સૌરાષ્ટ્રમાં સિંહનો વસવાટ હવે ગીર પૂરતો મર્યાદિત રહ્યો નથી, ત્યારે ગોંડલ પંથકમાં પણ સિંહના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ગોંડલના કંટોલિયા ગામે સિંહે ધામા નાખ્યા હતા અને પશુનું મારણ કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત મુજબ, કંટોલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે સિંહ ત્રાટક્યો હતો. અહીં ગામના પશુપાલક હીરાભાઈ બાવાભાઈ ભરવાડ (ઠૂંગા)ના વાડામાં સિંહે હુમલો કરી બાંધેલી એક વાછરડીનું મારણ કર્યું હતું. આ હુમલા દરમિયાન અન્ય બે પાડીને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગામની વચ્ચોવચ બસ સ્ટેન્ડ પાસે જ સિંહે શિકાર કરતા ખેડૂતો, માલધારીઓ અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ગોંડલ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ અધિકારીઓ દ્વારા સિંહનું લોકેશન ટ્રેક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ગ્રામજનોને સાવચેત રહેવા તથા રાત્રિના સમયે સીમમાં ન નીકળવા સૂચના આપવામાં આવી છે.










































