જામનગરમાં શિવરાત્રિની શોભાયાત્રામાં પોલીસ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શોભાયાત્રામાં પોલીસના ત્રાસ અંગે ભાજપના આગેવાનો અને શહેર પ્રમુખને ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરમાં દર વર્ષે મહાશિવરાત્રિએ ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. પણ આ વખતની શોભાયાત્રા માં પોલીસે ડીજે અને સાઉન્ડ સિસ્ટમ પર લાદેલા આકરા પ્રતિબંધોના કારણે આયોજકોને ડીજે બંધ રાખીને શોભાયાત્રા કાઢવાની ફરજ પડી હતી.
આમ જામનગરમાં ધાર્મિક કાર્યક્રમને લઈને પોલીસના આકરા વલણ સામે આયોજકો જ નહીં લોકોમાં પણ આક્રોશ છે. શોભાયાત્રાના આયોજકોનો આક્ષેપ છે કે તેઓએ ડીજે બંધ રાખીને યાત્રા કરી હોવા છતાં પોલીસે શોભાયાત્રા દરમિયાન બિનજરૂરી કડકાઈ કરી હતી. આના પગલે આયોજકોએ અને શ્રદ્ધાળુઓએ સ્થાનિક આગેવાનો અને શાસક પક્ષના શહેર પ્રમુખ સામે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
જામનગરના શ્રદ્ધાળુઓનું કહેવું છે કે બધા પ્રતિબંધો અને આકરા નિયમો હિન્દુ તહેવારો પર જ શું કામ લાગુ પડે છે. આયોજકોએ ભાજપના નેતાઓને શોભાયાત્રા વખતે જ ફરિયાદ કરતાં ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા હતા. શાસક પક્ષના નેતાઓનો પોલીસ પર કોઈ અંકુશ નથી તેવો શોભાયાત્રામાં સામેલ લોકોનો સૂર હતો. ડીજે અને સાઉન્ડ સિસ્ટમ બંધ હોવાથી શિવભક્તો પણ નિરાશ થયા હતા. જાણે ઉત્સાહ અને ઉમંગ જ અદ્રશ્ય થઈ ગયા હોય તેવી સ્થિતિ હતી.