લીલીયાના ગોઢાવદર ગામે ૪૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આધુનિક પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા કરવામાં આવ્યું હતું. સરકાર ગ્રામીણ અને ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સતત કાર્યરત છે, જે અંતર્ગત આ સુવિધા ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓએ સામૈયા દ્વારા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બન્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યની સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







































