પ્રા.આ.કેન્દ્ર કોટડાપીઠા ખાતે લઘુ શિબિર, કોપર-ટી કેમ્પ અને આરોગ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. પ્રા.આ. કેન્દ્રના સુપરવાઇઝર મેહુલભાઈએ કુટુંબ નિયોજનની કાયમી અને બિન-કાયમી પદ્ધતિઓ વિશે સમજૂતી આપી હતી. તેમણે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે કોપર-ટી મુકાવવી, માલા ગોળી, કોન્ડમ, અંતરા ઇન્જેક્શન વગેરેનો ઉપયોગ કરવા વિશે પણ સમજાવ્યું હતું. આ ઉપરાંત, જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાના ભાગરૂપે મચ્છર દ્વારા ફેલાતા રોગોથી બચવાના ઉપાયો, ખાડા-ખાબોચિયામાં માટીકામથી પુરાણ કરાવવું, મચ્છરદાનીમાં સૂવાની ટેવ પાડવી, પાણી ભરેલા પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા જેવી માહિતી પણ આપી હતી. આ તકે પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે કોટડાપીઠા આરોગ્ય ટીમે જહેમત ઉઠાવી હતી. તેમ કોટડાપીઠા પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસરની યાદીમાં જણાવેલ છે.