ખાંભા ગીરના નાનીધારી ગામે મોડી રાત્રે દીપડો રહેણાક મકાનમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગામના પ્રતાપભાઈ માંજરિયાના ઘરમાં દીપડો ઘૂસી જતાં અફડાતફડી મચી હતી, પરંતુ પરિવારે સમયસૂચકતા વાપરી ઘરનો દરવાજો બહારથી બંધ કરી દેતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ આર.એફ.ઓ. નિપુલ લકુમ સહિતનો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગ દ્વારા અંદાજે દોઢ કલાક સુધી મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અંતે દીપડાને ઘરની અંદર જ ટ્રેક્યુલાઇઝ (બેભાન) કરીને પાંજરે પૂરવામાં આવ્યો હતો. દીપડો પકડાઈ જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.









































