આપણે ૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ અને એવું માનીએ છીએ કે ભારતમાં રાષ્ટ્રભાવના હજુ જળવાયેલી છે. પ્રજાસત્તાકનો મૂળભૂત અર્થ એ છે કે પ્રજાએ પોતે પસંદ કરેલા લોકો દ્વારા ચાલતું એક પ્રકારનું શાસન. અબ્રાહમ લિંકન સહિતના મહાપુરુષોએ લોકશાહીની અનેક રીતે વ્યાખ્યાઓ કરી છે. આમ તો લોકશાહીની પરંપરા પશ્ચિમમાં છેક રોમન સામ્રાજ્યથી ચાલી આવે છે અને ભારતમાં રામાયણ અને મહાભારત કાળમાં પણ રાજાઓના દરબારમાં પ્રજાના અવાજનું ખૂબ જ મહ¥વ હતું. ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ પ્રજા પ્રત્યેના રાજાઓના પ્રેમથી છલકાયેલો છે તો પણ રાજાશાહીની ઘણી મર્યાદાઓ હતી. મધ્યયુગમાં રાજાશાહીની એ મર્યાદાઓએ જ પ્રજાને પીડા આપવાની શરૂઆત કરી હતી જેને કારણે એ યુગને અંધકાર યુગ પણ કહેવાય છે. પ્રજાસત્તાકનો એક અર્થ એ પણ છે કે પોતાની સત્તા છે એમ માનીને પ્રજા જાહેરજીવનમાં સદ્વર્તન કરે. કારણ કે પોતાનું જ રાજ્ય હોય અને પોતે પસંદ કરેલા લોકો સત્તા ઉપર હોય, વળી એવા લોકો કે જેઓ રાજવંશીય પરંપરામાંથી નહીં પરંતુ સામાન્ય પ્રજામાંથી આવેલા હોય, તો તેઓના શાસન દરમિયાન પ્રજાની જવાબદારી વધી જાય છે. પરંતુ આઝાદી પછી થોડા વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો, પછી તો ભારતમાં નેતાઓની એક આખી વિચિત્ર પ્રકારની ફોજ અસ્તિત્વમાં આવી. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારથી જ સત્તાનો દુરુપયોગ કરનારા નેતાઓ જોવા મળ્યા. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં પણ એવા લોકોનો નવો ફાલ આવ્યો. ત્યાર પછી તો દરેક વડાપ્રધાન વખતે ભારતીય રાજકારણમાં સત્તાધારી પક્ષના નેતાઓ ગેરવર્તન કરતા અને ભ્રષ્ટાચાર કરતા ઝડપાયેલા છે. જાહેર જીવનનો અર્થ એક જમાનામાં લોકસેવા એવો થતો હતો પરંતુ હવે તો જાહેર જીવનનો અર્થ જાહેરમાં ભ્રષ્ટાચાર આચરીને સંપત્તિઓ ઊભી કરવાનું જીવન એવો થાય છે. આ વ્યાખ્યામાંથી ભાગ્યે જ કોઈ નેતાઓ બાકાત હોય. કારણ કે સત્તામાં આવ્યા પછી નેતાઓનું લક્ષ્ય માત્ર ધન સંપત્તિ બની જાય છે. તેઓ સત્તામાં હોવાથી તેમની નજીક જ ગંગા વહેતી હોય છે અને એ ગંગામાંથી તેઓ એક ધોરિયો પોતાના ઘર તરફ વાળી લે છે.
જો કે બે નંબરના પૈસાથી કોઈ સરવાળે સુખી થયું નથી. સુખનો રોટલો તો આજે પણ નીતિમત્તાવાળા એટલે કે એક નંબરના પૈસામાં જ છે. બે નંબરનો પૈસો આંખો અંજાઈ જાય એવી ચમક લઈને આવે છે, પરંતુ એ જયારે જાય છે ત્યારે જાતકને ઘોર અંધારામાં મૂકતો જાય છે અનેક ભ્રષ્ટાચારી લોકોના ઘરમાં આવા અંધારાઓ પ્રવેશી ગયેલા છે. નીતિના રોટલાની મીઠાશ સાથે, અનીતિનો પૈસો કદી પણ સ્પર્ધા કરી શકે નહીં. તો પણ આ પ્રજાસત્તાક ભારતમાં હજુ આજે પણ બે નંબરના પૈસા બનાવવાની રેસમાં બહુ બધા લોકો જોવા મળે છે. વળી નવાઈની વાત તો એ છે કે પોતાની બે ચાર પેઢી માટેનો રૂપિયો ભેગો કરવો એ તો ગુજરાતી પ્રજાની તાકાતની વાત છે. પોતાની ઉત્તમ બુદ્ધિ અને શાંતિવાળો ક્લેશવિહિન પરિવાર અને સખત પરિશ્રમના સંસ્કારો હોય તો એવો ગુજરાતી પોતાની તાકાતથી નીતિપૂર્વક અઢળક ધન ભેગું કરી લે છે ને એવું ઇતિહાસમાં વારંવાર જોવા મળે છે. પરંતુ રાજકારણના ક્ષેત્રમાં જે લોકો ભ્રષ્ટાચાર આચરે છે એમની ધનસંપત્તિ પછીની બેત્રણ પેઢીમાં ધોવાઈ જાય છે. કડવું છે પણ સત્ય છે.
ભારતને આઝાદી મળી પછી રાષ્ટ્રીયતાના જે સંસ્કાર આપણા હૃદયમાં મજબૂત થવા જોઈએ તે હજુ થયા નથી. ભારતીય નાગરિક જીવનનો આ સૌથી મોટો વિષાદયોગ છે. આપણી રાષ્ટ્રીયતા માત્ર ભાષામાં, ભાષણોમાં અને બહુ બહુ તો ઓટલે બેઠા થતી ચર્ચાઓમાં રઝળતી જોવા મળે છે. એ હજુ આપણા પોતાનામાં સાષ્ટાંગ અવતરી નથી. રસ્તા પર આડેધડ વાહન ચલાવવાથી શરૂ કરીને આપણી વ્યક્તિગત જાહેર જીવનની ટેવો-કુટેવો સતત એક-બીજાની નજરમાં ચડે છે, પરંતુ જેઓ ભૂલો કરનારા છે તેઓ અને જે દ્રષ્ટા છે તેઓ બંનેમાં એક જ સરખા લક્ષણો છે, એટલે કોણ કોને શું કહે? સંતાનોને મેડિકલમાં એડમિશન મળે એ માટેની ટકાવારી વધારવા આપણા દેશના નાગરિકો શું પ્રવૃત્તિઓ કરે છે તેનો ઇતિહાસ બિહાર અને મધ્ય પ્રદેશના પરીક્ષા કેન્દ્રોની બહારની દીવાલે લખાયેલો છે. સંસ્કારિતામાં આવડાં મોટાં ગાબડાં હોય એવો ભારતીય સમાજ વિકાસના નામે આગળ તો વધી રહ્યો છે, પરંતુ એ ક્યાં પહોંચશે એ નક્કી નથી.
નવી પેઢીના યુવાનો હજુ ધૂમબાઇકમાંથી નવરા થયા નથી. તેઓ આ દેશને શું કામમાં આવશે? તેમાંના ઘણા તો અત્યારે તેમના પરિવાર માટે જ એક સંકટ છે. ભારતીય પ્રજા છેલ્લા બે દાયકાથી મનોરંજનની મહેફિલોમાં ગળાડૂબ છે. આજકાલની મંદીનું એક કારણ એ પણ છે. મનોરંજન એક નશો છે. પોકેટ થિયેટર જેવો મોબાઈલ ફોન હાથમાં આવી ગયા પછી નવી પેઢી પોતાની એક અલગ દુનિયામાં સ્વૈરવિહાર કરવા લાગી છે. દરેક વ્યક્તિ ધીરે ધીરે એક ટાપુ બની ગઈ છે. સૌને પોતાની દુનિયામાં ખોવાઈ જવું ગમે છે. આ એક વિનાશનો માર્ગ છે. એક પરિવારમાં જો ચાર-પાંચ ટાપુ હોય તો નક્કી જ છે કે એ ટાપુઓ પર સમયસમુદ્રના જળ ગમે ત્યારે ફરી વળવાના છે. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું ત્યારે રાષ્ટ્રધ્વજ પહેલીવાર ધ્વજદંડ પર જે રીતે ઊંચે આકાશે ચડ્યો અને એના અનુભવમાં તત્કાલીન સમાજના કરોડો ભારતીયોના હૃદય પણ જે ઉમંગથી આસમાનમાં વિહાર કરવા લાગ્યા તે પરમ મંગલ ક્ષણથી આજનો ભારતીય સમાજ ઘણો દૂર નીકળી ગયો છે.
એ જ કારણ છે કે દરેક પરિવારના પ્રશ્નો જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ વધતા જાય છે. વિદ્વાનોની એક માન્યતા છે કે કુદરત પૃથ્વી પર પહેલા સમાધાન મોકલે છે અને પછી સમસ્યા મોકલે છે. એ જ તો કારણ છે કે આ બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ જીવ સૃષ્ટિ અને તેની સર્વશ્રેષ્ઠ ફલશ્રુતિ રૂપે માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે. પરંતુ સમસ્યાથી સમાધાન સુધી પહોંચવાનો રાજમાર્ગ બધાને સુલભ હોતો નથી કારણ કે એ યાત્રા કરવા માટેની શિસ્ત, ક્ષમતા, યોગ્યતા અને વિશ્વાસ દરેક દેશની પ્રજામાં હોતા નથી. છતાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ દુનિયાના અન્ય તમામ દેશો કરતા એક વેંત ઊંચી છે. ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરાજીએ એને પૂછ્યું હતું કે અચ્છા રાકેશ યે બતાઓ કિ વહાઁ સે હમારા હિન્દુસ્તાન કૈસા લગતા હૈ? ત્યારે રાકેશે કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાઁ હમારા…. આ વાત માત્ર આટલા શબ્દો પૂરતી સીમિત નથી. એનો ગહન અર્થ છે અને એ અર્થને સાર્થક કરવાની જવાબદારી માત્ર હિન્દુસ્તાનના નેતાઓની નથી, ભારતીય પ્રજાની પોતાની છે.
આપણે મનગમતી ફિલ્મ માટે દાયકાઓ સુધી બ્લેકમાં ટિકિટ ખરીદી છે અને હજુ આજેય દક્ષિણ ભારતમાં ખરીદીએ છીએ. બેવકૂફ અભિનેતા અને અભિનેત્રીઓ આપણા યુવક અને યુવતીઓના આદર્શ છે, રોલ મોડેલ છે. ઠોઠ લોકો પણ સ્ટાઈલિશ દેખાવા મથે છે. તેમને સારા દેખાવામાં રસ છે, સારા હોવામાં રસ નથી. આપણે એક સામાન્ય દાખલો મેળવવા માટે સરકારી કાર્યાલયમાં વધારાના પૈસા પણ આપીએ છીએ. આપણે ગમે તેટલું ભણેલા છીએ તો પણ ટ્રાફિક પોલીસની પકડમાંથી છટકવા માટે ખિસ્સામાંથી એકાદ નોટ સરકવા દઈએ છીએ. આપણે આગળ નીકળી જવા માટે ગમે ત્યારે આપણા વાહનો રોંગ સાઈડમાં કે ફૂટપાથ પર પણ ચડાવી દઈએ છીએ. બે નંબરના ભ્રષ્ટ આચરણથી ઘરમાં આવેલા નાણાં જોઈને આપણા દેશની માનવંતી ગૃહિણીઓના ચહેરા પર અજાયબ સ્મિત ફરકે છે. એ સ્મિત કૈકેયી, મંથરા કે આમ્રપાલી જેવું છે.
આ બધા જ આપણા પોતાના વિનાશના રાજમાર્ગો છે. જે આપણે પસંદ કરેલા છે. તમારી પસંદગીઓ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. પ્રજાને ખોટા રસ્તેથી પાછી વાળવી એ તો મહાપુરુષોનું અથવા સમાજમાં અત્ર તત્ર ફેલાયેલા અનામી સત્પુરુષોનું કામ છે. આવા સત્પુરુષોમાં સર્વપ્રથમ શિક્ષક આવે છે. આપણા શિક્ષકોને હમણાં તેમના સારા પગારના વળતરમાં તેઓ જે સેવા આપે છે એ માટે હાજરી પુરવાના મશીનો ( બાયોમેટ્રિક) સન્મુખ અંગુઠાનો ઓર્ડર થયેલો છે. પણ તેનું પાલન થતું નથી.









































