ગીરના જંગલોમાંથી નીકળીને હવે ડાલામથ્થા સિંહોએ દરિયાકાંઠાના વિસ્તારો સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. ઉનાના ગુંદાળા ગામમાં છેલ્લા બે દિવસથી બે સિંહણ અને બે સિંહબાળ સહિતના પરિવારે ધામા નાખ્યા છે. આ સિંહ પરિવારે ગામમાં બે પશુઓનું મારણ કરી મિજબાની માણતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. જોકે, સિંહોના રોજિંદા વિચરણથી ટેવાયેલા સ્થાનિકોએ વન વિભાગ પાસે સઘન પેટ્રોલિંગની માંગ કરી છે. બીજી તરફ, પ્રવાસન ધામ દીવમાં પણ વનરાજોની હાજરી વર્તાઈ રહી છે. દીવના વણાંકબારા સ્મશાન પાસેના જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે એક સિંહણ લટાર મારતી જોવા મળી હતી, જેનાં દૃશ્યો રાહદારીઓએ કેમેરામાં કેદ કર્યા હતા. નોંધનીય છે કે બે દિવસ પૂર્વે ડાંગરવાડીમાં પણ સિંહ દેખાયો હતો. સિંહોનું જંગલ છોડી દરિયાઈ પટ્ટી તરફનું આ સ્થળાંતર વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ અને સ્થાનિકોમાં ચિંતા જગાવી રહ્યું છે.









































