ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ અકસ્માતો અને મેડિકલ ઈમરજન્સીની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જાવા મળ્યો છે. ‘૧૦૮’ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ૧૪મી જાન્યુઆરીના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૩,૮૧૦ ઈમરજન્સી કોલ મળ્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે.
વર્ષ ૨૦૨૫ની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી સેવા પર દબાણ વધ્યું છે. વર્ષ ૨૦૨૫માં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩,૩૧૮ કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૬માં આ જ સમયગાળામાં ૩,૮૧૦ કોલ નોંધાયા હતા. ગયા વર્ષ કરતા આ વખતે ૪૯૧ વધુ ઈમરજન્સી કેસો સામે આવ્યા છે.
તહેવાર દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટાભાગે કાચ પાયેલી પતંગની દોરીથી વાહનચાલકો કે રાહદારીઓના ગળા અથવા શરીરના અન્ય ભાગો કપાવવાના કિસ્સા. પતંગ ચગાવતી વખતે કે પેચ લડાવતી વખતે અગાસી કે ધાબા પરથી સંતુલન ગુમાવતા નીચે પડવાની ઘટનાઓ. પતંગ પકડવા જતાં કે વાહન ચલાવતી વખતે અચાનક દોરી આડી આવતા સર્જાયેલા અકસ્માતો. મારામારી, દાઝી જવાના કિસ્સાઓ અને પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગવાની દુર્ઘટનાઓનો સમાવેશ થાય છે.
રાજ્યના મહાનગરોમાં પતંગબાજીનો ક્રેઝ વધુ હોવાથી ઈમરજન્સી કોલ્સની સંખ્યા પણ ત્યાં વધુ જાવા મળી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ૧૦૮ ની ટીમો સતત કાર્યરત રહી હતી.
આજે (૧૫મી જાન્યુઆરી) વાસી ઉત્તરાયણ હોવાથી વહીવટી તંત્ર અને ૧૦૮ સેવા દ્વારા નાગરિકોને ખાસ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. રસ્તા પર પતંગ પકડવા માટે જીવના જાખમે દોડવું નહીં. બાઈક ચલાવતી વખતે ગળામાં સ્કાફ બાંધવો અથવા હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવો. નાના બાળકોને અગાસી પર પતંગ ચગાવતી વખતે એકલા ન મૂકવા.









































