અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં આજે ઉચ્ચ અધિકારીઓએ અચાનક મુલાકાત લીધી હતી. વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્‌યાએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે ટ્રોમા સેન્ટર સહિત દરેક વોર્ડની તપાસ કરી હતી. દર્દીઓ સાથે વાતચીત કરી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી. આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત થયું છે. આ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ર૦૦૦થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર મેળવે છે. તપાસ દરમિયાન કોઈ ગંભીર ક્ષતિ કે બેદરકારી જોવા મળી નથી.