ઈમાનદાર પોલીસ અધિકારીઓ સામે કેસ થયા ત્યારે આ પોલીસ પરિવારો ક્યાં હતા તેવો સવાલ ઉઠાવ્યો હતો
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોલીસના પટ્ટા ઉતારવાના મુદ્દે આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. ત્યારે ગોપાલ ઈટાલિયા પણ આ મુદ્દે મેવાણીના સમર્થનમાં આવ્યા છે. આંકલાવના અંબાલી ચોકડી પાસે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાઈ હતી. કિસાન પંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે રાજ્ય સરકારને ખુલ્લેઆમ પડકાર ફેંકતા કહ્યું હતું કે, કમરના પટ્ટા ગળે પહેરીને ફરતા અધિકારીઓના પટ્ટા ઉતરી જશે. અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન નહીં, પણ ટોમી કોઠરીમાં ધકેલી દેવાશે. જિજ્ઞેશ મેવાણીએ આપેલા પોલીસ પટ્ટાવાળા નિવેદન મુદ્દે આમ આદમી પાર્ટીએ આ મામલે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમે આ મામલે જિજ્ઞેશ મેવાણી સાથે છીએ. ભાજપ નાના પોલીસ કર્મીઓના પરિવારને મેદાનમાં ઉતારે છે. ભાજપ ડીજીપી કે અન્ય આઇપીએસના પરિવારને મેદાનમાં ઉતારે.
રાજકોટ જિલ્લાના ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતમાં દારૂ, જુગાર, ડ્રગ્સ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતનો યુવાન જીગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવીને પોલીસને કહે છે કે, મીઠી નજર અને હપ્તાખોરીને કારણે યુવાનો દારૂ ડ્રગ્સના રવાડે છે. દારૂ અને ડ્રગ્સ સેવન કરવાવાળાને પકડે છે, પરંતુ વેચાણ કરતા સામે પોલીસ પગલાં લેતી નથી એનું કારણ હપ્તા ખોરી છે. હપ્તાખોરી કરતા પોલીસના પટ્ટા ઉતરવા જાઈએ એવું જીગ્નેશ મેવાણી સાચું કહ્યું છે. તમામ સમાજના ત્રીસ ટકા યુવાનો દારૂ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે અને બરબાદ થઈ રહ્યા છે. જીગ્નેશ મેવાણી આઠ ચોપડી પાસ નથી સમજી વિચારીને કહ્યું છે. અત્યારે ગુજરાતમાં લોકો જીગ્નેશ મેવાણીની ફેવરમાં છે અને તેમને હાઈલાઈટ કરી રહી છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી ગુજરાતના યુવાનો નશાના રવાડે ચઢી રહ્યા છે અને તેની પાછળ ગુજરાતના પોલીસની ઢીલી નીતિ જવાબદાર હોવાનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની સ્કૂલો અને કોલેજાની બહાર ડિલિવરી કરવામાં આવે છે તેવા ગંભીર આરોપ મુક્યા હતા. એટલું જ નહીં નશાના કારોબારી સાથે જ વ્યાજખોરો અને મિલકત માફિયાઓની સિન્ડિકેટ થી ગુજરાતમાં અનેક પરિવારોએ પોતાની મિલ્કતો ગુમાવવી પડી છે તેવો આરોપ મૂક્યો હતો. જીગ્નેશ મેવાણીએ ઉઠાવેલા મુદ્દામાં સરકાર પોલીસ પરિવારોને આગળ ધરી રહી હોવાનું અને જનતા જીજ્ઞેશની સાથે હોવાનો દાવો કર્યો હતો. ઈમાનદાર પોલીસ અધિકારીઓ સતીષ વર્મા, સંજીવ ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓ સામે આજ સરકારે ૨૦-૨૦ વર્ષ પહેલાં કરેલા કેસ હજુ પુરા પણ થયા નથી. ઈમાનદાર પોલીસ અધિકારીઓ સામે કેસ થયા ત્યારે આ પોલીસ પરિવારો ક્યાં હતા તેવો સવાલ ઉઠાવ્યો હતો. દલિત સમાજના દીકરા જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવા પોલીસ પરિવારોને આગળ કરવામાં આવી રહ્યા છે. સુરતઆ વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારમાં રહીને સરકાર સામે જ સવાલ ઉઠાવ્યો તે બદલ અભિનંદન અને ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ઉઠાવી લોકોની સાચી વાત મૂકી છે. કોંગ્રેસે ગરીબ, પછાત અને ખેડૂતોના મુદ્દાઓને લઈને અમારી જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી જેનો બીજા ફેઝ દારૂ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ સાથેનો રહેશે.








































