ગામમાં વિચિત્ર પ્રકારની ગાડી જોઈને લગભગ આખું ગામ ભેગું થયું હતું. સૌની આંખો ગાડી ઉપર જ ટીંગાણી હતી.
બેરાલાલે પંખા વગરની સાયકલથી માંડીને ભડભડીયુ (રાજદૂત કંપનીનું મોટરસાયકલ) થી લયને આજનું હીરો કે હોન્ડા કે અન્ય વિવિધ પ્રકારના મોટરસાયકલ જોયાં હતાં. એમાં વાંકાં ચૂકા અને ઊંચા નીચા મોટરસાયકલ પણ આવી ગયાં.
ફોરવ્હીલમા પણ, એમ્બેસેડર અને મારૂતિની ઝેનથી માંડીને નાનાં શહેરોમાં રખડતી ગાડીઓ ભાળી હતી.
આ બેરાલાલને પણ આ લાલ કલરની વિચિત્ર પ્રકારની ગાડી જોઈને અચરજ થયું.
ગામડાં ગામમાં હારુ મોટરસાયકલ કે નવું મોટરસાયકલ માંડ માંડ આવે છે. એમાં ફોરવ્હીલ તો ભાગ્યે જ નવી આવે. લગભગ તો જૂનાં મોડલની અને જથ્થાબંધ ધૂમાડાના ગોટેગોટા કાઢતી ફોરવ્હીલ જ ગામમાં આવે. જેને રોજ સવારે શરુ કરવા માટે ધક્કા મારવા માટે ગોધરા સાઈડના ચાર માણસોને હાજરમાં રાખવાં પડે.
આવાં દિવસો બેરાલાલે અને લગભગ ગામડાએ જોયાં છે. જોતાં આવે છે.
એમાં આ વિચિત્ર ગાડી.
બેરાલાલને માથું ખંજવાળતા જોઈને બોસે કહ્યું.
“બેરાલાલ..! આ અચાનક કાગડાનાં મોઢામાં કંચન ક્યાંથી? આપણાં ગામડામાં કોઈ ફિલમ બિલમનુ શુટિંગ હાલે છે કે શું!? આવી ગાડી તો ગામડાં વાળાને સપનાં માંય નો આવે. અને આ નજરે દેખાય છે ઈ હંધૂય હું છે? અને એમાં કોણ છે??”
“બોસ, એવાં ભાગ્ય આપણાં ક્યાંથી. હવે તો ગામનાં છોકરાંઓ ‘ય ગામમાં રહેતાં નથી. એનેય મોટાં શહેરોમાં જાવું છે. મોટાં શહેરોમાં છે, એને વિદેશ જાવું છે. તો પછી શહેરનાં છોકરાઓ ગામડામાં આવે કેમ ?”
“હા પણ, આવી મોંઘી ગાડીમાં આવ્યું છે કોણ?”
બોસની સાથે સાથે સૌને એજ પ્રશ્ન થયો.
અને સૌએ અભણ અમથાલાલ સામે જોયું.
“તમે બધાં મારી હામે કેમ જોવો છો ? મારાં મેમાન નથી હોં. છતાંય મને લાગે છે કે, આ હંધૂય ગૂગલ મેપનુ કારસ્તાન છે.”
“ગૂગલ મેપ? ગામડામાં?? “હંધાય એકસાથે બોલ્યાં.
“ગામડામાં તો મોબાઈલનો ટાવર જ માંડ માંડ આવે છે. એમાં આ ગૂગલ મેપ વળી ક્યાંથી આવ્યું ?” “એજ તો કહું છું. કે આ હંધૂય ગૂગલ મેપની જ હરકત છે.”
“પણ કેમ? કેવી રીતે??” “અજાણ્યા માણસો વટને ખાતર કોઈને રસ્તો પુછતાં નથી. અને ગાંડો ભરોસો ગૂગલ મેપ પર કરે છે. અને પછી હંમેશ મુજબ આપણામાં ગુજરાતી કહેવત છે. ‘ભરોસાની ભેંહે પાડો જણ્યો.’ આવું થાય છે.
આ ગૂગલ મેપ ક્યારે જંગલમાં લય જાય, ક્યારે આવી રીતે મોંઘી ગાડીને ગામડામાં લઈ આવે ઈ તો ગૂગલ મેપ જ જાણે.”
“હા પણ એમાં બેઠું છે કોણ? કે પછી ઈય ગૂગલ મેપ જ ચલાવે છે !??”
“હવે ઈ તો ગાડીનાં કાળાં આભલાં ( કાચ) ઉતારે તો ખબર પડે ને કે અંદર કોણ બેઠું છે.” “હા પણ, ફોરવ્હીલમાં તો આર ટી ઓ ના નિયમ છે ને કે, કાળાં કાચ નો રાખી શકાય!!”
“ઈ હંધાય નિયમો નાનાં માણસો માટે હોય છે. મોટાં માણસોને ક્યાં કોઈ પુછે છે કોઈ રોકે છે? એમને ક્યારેય દંડ આવે છે?? તમે જોયું નહીં ! સૌથી વધારે ગાડીઓ ભટકાવે છે કોણ? પૈસાવાળાના છોકરાઓ. મતલબ (બી પી એલ.) તમે ક્યારેય નાનાં માણસોનું ઠોબારુ ભટકાતાં જોયું?”
“હવે ઈ હંધૂય સરકાર જાણે અને એનું ખાતું હોય ઈ ખાતું જાણે. આપણે તો ઈ જાણવાનું છે કે, ગાડી કોની છે? અને ગાડીમાં કોણ છે??”
બેરાલાલે ઈશારાથી કહ્યું “એ મીસ્ટર તમે જે હોય એ, તમારી ગાડીનાં આભલાં જરા ઉતારો તો.”
કોઈ જ હલચલ ના જણાતાં બોસે કડિયાળી ડાંગ ઉગામી. અને જાણે ચમત્કાર થયો.
ફટ્‌ કરતાં ‘ક ને ગાડીનાં આભલાં ઉતરી ગયાં.
એક સાથે સૌનાં મોઢામાંથી એક જ અવાજ સંભળાયો.
“બનેવીલાલ તમે..!??”
“હા, હું. પણ, તમારી આ ડાંગ જરા આઘી રાખજો. નહીંતર લેવાં દેવા વગરની લાખો રૂપિયાની અડશે.”
“પણ તમે અને આ મોંઘીડાટ ગાડી?? કાંઈ હમજણ ના પડી. આવી મોંઘી મોંઘી ગાડીઓ તો સેલીબ્રીટી જ રાખે. અને એને જ પોસાય. તો પછી..!!”
“હમજાવુ..હમજાવુ. આ એક રિહર્સલ છે.”
“રિહર્સલ? ઈ વળી શાનુ? અને કેમ ??”
“જૂઓ ફ્રાન્સમાં આવી જ એક ફેરારી કંપનીની ગાડી લયને એક ભાઈ નીકળ્યાં.
આપણે ત્યાં આવી ગાડીને કોઈ ના રોકે. પોલીસવાળાઓ એની લાજ કાઢે. પણ ફ્રાન્સમાં આવું નથી. એટલે એક પોલીસવાળાએ આ ફેરારીને રોકી.
પોલીસવાળાએ એનો રેકોર્ડ જોયો.અને ચક્કર ખાઈ ગયો.”
બેરાલાલ વચ્ચે જ બોલ્યા.
“પોલીસવાળાને સો બસોની નોટ પકડાવી દીધી હશે.”
“ના..આ..! આપણે ભારતમાં આવું ચાલે. ફ્રાન્સમાં નહીં. “પોલીસવાળાએ એની સામે જોયું.
“તું બે -રોજગાર છે, તું બે -ઘર છે,તારી પાસે જમીન નથી, મિલકત નથી,નોકરી પણ નથી. અને તે નાદારી નોંધાવી છે.આમ કાગળ પર તું સાવ ગરીબ છો. તો પછી આ ફેરારી આવી ક્યાંથી?”
તપાસ કરતાં જાણવા મળ્યું કે, નાદારી નોંધાવનાર,બે -રોજગાર, બે -ઘર માણસને ત્યાંની સરકાર ફેમિલી એલાઉન્સ આપે છે. જાત જાતનાં ભથ્થાઓ આપે છે. એટલે આમ અમીર પણ કાગળ પર ગરીબ બનીને સરકારી સહાય મેળવી રહ્યો હતો.
“પણ આમાં તમને શું ફાયદો? તમે કેમ આવું કર્યું?”
“આપણે ત્યાં આવું ચાલે કે નહીં ? એ જોવા.”
“બનેવી લાલ ! તમે મોડાં પડ્‌યાં. આપણે ત્યાં તો રાજકારણમાં આવું જ ચાલે છે. તેઓ આપણું જોઈને જ શીખ્યાં હશે.”