પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો છે. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે “મને ચારે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ” પુસ્તકો પારસમણિ સમાન છે.પુસ્તકોના સત્સંગથી માનવીની વૈચારિક ક્ષમતા શ્રેષ્ઠ બને છે. અનેક
આપત્તિઓ વચ્ચે
નવા અવસરો નિર્માણ કરવાનું કાર્ય પુસ્તકો કરે છે. પુસ્તક પ્રિય વ્યક્તિ દુનિયાનો સુખી માણસ છે. વાંચનએ વિચારોની ઊર્જા છે. વાંચન કરવાની કૌશલ્યતા માનવીને વિષય વસ્તુને સમજાવે છે. આજે ટેકનોલોજીના યુગમાં વાંચન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. વાંચન કરવાથી અનેક નકારાત્મક વિચારો સકારાત્મક વિચારોમાં રૂપાંતર થાય છે.
૧૫ મી માર્ચના રોજ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા “૨૦૨૦ રાજ્ય શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક” નામનું મારા પુસ્તકનું લોકાર્પણ થયું. તે સમયે અચલાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી અને ગુજરાતના બાહોશ કેળવણીકાર ડો. મફતભાઈ પટેલ,
પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, રતિલાલ બોરીસાગર પર્યાવરણ સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી જયેશભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ અને અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પુજારા સાહેબના વરદ હસ્તે સંજોગ ન્યુઝ પેપરના કટાર લેખક ડો. વિપુલ પટેલનું પુસ્તક લોકાર્પણ થયું.આ પુસ્તક મારા ગુરુ ડો. મફતભાઈને સમર્પિત છે. નવ દાયકાથી સમાજસેવાના શિક્ષણ યાત્રાના અલગારી સારસ્વત પૂજ્ય દાદા મારા પ્રેરણા મૂર્તિ છે. તેમના ચરણમાં અર્પણ કર્યું.
બાલ ગંગાધર ટિળકે કહ્યું છે કે “મને નર્કમાં પુસ્તકો મળશે તો હું ત્યાં રહેવાનું પસંદ કરીશ.” આટલી બાબતો પરથી આપણે વિચારવાની જરૂર છે કે પુસ્તક વાંચનનું કેટલું મૂલ્ય છે ? દુનિયાના મહાન પુરુષો પુસ્તક વાંચનથી પરમાર્થી બન્યા છે. પુસ્તકો
આપણને નવા વિચારો, નવા માર્ગો, નવી શૈલી અને જીવન જીવવાની કલા શીખવે છે. પુસ્તકોના વાંચનથી મનની એકાગ્રશક્તિ વ્યાપક બને છે. દુનિયામાં વાંચનશીલ વ્યક્તિ સુખી હોય છે.વાંચન કરવાથી બોલવાની કલા ઓટોમેટીક કેળવાય છે.વાંચન કરવાથી વૈચારિક ક્ષમતા અને આંતરિક ઊર્જા પ્રબળ બને છે.
આજે લાઇબ્રેરીઓ મૃતઃપ્રાય અવસ્થામાં છે. કડા ગામમાં ડો. મફતભાઈ પટેલે અત્યંત આધુનિક લાઇબ્રેરી બનાવી છે.ગામના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાથી માંડીને મોટા ભાગની તૈયારી તે પુસ્તકાલયમાં બેસી કરી રહયા છે.પુસ્તકાલયમાં તમામ પુસ્તકો ઉપલબ્ધ કરી આપ્યા છે ત્યાં સુંદર ભૌતિક સગવડ હોવાથી નીરવ શાંતિમાં બાળકો તૈયારી કરે છે. અને આજે એટલા બધા બાળકો નોકરી લાગ્યા છે જે ડો. મફતભાઈ
પટેલને આભારી છે. આજે કડા ગામના બાળકો નોકરી લાગે છે ત્યારે સૌ પ્રથમ પૂજ્ય દાદાના
ચરણસ્પર્શ કરી રાજીપો વ્યક્ત કરે છે. આવું જ બીજું કામ ગુજરાતના પદ્મશ્રી તેજ તરાર પત્રકારત્વથી જેમની ઓળખ છે એવા પૂજ્ય દેવેન્દ્રભાઈ પટેલે આકૃંદ ગામમાં અત્યંત ભૌતિક સગવડવાળી સંદેશ લાઇબ્રેરી નિર્માણ કરી છે. એસી હોલ, કમ્પ્યુટર સાથે ડિજિટલ પુસ્તકાલય, સંદર્ભ ગ્રંથો સાથેની બધી જ વ્યવસ્થા નિર્માણ કરી આપી છે.વટેમાર્ગુને પણ તેના દર્શન કરવાનું મન થાય તેવું જ્ઞાનનાલય વતનને અર્પણ કર્યું છે. તે વિસ્તારના બાળકો પુસ્તકાલયનો ઉપયોગ કરી અને સારા નાગરિકો બની રહ્યા છે. આકૃંદ લાઇબ્રેરીનું સંવર્ધન કરતા શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ પ્રિન્સિપલ તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેઓ પણ એક સારા લેખક અને મોટીવેશન વક્તા છે. ગુજરાતમાં આ બે બાહોશ વ્યક્તિઓએ પુસ્તકાલયની જ્યોત પ્રગટાવી પોતાના વતનનું ઋણ ચૂકવી દીધું છે. પુસ્તકાલયના કારણે લોકોની વાંચન ક્ષમતા વધે છે. બિનજરૂરી રખડી ખાવું, સમય પસાર કરવો તેના કરતાં વાંચન કરવું તે આગળ પડે છે.
સયાજીરાવ ગાયકવાડ સરકારમાં દરેક ગામમાં પુસ્તકાલય હતું. આજે સરકારે બજેટ વધારીને દરેક ગામમાં લાઇબ્રેરી શરૂ કરવાની જરૂર છે. જેથી આવનાર પેઢી વાંચન તરફ વળે તે આજના સમયની માગ છે. બધું જ ડિજિટલ અને એ.આઈ કરશે તો તમે શું કરશો? આ બધી બાબતો આજના યુગમાં બાળકોને શીખવવાની જરૂર છે. આજે ઘરે પણ શિક્ષિત વ્યક્તિઓ વાંચતા નથી અને પોતાના બાળકોને પ્રેરણા આપે છે કે વાંચવા બેસો. તમારાથી શરૂઆત કરો ને તો તેઓ તેનું અનુકરણ કરશે. આજે વાંચન પર્વ દિવાળી પર્વ કરતા ઊંચો
પર્વ છે. સરસ્વતીની સાધનાએ સર્વશ્રેષ્ઠ છે. જે લોકો વાંચન તરફ વળ્યા છે તેઓ પ્રગતિ તરફ છે. વાંચન, લેખન અને ગણન આ ત્રણ બાબત ત્રિદેવ જેવો છે. બાળકો સાથે કામ કરતા શિક્ષક મિત્રોએ પણ દરરોજ વાંચન કરવું જોઈએ. રિસેસમાં એ અન્ય પરિયડમાં આપના હાથમાં પુસ્તક હશે તો બાળકને પ્રેરણા મળશે. પુસ્તકોના સત્સંગથી લાઇબ્રેરીના જે પુસ્તકો છે તેમને બહાર આવવાની તક મળશે. દરરોજ તમારા ઓશિકાના નીચે પુસ્તક વાંચનની ટેવ હશે તો નિંદ્રા સારી આવશે. બિનજરૂરી વિચારો અને તનાવ ભાગી જશે.
પોઝિટિવ વાંચન તમને આંતરિક રીતે મજબૂત બનાવશે. જે લોકો લખે છે, તે વાંચે છે.જે વાંચે છે તે સારું લખી શકે છે તે સ્પષ્ટ છે. સૌ મારા વાચક મિત્રોને વાંચન કરવાની શુભકામનાઓ. ગમે તેટલા યુધ્ધ થશે પરંતુ એક વખત માણસમાં વાંચન યુધ્ધ ચાલુ થઈ ગયું એટલે સમજી લેવાનું કે તમે નિજાનંદ તરફ જઈ રહ્યા છો.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨