કુકાવાવ તાલુકાના ખડખડ ગામે, બાબરા તાલુકાના ચરખા અને ધારી તાલુકાના ભાડેર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને જળ વ્યવસ્થાપન અંગે ત્રણ અલગ-અલગ બેઠકોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય બેઠકોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ માત્ર કુદરતી સંસાધન નથી, પણ આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે. જો આપણે આજે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું આયોજન નહીં કરીએ તો ભવિષ્યમાં ખેતી અને પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સંકલ્પ છે કે દરેક ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે. આપણે સૌએ સાથે મળીને ચેકડેમો અને બોર રિર્ચાજિંગ જેવા પ્રકલ્પો દ્વારા ભૂગર્ભ જળના ભંડારો ભરવા પડશે.










































