રાગ – વૈરાગ

પંદરેક દિવસ વીતી ગયા. આનંદ હવે સેટ થઈ ગયો હતો. સવારે છ -સવા છએ જાગી જતો. આઠેક વાગ્યે તો સ્નાનાદિથી પરવારી, રૂપાના હાથની ચા પી, પૂજાપાઠ પતાવી ગામમાં લટાર મારવા નીકળતો. રૂપાએ રોજના ક્રમ મુજબ થાળી પીરસી હોય અને પોતે જમી લે, અને પછી અગિયારમાં પાંચે સ્કૂલે જવા નીકળી પડતો. સાંજે પાંચ વાગ્યે છૂટીને ઘરે આવી ફ્રેશ થતો અને પછી સ્કૂલની નાનકડી લાઈબ્રેરીમાંથી લાવેલી કોઈ નવલકથા વાંચતો રહેતો કાં તો રેડિયો સાંભળતો!
આનંદને તો એક જ ધૂન હતી. ગમે તે થાય પણ બાદલગઢને બસની સવલત મળવી જોઈએ. એટલે સાંજે શાળા છૂટ્યા પછી સરપંચના ઘરે જઈ આ વિષે વાત કરી. સરપંચ અભણ હતા, પણ સમજુ હતા. આનંદની વાત સાંભળીને તેમણે કહ્યું, ‘તમારી વાત સાચી છે સાહેબ, પણ ચંદુભાઈએ ઘણી વખત લખ્યું છે, પરંતુ કાંઈ વળ્યું નહીં.’
‘આપણે ફરીવાર અરજી કરીએ તો કેમ? ટપાલખર્ચના થોડાક પૈસા હું ભોગવીશ, પણ તમારા નામથી, પંચાયતના નામથી અરજી કરીએ તો એ વધારે યોગ્ય લાગશે.’
‘વાંધો નહીં. હું તમારી પડખે જ છું, તપાસ આવશે તો હું જવાબ આપીશ.’
આનંદને એટલું જ જોઈતું હતું. શાળામાં શિક્ષણ સાથે વહીવટી કામોમાંય પોતે ઘણું બધું શીખી લીધું હતું. બાદલગઢ ગામની પરિસ્થિતિ અને એ વિષે પડતી હાલાકી વિષે એણે તાલુકાના એસ.ટી. કંટ્રોલરને, તાલુકા વિકાસ અધિકારીને અને ડેપો મેનેજર તથા એસ.ટી. વિભાગીય નિયામકને પણ રજૂઆત કરી. દર બે-ચાર દિવસે રિમાઈન્ડર કરતો. ચંદ્રકાન્તભાઈને એણે આ બાબતથી વાકેફ રાખ્યા હતા. એટલે એમણે પ્રત્યક્ષપણે પોતાનો રાજીપો જ વ્યક્ત કર્યો.
એક દિવસ ગજબનો બનાવ બની ગયો. તે બાળકોને ભણાવતો હતો ત્યાં જ છેલ્લા વર્ગમાંથી મોટે મોટેથી બોલવાનો અવાજ આવવા લાગ્યો. એ વર્ગ તો તરલિકાબહેનનો હતો. આનંદથી કાન મંડાઈ ગયા. તરલિકાબહેન અને સાહેબ વચ્ચે બોલાચાલી થતી હતી. હળવે હળવે બન્ને કલાસરૂમમાંથી નીકળીને લોબીમાં આવી ગયા. સાહેબનો જોરશોરથી અવાજ આવતો હતો. તે કહેતા હતા, ‘આવું અવારનવાર બન્યું છે. આ કાંઈ આજની વાત નથી. તમારે નિયમિત આવી જવું જોઈએ તો આ પ્રશ્ન જ ઊભો ન થાય.”
‘પણ મારે ઘરકામ બાકી હતું.’
“એ વહેલા કરી લેવાનું.”
“મારે રસોઈ પણ બાકી હતી. જમવાનું પણ હતું.’
‘તો એનો ભોગ વિદ્યાર્થીઓ નહીં બને. અમે ઘણીવાર જમ્યા વગર નીકળી જઈએ છીએ તરલિકાબહેન.”
‘પાંચ-દસ મિનિટ મોડું થઈ ગયું.’
“પૂરા પોણો કલાક મોડા છો. નિશાળનો સમય અગિયારનો છેઃ તમે અગિયારમાં દસે જ આવો એમ હું નથી કહેતો, પણ કમસે કમ અગિયારના ટકોરે તો અહીં પહોંચી જવું જોઈએને.”
‘અને કદાચ ન પહોંચું તો?’ તરલિકાએ હુંકાર કર્યો.
‘તો હું કેળવણી નિરીક્ષકને લખી નાખીશ. બાળકોના અભ્યાસના ભોગે હું તમારી મનસૂફી નહીં ચલાવી લઉં સમજ્યા? ક્યારેક ક્યારેક ઠીક છે કે તમે મોડાં આવો તો ચલાવી લઉં. આ તો રોજનું થયું. તમે નિયમિત રીતે અનિયમિત આવતા થઈ ગયા. ક્યારેક કોઈ ઈન્સ્પેક્શન કે તપાસ આવી તે દિવસે જવાબ દેવો ભારે પડી જશે. તરલિકાબહેન, ફરજનું કંઈ ભાન જ નથી. કેટલાં વરસ થયાં નોકરીને?’
‘એ બધા વાહિયાત સવાલોના જવાબ મારે નથી આપવાના સાહેબ.’
‘હું જે નિશાળમાં આચાર્ય છું તે શાળાના તમે મારા આસિસ્ટન્ટ શિક્ષક છો. હું જેમ કહું તેમ તમારે કરવાનું છે. જેમ રામગઢ શાળાના આચાર્ય પાસે તમારી ધોરાજી ચાલતી હતી એમ હું નહીં ચલાવી લઉં સમજ્યાં? જો, એમ જ ચલાવવું હોય તો હું રિપોર્ટ કરી નાખીશ અને પછી કહેતાં નહીં કે બદલી થઈ ગઈ.’
‘બદલી તો કોની થઈ જાય છે એ મારે નક્કી કરવાનું છે. બાકી, તમારું આ અણછાજતું વર્તન તમને ભારે પડી જશે.’
ત્યાં જ ‘સાહેબ ચાલો’ને હવે..જવા દોને.’ કહેતો આનંદ બહાર આવ્યો અને ચંદ્રકાન્તભાઈનું બાવડું પકડીને મોટા ખંડ તરફ દોરી જતાં તરલિકાને કહેતો ગયો. ‘હવે બધું મૂકી દોને બહેન! કાલથી ટાઈમ સાચવી લેજો. અમથે અમથાં શું લોહી ઉકાળા કરો છો?! જાવ, જાવ, હવે તમારા ક્લાસમાં જાવ. બાળકોના મન ઉપર ખરાબ અસર પડે છે.’ તરલિકા અંદર ગઈ.
આનંદે, ચંદ્રકાન્તભાઈને કહ્યું, ‘મૂકોને માથાકૂટ, નબળાથી વેગળા સારા.’
‘ના, ના, એ એના મનમાં સમજે છે શું?’ કપાળ પર બાઝેલાં પ્રસ્વેદબિંદુઓએ હાથરૂમાલથી લૂછતાં બોલ્યા, ‘મારે એને કાયમ કહેવું પડે અને હું એનાથી બીતો નથી.’
“ચાલ્યા કરે. જવા દો હવે એમને સાહેબ.’ કહેતાં તેમને ખુરશી પર બેસાડી પાણીનો ગ્લાસ આપ્યો. ચંદ્રકાન્તે પાણી પીતાં પીતાં કહ્યું, ‘એનો હુંકાર એને ભારે પડશે.’
આ વાતને પંદર-વીસ દિવસ વીતી ગયા ને એક દિવસ જિલ્લા અને તાલુકા પંચાયતના સ્ટાફનો કાફલો આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારી પણ આવ્યા. તરલિકા અને ચંદ્રકાન્ત સિવાયના ત્રણેય શિક્ષકોને પંચાયતની ઓફિસે બોલાવ્યા. પેલા બન્ને શિક્ષકો ગભરાઈ ગયા હતા. આનંદ અને અન્ય બે શિક્ષકો અધિકારીની સામે જઈને ઊભા. કેળવણી નિરીક્ષક અને કેન્દ્રવર્તી શાળાના આચાર્ય પણ હતા. તેમને તો આનંદ ઓળખી ગયો. જિલ્લામાંથી શિક્ષણ ઈન્વેસ્ટિગેશન અધિકારી સામે જ બેઠા હતા. ત્રણેય જણ અદબ વાળીને ઊભા રહ્યા કે કેળવણી નિરીક્ષક માંડલિયાએ વાત શરૂ કરતાં કહ્યું, ‘તમારા આચાર્ય ઉપર તપાસ અર્થે અમે આવ્યા છીએ. તમારી પાસે સત્યની અપેક્ષા છે.’
‘જી, હા.’
‘અમે આચાર્ય ચંદ્રકાન્ત વ્યાસના ચારિત્ર્ય વિષે જાણવા માગીએ છીએ. શું એ વાત સાચી છે કે તેમનું કેરેક્ટર નબળું છે? તે ચારિત્ર્યહીન માણસ છે.’
‘જીના.” આનંદે હોઠ બીડીને કહ્યું, ‘અહીંયાં તેમને નવ વર્ષ થઈ ગયા. અમને નહીં પણ શાળાના પહેલા ધોરણથી છઠ્ઠા ધોરણમાં ભણતા કોઈ બાળકને પૂછોને તોય સાચી માહિતી તમને મળી જશે કે એ કેવા માણસ છે.’
‘શું એમણે તમારી શાળાના શિક્ષિકા તરલિકાબહેન ઉપર બળજબરી કરેલી?’
‘એવું તો અમે સ્વપ્રમાં પણ ન કલ્પી શકીએ સાહેબ. અત્યારે તો તરલિકાબહેન સાહેબ ઉપર બળજબરાઈ ભોગવે છે.’
‘કારણ?!
‘કાયમ મોડા આવવું, રોફ કરવો. સાહેબને ક્યારેય ગાંઠતાં નથી. સાહેબ ઠપકો આપે તો એલફેલ બોલી નાખે છે. બદલી કરાવી નાખવાની ધમકી આપે છે. રાજકારણ, સ્થાનિક કાર્યકરો સાથે સંકળાયેલા છે અને એટલે સસ્પેન્ડ કરાવી દેવાની ચેલેન્જ કરે છે.
‘શું આ વાત ખરેખર સાચી છે?’ માંડલિયાના ભવાં ઊંચકાયા.
‘ખોટું હોય તો આ મારા સાથી મિત્રો છે. એમને પૂછોને.’ આનંદે કહ્યું.
‘હા સાહેબ.’ પ્રભુદાસે કહ્યું, ‘આનંદભાઈની વાત સાચી છે. અમારા સાહેબ એવા નથી. એ તો ઓલિયા જેવો માણસ છે. ભગવાન જેવો છે.”
‘અચ્છા.’ કહી માંડલિયાએ કાગળ ત્રણેયને અંબાવતાં બોલ્યા, ‘આ છે તરલિકા દેસાઈની અરજી અને એમાં એમણે લખ્યું છે કે આચાર્યે મારી સાથે અણછાજતું વર્તન કર્યું. મારું બાવડું પકડી લીધું, મારી ઈજ્જત ઉપર હાથ નાખ્યો.’
‘ઓહ.” ત્રણેય શિક્ષકોના પગ તળેથી જમીન સરકી ગઈ. પેલી અરજીનું લખાણ વાંચતાં જ આનંદ ઊકળી જ઼તાં બોલી ઊઠ્‌યો, “આ નરાતાળ જૂઠ છે, સાહેબ. ચંદ્રકાન્તભાઈ ઉપર ખોટું આળ નાખવામાં આવ્યું છે. એમને ફસાવી દેવાની પેરવી છે.’
‘હા. ત્રણેય બોલી ઊઠ્‌યા. માંડલિયા ત્રણેયની આંખોમાં તાકી રહ્યા. સત્યતાની ખાતરી તેમની આંખોમાં હતી. માંડલિયા સચ્ચાઈ પારખી શક્યા. થોડી વાર મૌન છવાયેલું રહ્યું. પછી મૌન ન જીરવાતાં આનંદે માંડલિયાને કહી દીધું, ‘સાહેબ, અયોગ્ય લાગે તો માફ કરજો, પણ એક પ્રશ્ન આપને પૂછવા માગું છું.’
‘બોલો, બોલો. તમારો અધિકાર છે.’ માંડલિયા હસ્યા. ‘સાહેબ, તરલિકા દેસાઈ વિષે આપ શું જાણો છો?’
‘કશું નહીં.’
‘તો હવે તમને કહું. તરલિકાબહેન એ સાવ હલકી, છેલ્લી કક્ષાની સ્ત્રી છે અને એનો રિપોર્ટ તમને તરઘરા, પાનવાડી અને રામગઢ ગામમાંથી મળી જશે.’
‘પણ એ તો પરણેલી છે.’
‘હતી, હવે નથી. એના જ ભવાડામાં એના પતિએ છૂટાછેડા આપી દીધા છે. એ પોતે જ ચારિત્ર્યહીન છે. અરજીમાં એણે લખ્યું છે કે આચાર્યે મારું બાવડું પકડયું, પણ એટલું જ કહું- એ શું પકડે બિચારા? અત્યારે તો ભરબજારમાં તરલિકાબહેને ઘણાયનાં બાવડાં પકડી લીધા છે.’
‘ઓહ.’
‘હા, સાહેબ. આ વાત સોએ સો ટકા સાચી છે. આપ રામગઢ તપાસ કરાવજો આખું ગામ…’
‘હું સમજી ગયો.’ માંડલિયા બોલ્યા, ‘મને બધું સમજાઈ ગયું.’ ને પછી કંઈક વિચારીને કહ્યું, “તો તમે જઈ શકો છો.’
‘સાહેબ, ચા-પાણી.’
‘ના, થેન્ક્સ.” કહી તે ઊભા થયા.
ત્રણેય જણ શાળાએ પાછા ફર્યા ત્યાં જ ચંદ્રકાન્ત પૂછી બેઠા, શું હતું?
‘કશું જ નહીં. ચિંતાનું કોઈ કારણ નથી. બધું પતી ગયું છે. નિરાંતે વાત.’ આનંદે કહ્યું, પણ પ્રભુદાસ રહી ન શક્યા. અતથી તે ઈતિ સુધી બધું એમણે કહી દીધું. આનંદનો જુસ્સો અને માંડલિયા સામે આચાર્યની ખુલ્લેખુલ્લી સચ્ચાઈથી તરફેણ કર્યાની પણ વાત કરી દીધી. ચંદ્રકાન્ત ભીની આંખે અને ગદગદ હૈયે આનંદ સામે તાકી જ રહ્યા. આ વાતને હજી માંડ દસ દિવસ જ થયા હતા અને એક દિવસ અચાનક તરલિકા દેસાઈની બદલીનું ‘ફરફરિયું’ આવ્યું. તે ફેંકાઈ ગઈ હતી દૂર દૂર… જિલ્લાની બોર્ડર ઉપર. ! (ક્રમશઃ)