ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભીડમાં ભારે વધારો જાવા મળ્યો છે. દેશ-વિદેશથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના આગમનથી સમગ્ર ભવનાથ વિસ્તાર શિવમય બન્યો છે.
ભવનાથમાં અત્યારે ભકિત નો સાગર ઘૂઘવી રહ્યો છે. સાધુઓની ધૂણીનો ધુમાડો અને ગિરનારની ગુફાઓમાંથી આવતા શંખનાદથી સમગ્ર જૂનાગઢ અત્યારે કૈલાસધામ દેખાય રહ્યું છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં મહાદેવનો વાસ હોવાની અનુભૂતિ સાથે ભાવિકો ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગજવી રહ્યા છે.ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુના જણાવ્યા મુજબ, ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધ્વજારોહણ બાદ વિવિધ આશ્રમોમાં પણ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી છે. નાગા સાધુઓએ પોતાની ધૂણી ધખાવી ‘અલખ નિરંજન’ના નાદ સાથે મેળાને વિધિવત વેગ આપ્યો છે.
મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર નાગા સાધુઓ અને શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી રવેડી છે. જેમાં સાધુઓ તલવારબાજી અને પટ્ટાબાજી જેવા વિવિધ શાસ્ત્રો કરતબો પ્રદર્શિત કરશે. આ શોભાયાત્રામાં વિવિધ અખાડાના મહામંડલેશ્વરો અને સાધુ-સંતો શણગારેલા ગજરાજા સાથે જાડાશે.રવેડીના અંતે પૌરાણિક મૃગીકુંડમાં શાહી સ્નાનનું સવિશેષ મહત્વ છે.










































