જગતપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી ૩ માર્ચના રોજ ઉજવાનારા હોળી-ફુલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોર સંગ હોળી રમવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અત્યારે દ્વારકા તરફ આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને કારણે દ્વારકાના તમામ માર્ગો અત્યારે ભકિતના રંગે રંગાયા છે, ત્યારે આ ફૂલડોલોત્સવમાં હજારો અને લાખોની સંખ્યામાં પહોંચનાર યાત્રિકોની સુવિધા માટે પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર સાથે સાથે સામાજિક સંસ્થાઓ પણ અનેરા ઉત્સાહ સાથે કામે લાગી છે, આ સમયે હાલમાં દ્વારકામાં કેવો માહોલ જામ્યો છે,
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રીકો ચાલીને દ્વારકા પહોંચી રહ્યા છે. આજ વહેલી સવારથી જ હજારો પદયાત્રીઓ હાથમાં ધર્મધજા લઈ કીર્તિસ્તંભ થઈને ૫૬ સીડી (સ્વર્ગદ્વાર) મારફતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બેરિકેટિંગ વચ્ચે ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર અને મોક્ષદ્વારની બહાર પદયાત્રીઓએ ડીજેના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવી વાતાવરણને કૃષ્ણમય બન્યું હતું.
અવિરત ચાલતા સેવા કેમ્પઃ લાંબી પદયાત્રા કરી આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં ભક્તો માટે શુદ્ધ સાત્વિક ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા તેમજ પગમાં પડેલા છાલા કે અન્ય શારીરિક તકલીફો માટે મેડિકલ ટીમો તૈનાત કરાઈ છે. પદયાત્રીઓના આરામ માટે રહેવા અને નહાવા-ધોવાની ઉત્તમ સગવડ કરાઈ છે. કેમ્પમાં મુસ્લિમ વૃદ્ધ પોતાનો કામ ધંધો છોડી પદયાત્રીઓની સેવામાં જાડાયા હતા જેથી આ કેમ્પોમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા પણ જાવા મળી હતી.
યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોરની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે અને દ્વારકા તરફ જતાં તમામ માર્ગો પર પગપાળા જતાં ભક્તોનું ઘોડાપૂર વહી રહ્યું હોઈ તેવા દ્રશ્યો જાવા મળ્યા હતા.
શ્રદ્ધાળુઓની આ આસ્થાને સત્કારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે રિલાયન્સ દ્વારા ડોક્ટર ટીમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. રસ્તામાં સેવા કેમ્પોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. રસ્તામાં કોઈપણ સ્થળ પર પદયાત્રીકને તકલીફ હોય કે તબિયત બગડે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એમ્બ્યુલન્સ અને સ્ટાફ તેમની સારવાર આપી જરૂરી દવાઓ પૂરી પાડે છે. જગત મંદિર ખાતે આગામી હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે યોજાનાર ‘ફુલ્ડોર ઉત્સવ’ને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. લાખોની સંખ્યામાં આવનાર પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.






































