જીરુંના પાકમાં નુકસાન કરતાં મુખ્ય રોગો આ પ્રમાણે છે. ૧.કાળી ચરમી, ૨.ભૂકીછારો, ૩.સૂકારો. જો આવા રોગોનું સંકલિત નિયંત્રણ કરવામાં આવે તો જીરુંના પાકમાં થતું નુકસાન મહદ અંશે અટકાવી શકાય છે.
૧. ચરમી અથવા કાળિયો
રોગ કારક: આ રોગ અલ્ટરનેરિયા બર્નસાઇ નામની ફૂગથી થાય છે.
લક્ષણો: બીજ પર તેમજ છોડના રોગિષ્ટ ભાગો પર રહેલ ફૂગ સક્રિય થતા પાક લગભગ ૩૦ થી ૩૫ દિવસનો થાય અને વાતાવરણ સાનુકૂળ હોય તો રોગના લક્ષણો છોડ પર દેખાય છે. શરૂઆતમાં રોગનું લક્ષણ જીરાના પાન પર ખૂબ જ નાના થોડા દબાયેલા કથાઈ રંગના ટપકાંના રૂપમાં જોવા મળે છે. સાનુકૂળ વાતાવરણ વધારે સમય રહેતાં આવા ટપકાંનું કદ વધે છે અને આખા પાન રતાશ પડતાં કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. કૂમળી ડાળીઓ પર લાંબા પટ્ટીવત ભૂખરાથી બદામી રંગનાં ધાબા પડે છે. રોગિષ્ટ પાન અંતે સૂકાઈ જાય છે. ડાળી પર ડાઘ પડે ત્યાંથી ઉપરનો ભાગ નમી પડી અને છેલ્લે સૂકાઈ જાય છે. થડ અને કૂમળી ડાળી પરનો ચેપ છોડને ઝડપથી સુકવી નાખે છે અને તેના પર ઝાકળ પડતાં આખા છોડ પર ફૂગના અસંખ્ય બિજાણુઓ તૈયાર થાય છે. જે હવા દ્વારા ખેતરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં રોગનો ફેલાવો ખૂબ જ ઝડપથી કરે છે. છોડ નાનો હોય ત્યારે રોગ લાગે તો છોડ ઉપર ફૂલ બેસતા પહેલા જ સૂકાઈ જાય છે અને જો ફૂલ બેસવાની અવસ્થાએ જ લાગેલ હોય તો દાણા બેસે પણ ચીમળાયેલા, વજનમાં હલકા અને ફૂગના ઉગાવાવાળા હોવાથી કાળા રંગના જોવા મળે છે. ઘણી વખત અર્ધપરિપકવ દાણા બંધાયેલા હોય અને રોગ લાગે તો દાણાની ગુણવત્તા ખૂબ જ હલકા પ્રકારની થઈ જાય છે. તેથી બજારમાં ખેડૂતોની ઉપજને પોષણક્ષમ ભાવ મળતો નથી.
અનુકૂળ વાતાવરણ:
વાદળ છાયું વાતાવરણ.
કમોસમી વરસાદ.
એકમ વિસ્તારમાં સામાન્ય કરતાં વધુ છોડની સંખ્યા.
ક્યારામાં વધુ પડતો પાણીનો ભરાવો.
સંકલિત નિયંત્રણ:
જીરાનો પાક દર વર્ષે એક જ જગ્યાએ ન લઈ, પાક ફેરબદલી અપનાવવી અને પહેલા જીરું ન લીધેલ ખેતરમાં વાવણી કરવી.
ઠંડીની શરૂઆત થતાની સાથે, નવેમ્બરમાં જીરાની વાવણી કરવી.
કયારા શક્ય તેટલા નાના રાખીને હળવું પિયત આપવું.
કયારાની પછાટે પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી.
છાણિયા ખાતરનો ઉપયોગ કરીને જમીનની ઉર્વરતા સુધારવી.
વધારે પડતું નાઇટ્રોજનયુકત ખાતર ન વાપરવું.
બીજ દ્વારા પણ રોગ ફેલાતો હોવાથી રોગમુક્ત બીજની પસંદગી કરવી.
બીજને વાવતા પહેલા મેન્કોઝેબ અથવા થાયરમ દવાનો પટ્ટ ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ આપવો.
પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫% નો ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં દ્રાવણનો છંટકાવ અને રોગનો પ્રકોપ વધે તો એઝોક્સિસ્ટ્રોબિન ૨૩% એસ.સી.નો ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા મેટિરામ ૫૫%+પાયરાક્લોસ્ટ્રોબિન ૫% દાણાદાર ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમા અથવા પાયરાક્લોસ્ટ્રોબિન ૧૩૩ ગ્રામ/લિટર + એપોક્સિકોનેઝોલ ૫૦ ગ્રામ/લિટર એસ.ઈ. ૧૫-૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો.
દવા છાંટતી વખતે છોડના બધા જ ભાગો પર દવા બરોબર છંટાય તેની કાળજી અવશ્ય રાખવી. જો આમ કરવામાં ન આવે તો છોડના જે ભાગ પર દવા છંટાયેલ ન હોય ત્યાં ફુગના બીજાણુંઓ પડી રોગનો ચેપ લગાડે છે અને અંતે દવા ન છંટાવા જેવું પરિણામ જોવા મળે છે.
૨. ભૂકીછારો: રોગકારક: ઈરીસીફી પોલીંગોની નામની ફૂગથી આ રોગ થાય છે. લક્ષણો:અનુકૂળ વાતાવરણ મળે ત્યારે રોગની શરૂઆત સામાન્ય રીતે નીચેના પાંદડાઓ પરથી થાય છે. શરૂઆતમાં પાન પર ફૂગની આછાં મલમલ જેવી, સફેદ રંગની પાવડરી વૃદ્ધિ દેખાય છે. એક-બે ટપકાં તરીકે શરૂ થયેલો આ રોગ ધીમે ધીમે વધીને પાન, કુમળી ડાળીઓ અને બીજ પર પણ ફેલાય છે. છોડની સપાટી જાણે સફેદ પાવડર છાંટેલો હોય તેવી દેખાય છે. પછી આ સફેદ વૃદ્ધિ રાખોડીયા રંગમાં ફેરવાઈ જાય છે. આ રોગથી છોડનો વિકાસ રોકાઈ જાય છે. વહેલો ચેપ લાગ્યો હોય તો દાણા બેસતા નથી, અને જો બેસ્યા હોય તો દાણા પર સફેદ આવરણ ચડી ઓછા વિકસે છે. આથી દાણા વજનમાં હલકા રહે છે અને તેમની ગુણવત્તા પણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. ૩. સૂકારોઃ રોગ કારક ઃ જીરામાં આ સૂકારાનો રોગ જમીનજન્ય ફૂગ ફ્યુઝેરીયમ ઓકઝીસ્પોરમ્ કયુમીનીથી થાય છે. લક્ષણો ઃ જીરુંંનો છોડ પાણીની તાણ પડે ને લંઘાય તેમ રોગકારક ફૂગના ચેપને લઈને પાણી આપેલ પાકમાં પણ છોડ લંઘાય છે. આ તંદુરસ્ત લાગતા છોડના અચાનક ઉપરના કૂણા ડોકા, કૂમળી ડાળીઓ બીજા દિવસે નમી પડે છે. સામાન્ય રીતે ૨૫-૩૦ દિવસના છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે. રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સૂકાઇ જાય છે. છોડ પીળો પડવો એ સામાન્ય લક્ષણ નથી. રોગની શરૂઆત ખેતરમાં કૂંડી-ગુંડીઓમાં જોવા મળે છે. જે ધીમે ધીમે વધારે વિસ્તારમાં પ્રસરે છે. રોગિષ્ટ છોડમાં દાણા બેસતા નથી અને જો બેસે તો તેનો પૂરતો વિકાસ થતો નથી, તેથી દાણા ચીમળાયેલા, વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાના હોય છે.
અનુકૂળ વાતાવરણ:સાધારણ ઉષ્ણ હવામાન સાથે વાતાવરણમાં ભેજ.
પવન સાથે કમોસમી વરસાદ.
સંકલિત નિયંત્રણ:પાકમાં રોગ લાગ્યા પહેલા સંરક્ષણાત્મક પગલાં રૂપે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૧૫ કિ.ગ્રા. પ્રતિ હેકટરે ૪૫ દિવસે છાંટવી જોઈએ.
• ગંધકનો છંટકાવ વહેલી સવારમાં છોડ પર ઝાકળ હોય તે સમયે દરેક છોડ પર સરખી રીતે કરવો.
• રોગની શરૂઆત ફૂલ બેસતા પહેલા પાકમાં થાય છે. ત્યારે પ્રથમ વખત દ્રાવ્ય ગંધક ૩ થી ૪ ગ્રામ પ્રતિ લિટર અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મિ.લિ. પ્રતિ લિટર પાણીમાં ઓગાળી છાંટવું.
અનુકૂળ વાતાવર:
સતત એકના એક ખેતરમાં જીરુંંનું વાવેતર.
ઊંચું તાપમાન.
સંકલિત નિયંત્રણ:
ભલામણ કરેલ ઊંચી ગુણવત્તા ધરાવતી સુધારેલી જાતો જેવી કે ગુ.જી.-૧, ગુ.જી.-૨ અને જી.-૪ નું વાવેતર કરવું.
ધાન્ય વર્ગના પાકોમાં પણ ખાસ કરીને જુવારનો પાક વાવી પાક ફેરબદલી કરવી. ચોમાસામાં જુવારનો પાક લેવાથી આ રોગ ઘટવાની શક્યતા રહે છે.
છાણિયું ખાતર સારા પ્રમાણમાં વાપરવું.
ચરમીના રોગમાં જણાવેલ ફૂગનાશકોની બીજને માવજત આપ્યા બાદ જ વાવેતર કરવું.
સૂકાતા છોડને કાળજીપૂર્વક ઉપાડી બાળીને નાશ કરવો.
દર વર્ષે એકની એક જમીનમાં જીરાનો પાક ન લેવો.
બીજને કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વે.પા. ૨ ગ્રામ અથવા થાયરમ ૩ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૩ ગ્રામ પ્રતિ કિલો બીજને માવજત આપવી. તદ્દઉપરાંત ચરમી માટે રાસાયણિક દવાના નિયંત્રણ મુજબ પગલાં લેવા.














































