‘‘ટિકિટ આપો.. ટિકિટ આપો.. ટિકિટ આપો.”
બનેવીલાલે ગામનાં ચોરે આવીને ચડે ચોક માંગણી કરી.
ગામને ચોરે મોટે ભાગે મોટી ઉંમરના ડોહલા બેઠાં હોય છે. એમણે એક વણ માંગી સલાહ આપી.
“બેટા, તારે ટિકિટ જોઈતી હોય તો તું મંદિરમાં જા. ભગવાન કદાચ! તારી વાત હાંભળે. અને ટિકિટ આપેય ખરાં. (આજકાલ ભુવા ‘ય ટિકિટ આપવા લાગ્યાં છે.)”
“હા પણ , હું મંદિરે આજે જ આવ્યો છું. અને તમે તો રોજે રોજ મંદિરનાં ઓટલે બેસીને ટાઈમ કાઢો છો. એટલે મારી કરતાં તમારી ઓળખાણ વધું હશે ને !!?”
“બેટા એજ તો કરમની કઠણાઈ છે. અમે મંદિરનાં ઓટલે બેહીને ટાઇમપાસ જ કરીએ છીએ. જેવી હાંજની આરતી શરૂ થઈ કે અમે ઘરભેગાં થઈએ છીએ.હાલો..હાલો, હાંજ પડી ગઈ. ઘરભેગાં થાવ. આમ ભગવાન અને પુજારી એકલાં એકલાં જ આરતી કરે છે. એટલે અમારું તો ભગવાન હાંભળશે જ નહીં. કદાચ! તારું હાંભળે.”
“તો હાંભળો. મારે ભગવાન પાસેથી કશું જ નથી જોઈતું. મારે તમારી પાસેથી જોઈએ છે.”
“હા પણ, અમારું તો ઘરમાં ‘ય હાલતું નથી. અમે શું આપીએ ?”
“કેમ કેમ? હું તમારો જમાઈ નથી?”
“જમાઈ હાત વખત. અને જમ અને જમાઈ મરે ત્યાં હુધી માંગે. પણ, આ માંગણી તમારી ગેરવ્યાજબી છે.”
આ ચર્ચા દરમિયાન બેરાલાલ,બકો,બોસ અને ઘણાંબધાં ભેગાં થઈ ગયાં હતાં.
બેરાલાલે કહ્યું.
“હા પણ, તમારે ટિકિટ જોઈએ છે શાની? આ મંદિર છે. મોવડી મંડળ નથી. બંગાળ, આસામ,કેરળ, તમિલનાડુ અને પુંડુચેરી વિગેરે રાજયની ચૂંટણી જાહેર થઈ છે. તમારે જે રાજ્યમાંથી લડવું હોય, એ રાજ્યનાં  મોવડી મંડળ પાંહે રૂપિયાનો કોથળો ભરીને પોગી જાવ !! લગભગ તો મેળ પડી જ જાહે.”
“ઓ..હો..હો..!! તમે તો ભાઈ ભારે જાણકાર છો. આટલી બધી તમને કેમ ખબર ? અને મુળ મુદ્દાની વાત. આટલાં બધાં રૂપિયા આપણી પાંહે ક્યાથી હોય! ”
“તો પછી, થોડાં ધીમાં ખમો. થેલીનો ફાલેય હમણાં આવશે.”
“થેલીનો ફાલ ? હું કાંઈ હમજયો નહીં.”
“તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,અને મોટા શહેરોની ચૂંટણી. હવે તો ગામનાં ગલુડિયાને’ય ખબર પડી ગઈ છે. ગલુડિયાની’ય કિંમત થઈ ગઈ છે. એમને ‘ય ગણતરીમાં લેવાં માંડ્‌યા છે. અને તમને નથી ખબર!? થેલીનો ફાલ એટલે પેટી.”
“રામ..રામ..રામ !! હું પાકો ગાંધીવાદી છું. અને ગાંધીજીનાં ગુજરાતમાં છું. અને તમે દારૂની પેટીની વાત કરો છો? અને દારૂની પેટી આપી દેવાથી ટિકિટ મળી જાહે ખરી? પણ, મૂળ વાત તો ઈ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. મારે દારૂની પેટી લાવવી ક્યાથી?” બેરાલાલે માથું કૂટયું.
“બનેવીલાલ!! તમે કોનાં જમાનામાં જીવો છો ?”
“જીયો કાર્ડ તો મુકાભાઈ અંબાણીનું છે. એટલે આમ તો મુકાભાઈનો જમાનો ગણાય!!”
“બનેવીલાલ તમે જમાઈ છો ? કે જમ !!?”
“હવે આવો અઘરો સવાલ તમારે મને પુછાય?? હું અને તમે બેય હરખાં.”
“એમ નહીં..! કયો જમાનો એટલે કઈ સદી? એમ.
આજકાલ નાના નાના ટાબરિયાને ય ખબર છે કે, પેટી એટલે લાખ રૂપિયા. અને તમે…”
“એટલે તમારું કે’વાનું એમ છે કે, વધારે પેટી હોય તો વધારે ટિકિટ મળે એમ!??”
“બનેવીલાલ હવે તમે વાતને આડે પાટે ચડાવો છો.
તમે દેખાવ છો એટલાં ભોળાં તો નથી જ.”
“હં..હં..અ. હવે તમે હમજયા. મારે કોઈ પેટી કે કોઈ કોથળો આપવો નથી. અને મારે કોઈ ચૂંટણી ફુંટણી લડવી ‘ય નથી. ચૂંટણી લડીને ચુથાવું . સોરી સોરી!! ચૂંટણી લડીને ચુટાવું. એનાં કરતાં એમને એમ હારા છીએ.”
તો પછી તમે ટિકિટની વાત કેમ કરી? કે મારે ટિકિટ જોઈએ છે.”
“બેરાલાલ અને ગ્રામજનો હાંભળો. મારે વાત આપણી વિધાનસભાની કરવી હતી. પણ, તમે અલગ ઉપાડ કરી લીધો.
તમને ખબર છે? આપણી વિધાનસભા રોજ નવ કરોડનો ખર્ચ કરે છે. એક કલાકનાં દોઢ કરોડ વાપરે છે. અને એમાં બધાં ભેગાં મળીને કરે છે શું??
આપણી શેરીના છોકરાઓ (કૂતરાંઓ)કરે ઈ. હામાં હામાં વડછકાં ભરે.”
બેરાલાલે કહ્યું . “એ આપણે ચૂંટીને મોકલેલા આપણાં ધારાસભ્ય છે. એને આવું આવું નો કેવાય !!”
“તો તમે કહો!! એ ત્યાં શું કરે છે?”
“હંધાય હામે હામે બાપે માર્યા વેર હોય એમ તો વર્તે જ છે. પણ, હારે હારે હાંભરે ત્યારે આપણાં વિસ્તારની વાતો ‘ય કરે છે હોં.”
“હા પણ,ઓલી ટિકિટનું હું છે? ઈ તો કહો.”
ગ્રામજનોથી હવે રહેવાયું નહીં.એમણે જ પુછ્યું.
“નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં હમણાં ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી વર્લ્ડ કપ રમાયો . એમાં ભારતે જ્વલંત વિજય મેળવ્યો.” “હા..આ..! ઈ તો અમે હંધાયે ભેગાં મળીને ટી .વી. માં મેચ જોઈ.” “હા પણ, ધારાસભ્ય થોડાં જ ટી. વી. માં જોવે!??
એને તો સ્ટેડિયમમાં બેહીને મેચ જોવી હતી. એટલે રોજનાં નવ કરોડનાં ખર્ચા વાળી વિધાનસભામાં ધારાસભ્યે ચર્ચા કરી કે, અધ્યક્ષશ્રી સરકારશ્રી અમને ખાવાં, પીવાનું (પીવાનું એટલે પાણી હોં)અને હરવા ફરવાનું મફતના ભાવમાં આપે છે. રહેવાનું પણ એક સારી ચાનાં ભાવથી આપે છે. (પછી ભલે ત્યાં શું શું ચાલે છે, એ મારે જાહેરમાં ના કહેવાય.)પણ, આટ- આટલું મફતમાં આપે છે. તો ધારાસભ્યને મેચની એક ટિકિટ મફતમાં નો આપી શકે?
મને ખબર છે, ટિકિટની કિંમત કરતાં વિધાનસભાનો સમય વધારે કિંમતી છે. છતાંય.. શું કહો છો સાથીદારો!!??”
ત્યારે આવ ભાઈ હરખાં, આપણે બેઉં સરખાં. જેવું થયું. સૌએ પાટલી થપથપાવીને ચર્ચામાં ભાગ લીધો.
અને આપણાં ટેકસના પૈસાનું થયું….!!