જિલ્લાના દહેગામ તાલુકામાં દૂધ સ્વીકાર મુદ્દે પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વચ્ચે વિવાદ સર્જાયો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકાતા તાલુકાના પશુપાલકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. આ મુદ્દે પશુપાલકો ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે. પશુપાલકોએ દહેગામની નેહરુ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બુધવારે દહેગામના વાડિયા ગામના પશુપાલકોએ અને આજે ખાનપુર તેમજ નવા થાંભલિયા સમસ્ત દૂધ ઉત્પાદક સંઘ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે રોષે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જા માગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ઉત્તમ ડેરીએ મધુર ડેરીને કોર્ટ નોટિસ આપતા મધુર ડેરીએ ૯૦ જેટલી દૂધ મંડળીઓ દૈનિક ૬૦ હજાર લીટર દૂધ ભરાવતા હતા તે લેવાનું બંધ કરી દીધું છે. મધુર ડેરીના આ નિર્ણયથી દહેગામના ૧૫ હજાર જેટલા દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. આ રોષે ભરાયેલા પશુપાલકોએ ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડનું પૂતળું બાળી સૂત્રોચ્ચાર કર્યા હતા.
મધુર ડેરીના જનરલ મેનેજર, હંસા પટેલે આ અંગેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, મધુર ડેરી દૂધ લેતી હતી પરંતુ ઉત્તમ ડેરીએ મધુર ડેરી પર કોર્ટ નોટિસ કર્યું કે, અમે દૂધ લઈએ છીએ તો તમે ન લઈ શકો. જેથી મધુર ડેરીએ દૂધ લેવાનું બંધ કરવું પડ્યું છે. મધુર ડેરી તો દૂધ લેવા તૈયાર છે પરંતુ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી અમે દૂધ ન લઈ શકીએ.
પશુપાલકો એવું કહી રહ્યા છે કે, અમારું દૂધ ક્્યાં જમા કરવું એ અમે નક્કી કરીએ, ડેરીના સંચાલકો શું કામ નક્કી કરે છે. આ અંગે તેમણે જવાબ આપ્યો કે, જ્યાં સુધી કોર્ટનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી અમે દૂધ સ્વીકારી શકતા નથી. પશુપાલકો એવું કહી રહ્યા છે કે, ઉત્તમ ડેરી અમને પોષણક્ષમ ભાવ નથી આપતી એટલે અમારું દૂધ મધુર ડેરી સ્વીકારે. તેમને ભાવ નથી મળતા તો તેમને ઉત્તમ ડેરીમાં નથી જવું. અમને ૯૨ મંડળીઓ દૂધ આપતી હતી જે અમારે કોર્ટની નોટિસ સુધી બંધ કરવું પડ્યું છે. આ અંગે અમે સહકાર મંત્રીને વાત કરી છે.
તો બીજી બાજુ પશુપાલકોનું કહેવું છે કે, મધુર ડેરીમાં દૂધ સ્વીકાર પર મુકાયેલા પ્રતિબંધના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે. તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બુધવારે બપોર બાદ પશુપાલકો ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ રજૂઆત કરી આવેદન આપ્યું હતું અને પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી હતી.






































