રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે કહ્યું કે જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરતો રહેશે, ત્યાં સુધી દેશ વિશ્વ નેતા રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં જે આધ્યાત્મિક જ્ઞાન છે તે દુનિયામાં બીજે ક્યાંય ઉપલબ્ધ નથી કારણ કે આધ્યાત્મિકતાનો બીજે ક્્યાંય અભાવ છે.
એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે ધર્મ એ સમગ્ર બ્રહ્માંડનું પ્રેરક બળ છે અને સૃષ્ટિની દરેક વસ્તુ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેમણે કહ્યું કે ભારતને તેના પૂર્વજા, સંતો અને ઋષિઓ પાસેથી સમૃદ્ધ આધ્યાત્મિક વારસો વારસામાં મળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા, આરએસએસ વડાએ કહ્યું, “નરેન્દ્ર ભાઈ હોય, હું હોય, તમે હોય કે બીજું કોઈ હોય, ફક્ત એક જ શક્તિ છે જે આપણને બધાને ચલાવે છે. જા વાહન તે શક્તિથી ચલાવવામાં આવે છે, તો ક્યારેય અકસ્માત થશે નહીં. તે ચાલક ધર્મ છે.”
તેમણે આગળ કહ્યું, ધર્મ એ સમગ્ર બ્રહ્માંડનું પ્રેરક બળ છે. જ્યારે બ્રહ્માંડ અસ્તીત્વમાં આવ્યું, ત્યારે તેના કાર્યને નિયંત્રિત કરતા નિયમો ધર્મ બની ગયા. બધું એક જ સિદ્ધાંત પર ચાલે છે. ભાગવતે કહ્યું કે ધર્મ ફક્ત ધર્મ સુધી મર્યાદિત નથી. પ્રકૃતિમાં દરેક વસ્તુનું પોતાનું એક સહજ કર્તવ્ય અને શિસ્ત હોય છે. તેમણે કહ્યું, “પાણીનું કર્તવ્ય વહેવાનું છે, અગ્નિનું કર્તવ્ય બાળવાનું છે. તેવી જ રીતે, પુત્રનું કર્તવ્ય છે, શાસકનું કર્તવ્ય છે અને આચારના નિયમો છે. આપણા પૂર્વજા ઊંડા આધ્યાત્મિક સંશોધન અને પ્રયાસ દ્વારા આ નિયમોને સમજતા હતા.”
તેમણે એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો કે રાજ્ય કે વ્યવસ્થા ધર્મનિરપેક્ષ હોઈ શકે છે, પરંતુ કોઈ પણ માનવી કે સૃષ્ટિ ધર્મ વિના અસ્તીત્વમાં ન રહી શકે. તેમણે કહ્યું કે ધર્મ ભારતના સામાન્ય લોકોમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. “ઝૂંપડીમાં રહેતો વ્યક્તિ ભલે ભાષણ ન આપી શકે, પરંતુ ધર્મ તેની નસોમાં વહે છે.”