રાખનાં રમકડાં
શાંતુ તો રૂમમાં આવીને ધીમેથી દામલની પાસે સોફામાં બેસી ગઇ. બેસતાવેત જ મહેશ સામે નજર કરી દામલને કહ્યું : “તું આપણો ગેસ્ટરૂમ ખોલીને જરા જાઇ તો લે, અંદર બધું બરાબર તો છે ને… ? ”
“ હજી પાંચ દિવસ પહેલાં જ બધું વ્યવસ્થિત થયેલું જાયું હતું, એ તો તને ખબર જ છે. છતાં ચાલ હું જરા ખોલીને જાઇ લઉ, બસ….” આમ બોલી દામલ તો ઉભો થયો ને રૂમની બહાર નીકળી ગેસ્ટરૂમ તરફ ચાલતો થયો.
“મહેશ, ગેસ્ટરૂમમાં બધી જ સગવડતા છે. સંડાસ, બાથ તેમજ પાણીની સારી એવી સગવડ છે. સેટી પલંગ પણ ત્યાં છે. તને ફાવશે તો ખરૂંને…? શાંતુએ પૂછયું.
“ ફાવે જ ને ભાભી…! તમે મને આવું પૂછો છો શું કામ ? મને તો તમે ફક્ત એક ગોદડું આપો એટલે બસ. નીચે જમીન પર પણ હું ઊંઘી જાઉં તેવો છું. હું કંઇ અહીં એશઆરામ કરવા માટે નથી આવ્યો. તમે બંને તો મારા લીધે….” મહેશે સાવ ધીમેથી કહ્યું.
“એવું નથી મહેશ…” શાંતુએ પણ ભાવથી કહ્યું: “પરંતુ તું અમારો મહેમાન છે એટલે આ તો અમારી ફરજમાં આવે છે. હા, કંઇપણ અગવડ જેવું લાગે તો આ તારી ભાભીને ટકોર કરજે…”
“ચોક્કસ ભાભી…! એવું કંઇ હશે તો હું તમને કહેતા શરમાઇ નહીં.” મહેશે કહ્યું. આટલી વાત થઇ ત્યાં તો દામલ પાછો આવ્યો ને સોફામાં બેસતાં જ બોલ્યો ઃ “ બધું જ બરાબર છે, રૂમ પણ સાવ ચોખ્ખો છે. નળ ખોલીને પાણી આવે છે કે નહીં… તે પણ ચેક કરી લીધું….”
“ તો પછી હવે દસ તો થવા આવ્યા છે… દામલ, આપણા મહેમાન એટલે કે, આ મહેશને ગેસ્ટરૂમમાં મૂકી આવીએ તો…? હવે તે તેના રૂમમાં જ નિરાંતે આરામ કરશે, બરાબરને મહેશ…?” શાંતુ બોલી…
“હા… ભાભી ! તમે સાચું કહો છો…” એમ બોલી મહેશ ઊભો થયો. દામલ અને શાંતુ થોડાં આગળ ચાલ્યાં, પાછળ પાછળ મહેશ ચાલતો રહ્યો. ગેસ્ટરૂમ આવ્યો. બારણું ખોલી દામલ અંદર દાખલ થયો ને લાઇટની સ્વીચ ઓન કરતા તો આખો રૂમ પ્રકાશી ઊઠયો.
“ખૂબ સરસ, ખૂબ સરસ… ભાભી! મારી કલ્પનાથી પણ સુંદર એવો આ ખંડ – રૂમ છે. સર…! તમારો ખૂબ ખૂબ આભાર…!” બે હાથ જાડી મહેશ ભાવથી બોલ્યો.
“અરે…, આમાં વળી આભાર શેનો… ? આ તો મારી ફરજ માત્ર છે. ને હવે કંઇ તું થોડો અજાણ્યો છે ? તું તો અમારા ઘરનો જ એક સભ્ય છે…” શાંતુએ કહ્યું.
“દામલ સર, મારે તમને એક વાત કરવી છે પરંતુ અત્યારે નહીં, કાલે હું મારી ડ્યૂટી જાઇન કરી લઉં પછી તમને નિરાંતે વાત કરીશ….” મહેશે કહ્યું.
“જે હોય તે, જરાપણ મૂંઝાયા વગર સાવ ખુલ્લા દિલે વાત કરજે… તો મને ખૂબ ખૂબ ગમશે.” દામલે કહ્યું: “ કાલે અગિયાર વાગે હું તારી સાથે તો આવીશ જ.. એટલે તારે જરાપણ મૂંજાવાનું તો નથી જ. પછી જે કંઇ હશે તે જોયું જશે. તો મહેશ… અત્યારે હવે અમે જઈએ…? ”
“ચોક્કસ સર…! ગુડ નાઇટ ભાભી…!” મહેશ બોલ્યો..
“ગુડ નાઇટ…, ગુડ નાઇટ….” એમ બોલી શાંતુ અને દામલ ગેસ્ટરૂમમાંથી બહાર નીકળ્યાં.
દામલ અને શાંતુ હવે તેના બેડરૂમમાં દાખલ થયાં. પથારીમાં લાંબા થઇ જઇને દામલે કહ્યું: “કેવો સીધો સાદો છતાં ખૂબ જ હોશિયાર છોકરો છે. આમેય તે ભણવામાં ખૂબ હોશિયાર હોય તો જ આટલી નાની ઉંમરમાં સરકારી નોકરી મળે ને ? વળી વાંચવા – લખવાનો પણ ખૂબ જ શોખીન… અને જે વ્યક્તિનું વાંચન વધારે હોય તેનું જ્ઞાન પણ વધારે હોય, હા, એ તો સાચું જ છે કે, વાંચનથી જ્ઞાન સતત વધતું રહે છે. આવા હોશિયાર છોકરા પ્રત્યે મને તો આપોઆપ માન થઇ આવે છે…શાંતુ.”
દામલનું આવું હકારાત્મક વલણ શાંતુને અત્યારે ખૂબ ખૂબ ગમ્યું. એટલે તો તે પણ બોલી: “ કેવો ફૂટડો ને સરસ મજાનો કુણા માખણ જેવો છોકરો છે. વળી વાત કરવામાં અને વર્તનમાં પણ ખૂબ જ પાવરધો છે. તેનો ચહેરો કેવો ભોળો દેખાય છે. ઉજળો તો ઠીક, સાથે સાથે ગોરો ગોરો પણ ખરો. વળી તેની મુખાકૃતિ જોતા હંમેશાં તે હસતો હસતો જ દેખાય છે. આવો સારો છોકરો કાલથી તો સરકારી નોકરી કરવા માંડશે, કમાતો પણ થઇ જશે. પરંતુ હેં દામલ, આજે તો ઠીક પરંતુ બે – ચાર દિવસ આપણે તેને સાચવી લઇશું, પછી તે રહેશે કયાં…? ” (ક્રમશઃ)












































