ભારતીય નૌકાદળ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં એક નવો બેઝ બનાવશે. ચીનના નૌકાદળની વધી રહેલી ગતિવિધિઓ અને બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે બગડેલા સંબંધોને કારણે બદલાયેલી ક્ષેત્રીય સુરક્ષાની પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે. આનો હેતુ ઉત્તર બંગાળની ખાડીમાં ભારતની સમુદ્રમાં ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે. આ નવો બેઝ એક પૂર્ણ નૌકાદળ કમાન્ડ ન હોઈને ‘નેવલ ડિટેચમેન્ટ’ તરીકે કામ કરશે. અહીંથી નાના યુદ્ધજહાજ અને હાઈસ્પીડ બોટો ગોઠવાશે, જેથી સમુદ્રમાં દેખરેખ અને કાર્યવાહીની ક્ષમતા વધારી શકાશે. નૌકાદળ આ બેઝ માટે હલ્દિયામાં હાલ વર્તમાન ડોક કોમ્પ્લેક્સનો ઉપયોગ કરશે. તેનાથી ઓછી માળખાકીય સુવિધાની સાથે બેઝને જલ્દી સંચાલિત કરી શકાશે. આરંભમાં એક અલગ જેટી બનાવવામાં આવશે અને ત્યાં જરૂરી સુવિધા ઊભી કરાશે. આ નવા બેઝ પર લગભગ ૧૦૦ અધિકારી અને નૌકાદળના સૈનિકો ગોઠવાશે. તેનાથી સ્પષ્ટ છે કે આ એક નાનો પરંતુ વ્યુહાત્મક રીતે મહત્વનો બેઝ ગણાશે. હલ્દિયા, કોલકાતાથી લગભગ ૧૦૦ કિ.મી. દૂર છે અને તેનાથી સીધા બંગાળની ખાડીમાં પહોંચી શકાશે. તેમજ હુગલી નદીના માર્ગથી જવામાં થતા સમયમાં ઘટાડો થશે. હલ્દિયા બેઝ પર ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ(એફઆઈસી) અને ૩૦૦ ટન વજનનું ન્યૂ વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ ગોઠવવામાં આવશે. આ બોટ્સ ૪૦ થી ૪૫ નોટ્સ એટલે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી શકશે.