એક હતું સુંદર મજાનું તળાવ. આ તળાવના કિનારે ચતુર ચકલી, ભોળો દેડકો અને નટખટ ઉંદર રહેતા હતા. એક દિવસ સવાર-સવારમાં ત્રણેય મિત્રો રમવા નીકળ્યા.
તળાવના કાંઠે એક સાબુની પાણી ભરેલી ડોલ પડી હતી. કદાચ કોઈ ધોબી ત્યાં કપડાં ધોઈને ભૂલી ગયો હશે. પવન ફૂંકાયો અને ડોલમાંથી એક મોટો રંગબેરંગી પરપોટો બહાર નીકળ્યો!
તે પરપોટો તો ગલગોટા જેવો ગોળ અને મેઘધનુષ જેવો રંગીન હતો. પવન સાથે તે હવામાં ધીમે-ધીમે ઊંચે ચઢવા લાગ્યો. ચતુર ચકલી બોલી, ‘‘અરે જુઓ! આ તો આકાશમાંથી કોઈ મોટો લાડુ ઊતરી આવ્યો લાગે છે!’’
ભોળો દેડકો ડ્રાઉં-ડ્રાઉં કરતો કૂદ્યો, ‘‘ના ના, આ તો મારો નવો મહેલ છે. મારે એમાં રહેવા જવું છે!’’નટખટ ઉંદર કહે, ‘‘અરે ભાઈ, આ તો કાચનો દડો છે, ચાલો આપણે એનાથી રમીએ!’’
ત્રણેય મિત્રો પરપોટાની પાછળ દોડ્‌યા. પરપોટો તો હવામાં આમ-તેમ ડોલતો હતો. ચકલી પાંખો ફફડાવીને તેની ઉપર બેસવા ગઈ, પણ પરપોટો લપસી ગયો! ઉંદરે કૂદકો મારીને તેને પકડવા હાથ લંબાવ્યો, પણ તેના પંજામાં તો ખાલી હવા આવી! દેડકાભાઈ તો જીભ બહાર કાઢીને પરપોટાને ચાખવા ગયા. તેમને લાગ્યું કે આ કોઈ ગળી મીઠાઈ છે! પવન જોરથી ફૂંકાયો અને પરપોટો ઊડીને એક કાંટાવાળા થોર પાસે પહોંચી ગયો. ત્રણેય મિત્રો હાંફતા-હાંફતા પાછળ પહોંચ્યા.
દેડકાભાઈ બોલ્યા, ‘‘ખસી જાઓ બધા, હવે આ પરપોટાને હું પકડીશ!’’ દેડકાએ જોરથી હવામાં છલાંગ લગાવી. બરાબર એ જ સમયે પરપોટો થોરના એક અણીદાર કાંટાને અડી ગયો.
‘‘ફટ્ટ… ટ… ટ…!’’
એવો અવાજ આવ્યો ને દેડકાભાઈ તો ડરીને ઊંધા માથે કાદવમાં પડ્‌યા! ચકલી ઝાડની ડાળીએ જઈને છુપાઈ ગઈ અને ઉંદરભાઈ તો પોતાના દરમાં ભરાઈ ગયા.
બધું શાંત થયું એટલે ચકલીએ બહાર આવીને જોયું. ત્યાં નહોતો પરપોટો કે નહોતો કોઈ લાડુ! ત્યાં તો માત્ર સાબુના પાણીના બે-ચાર ટીપાં જમીન પર પડ્‌યાં હતાં.
દેડકાભાઈ કાદવ ખંખેરતા બહાર આવ્યા અને પૂછ્યું, ‘‘અરે, મારો મહેલ ક્યાં ગયો?’’ ચકલી હસીને બોલી, ‘‘દેડકાભાઈ, એ તો પરપોટો હતો! એ તો પળવારમાં જન્મે અને પળવારમાં ફૂટી જાય!’’ ત્રણેય મિત્રો એકબીજા સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭