ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે આગામી વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. તે ઘરગથ્થુ ગણતરીથી શરૂ થશે, જેને હાઉસ લિસ્ટીંગ ઓપરેશન (એચએલઓ) કહેવામાં આવશે. આ પછી વસ્તી ગણતરી (પીઇ) કરવામાં આવશે.સરકારે જાહેરાત કરી હતી કે હાઉસ લીસ્ટીંગ ઓપરેશન (એચએલઆ) નો પ્રથમ તબક્કો આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે, જ્યારે વસ્તી ગણતરીનો બીજા તબક્કો ફેબ્રુઆરી ૨૦૨૭ માં હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારે તાજેતરમાં વસ્તી ગણતરી અધિનિયમ, ૧૯૪૮ ની કલમ ૪ અને વસ્તી ગણતરી નિયમો, ૧૯૯૦ ના નિયમ ૩ અનુસાર આ આવશ્યક પ્રક્રિયા હાથ ધરવા માટે વસ્તી ગણતરી અધિકારીઓની નિમણૂક કરતી એક સૂચના જારી કરી હતી. સરકારે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી અધિકારીઓ પાસેથી પ્રક્રિયા સરળ, સચોટ અને સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રમાણિકતા અને જવાબદારી સાથે તેમની ફરજા બજાવવાની અપેક્ષા રાખવામાં આવે છે.
ગુજરાત સરકારે વસ્તી ગણતરીને દેશનું સૌથી મોટું વહીવટી અને આંકડાકીય કાર્ય ગણાવ્યું છે. તેણે જનતાને અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવા અને પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે.
સરકારની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, “ભારત સરકાર દ્વારા ૭ જાન્યુઆરીના રોજ જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, ગુજરાત સરકારેએચએલઓ હાથ ધરવા માટેના સમયને ફરીથી સૂચિત કર્યા છે. ૨ ફેબ્રુઆરીના રાજ્યના જાહેરનામા અનુસાર, ઘર યાદી કામગીરી માટે ફિલ્ડવર્ક ૨૦ એપ્રિલથી ૧૯ મે, ૨૦૨૬ સુધી હાથ ધરવામાં આવશે. ફિલ્ડવર્ક શરૂ થાય તે પહેલાં, ૫ એપ્રિલથી ૧૯ એપ્રિલ, ૨૦૨૬ સુધી ૧૫ દિવસ માટે સ્વ-ગણતરી કવાયત હાથ ધરવામાં આવશે.
ડિજિટલ સ્વ-ગણતરી તબક્કો ડોર-ટુ-ડોર સર્વેક્ષણ પહેલાં થશે. તેનો હેતુ જાહેર ભાગીદારીને સરળ બનાવવા અને ડેટાની ચોકસાઈ સુધારવાનો છે. સ્વ-ગણતરી તબક્કા દરમિયાન, લોકોને તેમની માહિતી ડિજિટલ રીતે સબમિટ કરવાની તક મળશે. અધિકારીઓ કહે છે કે આ પગલાથી પ્રક્રિયા વધુ સરળ અને સમાવિષ્ટ થવાની અપેક્ષા છે.
સ્વ-ગણતરી તબક્કા પછી, પ્રશિક્ષિત ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લઈને વ્યવસ્થિતિ રીતે માહિતી એકત્રિત કરશે. ફિલ્ડવર્ક. એચએલઓ તબક્કામાં ઘરોની સ્થિતિ , તેમજ ઘરો માટે ઉપલબ્ધ સંપત્તિ અને મૂળભૂત સુવિધાઓનો ડેટા એકત્રિત કરવામાં આવશે. ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવશે જેમાં રાજ્યભરના ઘરોને આવરી લેવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બધી માહિતી સખત ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ ફક્ત આંકડાકીય હેતુઓ માટે જ કરવામાં આવશે, જે ૧૯૪૮ ના વસ્તી ગણતરી અધિનિયમ હેઠળ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરીમાંથી મેળવેલ ડેટા આયોજન અને નીતિ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ગુજરાત અને દેશ બંને માટે વિકાસનો માર્ગ નક્કી કરવામાં મદદ કરશે.










































