નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. ભર શિયાળાના માહોલ વચ્ચે ગણદેવી તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ઠંડી અને સૂકા વાતાવરણની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ અચાનક વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાગાયતી વિસ્તાર તરીકે ઓળખાતા ગણદેવી તાલુકામાં આ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે. હાલ આ વિસ્તારમાં કેરી અને ચીકુ જેવા મુખ્ય બાગાયતી પાકો છે, જે આર્થિક રીતે ખેડૂતો માટે અત્યંત મહત્વના ગણાય છે. હાલમાં આંબા પર મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આવા સંવેદનશીલ સમયમાં જો વરસાદ પડે તો મોરને ભારે નુકસાન થવાની શક્યતા રહે છે. ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલનું કહેવું છે કે, ઝરમર વરસાદના કારણે મોરનું ખરણ થવાની ભીતિ વધી ગઈ છે. જો આંબાના મોર ખરી પડશે તો તેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે, જેના કારણે આવનારા સમયમાં ઉત્પાદન ઘટી શકે છે અને બજારમાં ભાવ પર પણ તેની અસર પડી શકે છે. આ ઉપરાંત ચીકુના પાકને પણ ભેજ અને બદલાયેલા વાતાવરણથી નુકસાન થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદી માહોલને કારણે ખેતરોમાં ભેજ વધતા જીવાત અને રોગચાળો ફેલાવવાની પણ ભીતિ છે. ખેડૂતો હાલમાં આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને વધુ વરસાદ ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ, કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. ગણદેવી તાલુકામાં અચાનક બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઊંઘ હરામ કરી છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેના પર સૌની નજર ટકેલી છે.