાદનો ઉપાય રાષ્ટ્રવાદ છે અને તે સમયની સ્વતંત્રતા માટેના સંગઠન (રાજકીય પક્ષ નહીં) કાંગ્રેસના રાષ્ટ્રવાદ સામે જસ્ટિસ પાર્ટીનો જાતિવાદ નિષ્ફળ ગયો. પરંતુ સી. રાજગોપાલાચારીએ દક્ષિણમાં હિન્દીને અનિવાર્ય બનાવી ઉત્તર વિ. દક્ષિણના વાદને જીવતદાન આપી દીધું.
ઇરોડ વેંકટપ્પા રામસામી જે પેરિયારના નામથી જાણીતા છે, તેમણે આ વિષયને પકડી લીધો. જસ્ટિસ પાર્ટી તેમના નેતૃત્વમાં સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટમાં જોડાઈ ગઈ. ઈ. સ. ૧૯૨૫નું વર્ષ હવે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના કારણે હિન્દુત્વના પુનઃજાગરણ તેમજ હિન્દુવાદી રાજકારણ માટે જાણીતું છે. આ વર્ષે રા. સ્વ. સંઘની સ્થાપના થઈ હતી. આ વર્ષની ૨૬ ડિસેમ્બરે ભારતીય સામ્યવાદી પક્ષ (સીપીઆઈ)ની સ્થાપના થઈ હતી. એ જ વર્ષે પેરિયારે કાંગ્રેસ છોડી. એટલે કે ઈ. સ. ૧૯૨૫ જાતિવાદી-ડાબેરી-હિન્દુ વિરોધી રાજકારણ માટે પણ મહ¥વનું બની રહ્યું. ઈ. સ. ૧૯૧૭માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ હતી અને ઈ. સ. ૧૯૨૨માં અનેક રાજ્યો ભેગા મળીને સોવિયેત સંઘ બની ચૂક્યા હતા. એટલે આ વિચારધારા ઘણા બધાને આકર્ષે નહીં તો જ નવાઈ.
પેરિયારે ઈ. સ. ૧૯૪૪માં સામાજિક સંગઠન દ્વવિડર કઝગમ (ડીકે)ની સ્થાપના કરી. ઈ. સ. ૧૯૪૯માં આ સંગઠનના બે ભાગ પડી ગયા.
સી. એન. અન્નાદુરાઈએ દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) પક્ષની સ્થાપના કરી. તેમણે અલગ દ્રવિડ નાડુ (દ્રવિડ રાષ્ટ્ર)ની માગણી કરી. ૨૦૨૪માં કર્ણાટકના સાંસદ અને ઉપ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડી. કે. સુરેશે દક્ષિણ ભારતને અન્યાય થાય છે તેવો સુર છેડી, અલગ રાષ્ટ્રની વાત છેડી જ હતી, વિવાદ પછી તેમણે સ્પષ્ટતા કરી લીધી હતી. એટલે અન્નાદુરાઈએ રોપેલું બીજ તો હજુ પણ કેટલાકના મનમાં રમ્યા જ રાખે છે.
પેરિયારે કાંગ્રેસ કેમ છોડી હતી? ઈ. સ. ૧૯૨૨માં પેરિયાર કાંગ્રેસના મદ્રાસ પ્રેસિડેન્સી (આજના તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઉત્તર કેરળ, ઓડિશાનો કેટલોક ભાગ)ના પ્રમુખ બન્યા. આ અધિવેશનમાં તેમણે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની મજબૂત રીતે તરફેણ કરી, પરંતુ કાંગ્રેસે અનામતની વાત ઉડાડી દીધી. તેના પરિણામે ઈ. સ. ૧૯૨૫માં તેમણે કાંગ્રેસ છોડી દીધી.
પેરિયાર વૈશ્ય સમુદાયના એટલે કે આજની ભાષામાં, સવર્ણ હતા. પરંતુ પેરિયારને કાશીમાં કડવો અનુભવ થયો. તે પછી તેમણે પોતાના માટે લાગતી નાયકરની ઉપાધિ છોડી દીધી. વૈકોમ મંદિરની આસપાસ અસ્પૃશ્યતાનું દૂષણ હતું. રસ્તાઓ દલિત માટે બંધ હતા. આથી કાંગ્રેસે સત્યાગ્રહ કર્યો અને પેરિયારને તેનું નેતૃત્વ આપ્યું. પરંતુ આ આંદોલન કરતાં-કરતાં પેરિયાર હિન્દીનો વિરોધ કરવા લાગ્યા. તેમણે સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટનું નેતૃત્વ કર્યું. એટલું જ નહીં, તેઓ હિન્દુ વિરોધી બની ગયા.
ઈવીઆર તરીકે પણ ઓળખાતા પેરિયારે તેમના સામયિકમાં હિટલરે યહૂદીઓની જેવી દશા કરી હતી તેવી દશા તમિળનાડુના બ્રાહ્મણોની કરવા ચેતવણી આપી હતી. હિટલરના હાર્યા પછી પણ તેમનું આ વલણ યથાવત્ હતું. ૨૯ જાન્યુઆરી ૧૯૫૪ના દિવસે પેરિયારે લખ્યું, “પર્પનનોને આ ભૂમિમાંથી હાંકી કાઢવા જોઈએ.” પર્પન બ્રાહ્મણો માટે અપમાનજનક રીતે વપરાતો તમિળ શબ્દ છે. યાદ રહે કે અસ્પૃશ્યતા હતી, છે પરંતુ દલિતોને હાંકી કાઢવાની વાત કોઈએ કરી નથી.
તેમણે તો ત્યાં સુધી કહ્યું (૨૯ આૅક્ટોબર ૧૯૬૭) કે “બ્રાહ્મણ ગમે તેટલો રેશનાલિસ્ટ કે નાસ્તિક કેમ ન હોય, તેને આપણી સંસ્થામાં રાખવો જ નહીં.”
દિલ્લી વિશ્વ વિદ્યાલયમાં યુજીસી નિયમોના સમર્થનમાં ૫૦૦ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેને કવર કરવા ગયેલી રૂચિ તિવારી નામની પત્રકાર પર આક્રમણ થયું. તેની બ્રાહ્મણ જ્ઞાતિ વિશે એલફેલ બોલવામાં આવ્યું. એક છોકરીએ તો રૂચિના કાનમાં બળાત્કારની ધમકી પણ આપી. તેની આસપાસના પુરુષો તેને પાઠ ભણાવવાનું કહેતા હતા. રૂચિ બેભાન થઈ ગઈ હતી. પોલીસ મૂક તમાશો જોતી રહી.
પરંતુ આ આજકાલનું નથી. આના માટે પેરિયાર જેવાએ વર્ષો પહેલાં બી વાવ્યાં હતાં. પેરિયારના સાથી વે આનાઇમુતુએ તેમના પુસ્તકમાં લખ્યું હતું કે “ઈવીઆરે તેમના કાર્યકર્તાઓને તેમના નિવાસસ્થાને આવેલા બ્રાહ્મણ પત્રકારોને ધક્કા મારીને કાઢી મૂકવા સૂચના આપી હતી.” સામી ચિદમ્બરનરે તેમના પુસ્તક ‘તમિઝાર થલાઇવાર’ (તમિઝોના નેતા)માં લખ્યું છે, “પેરિયારે જાતિવાદ દૂર કરવા નહેરુ અને ગાંધીનાં ચિત્રો અને ભારતના બંધારણને સળગાવવા કહ્યું હતું અને આ બધી યુક્તિઓ જો નિષ્ફળ જાય તો તેમણે બધાએ બ્રાહ્મણોને મારવા અને મારી નાખવા કહ્યું હતું. આપણે તેમનાં ઘરો સળગાવી નાખવાં જોઈએ.”
પેરિયારને મહિલાઓના અધિકારો માટે લડનારા ગણાવવામાં આવે છે, પરંતુ આ વાત સત્યથી વેગળી છે. પેરિયારના જીવનચરિત્રના લેખકો પણ આ વાત કહે છે કે “તેમની પહેલી પÂત્ન નાગમણિને પેરિયારે સમજાવી છતાં તે મંદિરે જવા માગતી હતી. આથી પેરિયારે તેમના સગીર વયના મિત્રોને તેમની પોતાની પÂત્ન બતાવીને કહ્યું કે તે નવી દાસી છે અને તેઓ તેને પટાવી શકે છે ! છોકરાઓ મંદિરે જતી વખતે તેનો પીછો કરવા લાગ્યા અને તેની છેડતી કરવા લાગ્યા. આના પરિણામે નાગમણિએ મંદિર જવાનું બંધ કર્યું !” જે પોતાની પÂત્નની છેડતી કરાવી શકે તેને મહિલાઓના અધિકારના લડવૈયા કેવી રીતે કહી શકાય?
પેરિયારને દલિતોના અધિકારોની ચિંતા એટલી બધી નહોતી. તેઓ એસ. સી. સમુદાય અને બિન એસ. સી. સમુદાય (બ્રાહ્મણ સિવાય) વચ્ચે ઓળખ કરી શકતા અને તેઓ પોતાને બિન એસ. સી. સમુદાય (બ્રાહ્મણો સિવાયના)ના કલ્યાણ માટે લડનારા તરીકે ઓળખાવાનું પસંદ કરતા. ઈ. સ. ૧૯૫૦માં તેમણે કહ્યું હતું કે ઃ સમાજમાં મુખ્યત્વે ત્રણ વર્ગો છેઃ બ્રાહ્મણો, શુદ્રો અને પંચમો. બ્રાહ્મણો ઉચ્ચ વર્ણના છે, તેથી તેમને છૂટછાટો મળે છે. પંચમો નીચલી જ્ઞાતિના છે, તેથી તેમને પણ છૂટછાટો મળે છે. શુદ્રો જ મધ્યમાં છે, તેથી તેમને કોઈ છૂટછાટો મળતી નથી. (પંચમ શબ્દ હિન્દુ સમાજના ચાર વર્ણ સિવાયના વર્ણ માટે વપરાય છે, જેમાં કથિત અસ્પૃશ્યો અથવા તો એસ. સી. સમુદાયના લોકોનો સમાવેશ થતો હતો.)
એસ. સી.ના વિરોધી હોવાથી પેરિયાર ડા. બાબાસાહેબ આંબેડકરના પણ વિરોધી હતા. તેમણે કહ્યું હતું કે આંબેડકર ભારતના ભાગલાનો વિરોધ કરે છે તો મને ડર છે કે તેઓ આવતી કાલે દ્રવિડસ્તાનની માગણી પણ નકારી દેશે. (અહીં દ્રવિડસ્તાન શબ્દ નોંધવા જેવો છે કારણકે સ્તાન નામવાળાં દેશો ઇસ્લામિક હોય છે.)
એસ. સી.ને અનામત મળી તેનાથી પણ પેરિયારને પેટમાં દુઃખતું હતું. તેમણે કહ્યું હતું, “આંબેડકરે બધા વિભાગોમાં એસ. સી. માટે અનામત મેળવી લીધી. પરંતુ જો આપણે આપણા માટે અનામત માગીએ છીએ તો તેઓ આપણને ‘સાંપ્રદાયિક’ કહે છે.”
આંબેડકરના સ્વર્ગવાસ પછી પણ તેમના પ્રત્યેની ઘૃણા પેરિયારના મનમાં ઓછી નહોતી થઈ. તેમણે ૧૧ નવેમ્બર ૧૯૫૭ના દિને કહ્યું હતું કે એસ. સી. માટે અનામત મેળવીને એક રીતે આંબેડકરે બ્રાહ્મણો પાસેથી લાંચ સ્વીકારી છે. તેઓ એસ. સી. સમુદાયના કેટલા વિરોધી હતા તેનો ખ્યાલ એ વાત પરથી આવશે કે તેમણે કહ્યું હતું કે “પરિઆહ (તમિળનાડુમાં એસ. સી.માં આવતી એક જ્ઞાતિ) સમુદાયની સ્ત્રીઓ જેકેટ પહેરવા લાગી છે અને પુરુષો સાક્ષર બનવા લાગ્યા છે, તેના કારણે કાપડના ભાવો વધી ગયા છે.
ઈ. સ. ૧૯૬૩ના ‘આંબેડકર’ સામયિકના નવેમ્બર-ડિસેમ્બર અંકમાં અનેક એસ. સી. નેતાઓએ પેરિયારના આ નિવેદનની ટીકા કર્યાનું છપાયું હતું.
પેરિયાર માત્ર બ્રાહ્મણ અને એસ. સી. વિરોધી જ નહોતા, તેઓ બ્રિટિશ તરફી અને મુસ્લિમ લીગ તરફી પણ હતા. તેમણે પાકિસ્તાન માટેની મુસ્લિમ લીગની માગણીને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ પાર્ટીને દક્ષિણનાં રાજ્યો મળી જાય તેની રજૂઆત કરવા તેઓ બ્રિટિશરો પાસે ગયા હતા અને તે પછી તેમણે મોહમ્મદ અલી ઝીણાની મદદ પણ માગી હતી. પરંતુ ખંધા ઝીણાને તો પાકિસ્તાનમાં જ રસ હતો, તેથી તેમણે ખભા ઉલાળીને પેરિયારને કહી દીધું હતું કે તમારી સમસ્યા માટે તમારે જ લડવું પડશે.
પેરિયાર ગાંધીના પણ કટ્ટર વિરોધી હતા. તેમણે કહ્યું હતું કે “ગાંધીએ વર્ણાશ્રમની નાબૂદીની તરફેણ નથી કરી. ગાંધીએ બ્રાહ્મણોને નેતૃત્વમાં ચાલુ રાખ્યા અને સામાજિક પરિવર્તન સ્વીકારવા મનાવી પણ લીધા.” ગાંધીએ અસ્પૃશ્યતા કર્મોનું પરિણામ હોવાનું કહ્યું હતું તેની પણ પેરિયારે ટીકા કરી હતી.
પેરિયાર હિન્દુ વિરોધી પણ હતા. તેઓ શ્રી રામને નબળા, અન્યાય કરનારા અને અત્યાચારી માનતા હતા અને રાવણને દ્રવિડિયન નાયક માનતા હતા. ઈ. સ. ૧૯૫૫ અથવા ૫૬માં તમિળનાડુ કાંગ્રેસ સમિતિના પી. કક્કનની ચેતવણી છતાં પેરિયારે મરીના (ચેન્નાઈનો સમુદ્ર કાંઠો) સુધી એક સરઘસ કાઢ્યું હતું અને શ્રી રામનાં ચિત્રો બાળ્યાં હતાં !
ઇસ્લામ વિશે પેરિયાર માનતા હતા કે “મુસ્લિમો દ્રવિડિયનોની પ્રાચીન વિચારસરણીને અનુસરી રહ્યા છે. દ્રવિડિયન પંથ માટેનો અરેબિક શબ્દ ઇસ્લામ છે. જ્યારે આ દેશમાં બ્રાહ્મણવાદ થોપવામાં આવ્યો ત્યારે મોહમ્મદ નબીએ તેનો વિરોધ કર્યો. (ઇસ્લામમાં પણ ચોક્કસ વર્ગને વિશેષાધિકાર છે તેની વાત તેમણે ક્યારેય ન કરી.) પેરિયાર ખ્રિસ્તી પંથના પણ પ્રશંસક હતા.
અત્રે એ પણ નોંધવું જોઈએ કે આજે જે રાહુલ ગાંધી દલિતો-એસટી-ઓબીસી વગેરેની વાતો કરીને બ્રાહ્મણોના વિરોધને (જેએનયૂ ગેંગ) સમર્થન કરે છે તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુએ પાંચ નવેમ્બર ૧૯૫૭ના દિને કાંગ્રેસ નેતા કે. કામરાજને પત્ર લખી પેરિયારના બ્રાહ્મણ વિરોધી અભિયાન અંગે અપ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ અભિયાનમાં પેરિયારે બ્રાહ્મણોને મારી નાખવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પેરિયાર એક અપરાધી અને પાગલ છે. તેમને પાગલખાનામાં મૂકીને તેમના વિકૃત મગજનો ઉપચાર કરાવવો જોઈએ.
પેરિયારનું અવસાન ૨૪ ડિસેમ્બર ૧૯૭૩ના દિને થયું પરંતુ ત્યાં સુધીમાં તેઓ ડીએમકે અને તે પછી તેમાંથી સર્જાયેલા એઆઈએડીએમકેના રૂપમાં અને કેરળમાં સામ્યવાદી તેમજ કાંગ્રેસ પક્ષના નેતાઓમાં ઉપરોક્ત બધા જ વિભાજનનાં બીજો વાવતા ગયા હતા.
(આપણી લેખમાળા ચાલુ જ છે. આવતા અંકે પશ્ચિમમાં આંબેડકર પહેલાં કોણે અનામત લાગુ કરી દીધી હતી તેની અને આંબેડકરના પક્ષની વાત કરીશું.)












































