દામનગરમાં છૂટાછેડા અને ફરી લગ્નના મનદુખમાં પુરુષને માથામાં ધારીયાનો ઘા મારવામાં આવ્યો હતો. પુરુષને લોહી નીકળતું બંધ કરવા ૨૫ ટાંકા લેવા પડ્‌યા હતા. આ અંગે પ્રકાશભાઈ લાભુભાઈ તજા (ઉ.વ.૪૫)એ ઠાંસા ગામે રહેતા હીરાભાઈ પરશોત્તમભાઈ નવાપરા (ઉ.વ.૬૮) તથા છગનભાઈ રવજીભાઈ નવાપરા (ઉ.વ.૬૩) સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ત્હોમતદારના દિકરાને તેની પત્ની સાથે આશરે દોઢેક વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. ત્યારબાદ ત્હોમતદારના દિકરાની પત્નીના તેના નાનાભાઇ સાથે લગ્ન થયા હતા. જે વાતનું મનદુઃખ રાખી તેમને માથાના ભાગે જાનથી મારી નાખવાના ઇરાદે ધારીયાના ત્રણ ઘા માર્યા હતા. જેથી માથાની ઉપર તથા પાછળના ભાગે આશરે ૨૫ ટાંકાઓ લેવા પડ્‌યા હતા. માથામાં હેમરેજ તથા ફ્રેક્ચર જેવી ગંભીર મરણતોલ ઇજા કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સી એન દવે વધુ તપાસ કરી રહ્યા છે.