પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે. કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી કરવામાં આવે છે. દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે. પ્રાકૃતિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશકો બહારથી ખરીદ કર્યા વગર ખેડૂતો જાતે બનાવી શકે છે. પર્યાવરણ અને માનવસ્વાસ્થ્યનું રક્ષણ, સંવર્ધન અને જાળવણી એ કુદરતી ખેતીનો પ્રાથમિક ઉદેશ્ય છે. કુદરતી ખેતીનો સાચો અર્થ પાણીની બચતની ભાવના છે, દેશી ગાય આધારિત ખેતી અપનાવવાનો અર્થ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ભેજ સંગ્રહક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં વધારો થતો જોવા મળે છે.
ઋષિકૃષિ એટલે કે ગાય આધારિત ખેતી એ ભારતની સૌથી જૂની કૃષિ પ્રણાલી છે. એક ગ્રામ દેશી ગાયના છાણમાં અંદાજીત ૩૦૦ થી ૫૦૦ કરોડ સૂક્ષ્મ જીવો હોય છે. દેશી ગાયના છાણમાં ૧૬ મુખ્ય પોષકતત્વો હોય છે. જે છોડને તમામ પ્રકારનું પોષણ પૂરું પાડે છે. જ્યારે જમીન ઝેરમુક્ત બનશે ત્યારે દેશી અળસીયા સક્રિય થશે અને છોડ જમીનની અંદરથી જરૂરી પોષકતત્વોની ઉણપને પૂરી કરશે. જેમ જેમ જમીન પોચી થાય છે તેમ તેમ વધારાનું પાણી જમીનમાં ઉતરશે અને જમીનનું જળસ્તર ઊંચું આવશે. વિવિધ પોષણ માટે જીવામૃત, બીજામૃત અને
ઘનજીવામૃત છોડને તમામ પ્રકારના જરૂરી પોષકતત્વો પૂરા પાડશે. જયારે અલગ અલગ રોગ અને જીવાતના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્રનો ઉપયોગ પાકમાં થતા તમામ પ્રકારના રોગોને નિયંત્રિત કરશે. ઉપરોક્ત ખેતી વપરાશની ચીજોને બનાવવા માટે અલગ અલગ પ્રકરની માહિતી ઉપલબ્ધ છે. આમ છતાં આ ચીજોને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે બનાવવી અને તેનો સચોટ ઉપયોગ કેવી રીતે કરવો તેની ટૂંકમાં છણાવટ અહી કરવામાં આવી છે.
૧.જીવામૃતઃ તૈયાર કરવાની રીતઃ ૧૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર +૧૦ કિ.ગ્રા. દેશી ગાયનું તાજુ છાણ + એક મોટા ઝાડ નીચેની/શેઢા–પાળા/વાડની માટી + ૧ કિ.ગ્રા. દેશી ગોળ + ૧ કિ.ગ્રા. ચણા કે કોઈપણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું અને તેને ૨૦૦ લિટર પાણીમાં પ્લાસ્ટીકના પીપ/ડ્રમમાં નાખી મિશ્રણ કરો, ડ્રમને કંતાનની થેલીથી ઢાંકવું અને છાયડે રાખી મુકવું, લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ બે વખત ૫- ૫ મિનિટ માટે હલાવવું. ઉનાળામાં બે ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય.
વાપરવાની રીતઃ ૧ એકર માટે ૨૦૦ લિટર જીવામૃતને કાઢીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર છંટકાવ કરવો.
૨. ઘન જીવામૃતઃ બનાવવાની રીતઃ ૨૦૦ કિ.ગ્રા. સખત તાપમાનમાં સૂકવેલ ચારણીથી ચાળેલ દેશી ગાયના છાણને ૨૦ લિટર જીવામૃત સાથે ભેળવવું. ૪૮ કલાક માટે છાયો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. આ સ્તરને દિવસમાં બે ત્રણ વાર ઉપર નીચે કરવું. સુકાઈ જાય ત્યારે ગાંગડાનો ભૂકો કરી એક વર્ષ સુધી વાપરી શકાય છે.
વાપરવાની રીતઃ જમીનમાં અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા. અને ફૂલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા. આપવું.
ફાયદાઃ જીવામૃત આપવાથી જીવાણુની સંખ્યા ઝડપથી વધતાં હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે તેમજ અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષ તત્વોને બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેનાથી નાઇટ્રોજનની ઉપલબ્ધિ વધે છે. (ક્રમશઃ)