ઉનાળાનું મુખ્ય ફળ અને ફળોનો રાજા એટલે કેરી. કેરીનું મૂળ વતન ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર ભારતના હિમાલયના પહાડી પ્રદેશો હોવાનું મનાય છે. કેરીનું પોષણ, મૂલ્ય, સ્વાદ, આકર્ષક રંગ, દેખાવ અને વિવિધ ઉપયોગો તથા તેની લોક ભાગ્યતાની દૃષ્ટિએ તે વિશ્વમાં ઉત્પન્ન થતા ફળોમાં બિનહરીફ છે તેથી જ કેરીને ફળોના રાજાનું બિરૂદ મળેલ છે તેમજ તેને રાષ્ટ્રીય ફળ પણ કહેવામાં આવે છે. ભારત વિશ્વનો સૌથી વધારે કેરી પકવતો દેશ છે. ભારતમા આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક ,મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ગુજરાત મુખ્ય કેરી પકાવતા રાજય છે.
કાચી કેરી તેમજ પાકી કેરીનો ઉપયોગ વિવિધ બનાવટો દવારા થાય છે. પોષણ મૂલ્યની દૃષ્ટિએ જોઈએ તો પાકી કેરીમાં ૮૬.૧% પાણી ૦.૬% પ્રોટીન ૦.૧% ફેટ (ચરબી), ૦.૩% મીનરલ્સ, ૧.૧% ફાઈબર, ૧૧.૮% કાર્બોદિતપદાર્થો રહેલા છે. ૧૦૦ ગ્રામ પાકી કેરીમાંથી ૬૦ કિલો કેલેરી મળે છે. તેમજ કાચી કેરીમાં ૯૦% પાણી, ૦.૭% પ્રોટીન, ૦.૧% ફેટ, ૦.૪% મીનરલ્સ, ૮.૮% કાર્બોદિત પદાર્થો રહેલા છે. ૧૦૦ ગ્રામ કાચી કેરી માંથી ૩૯ કિલો કેલરી મળે છે. કેરી ખુબજ પૌષ્ટિક ફળ છે.
કેરીમાંથી બનતી બનાવટો
કેરીનો જામઃ
• પાકી કેરીનો માવોઃ ૧ કીલો ગ્રામ
• ખાંડઃ ૭પ૦ ગ્રામ
• સાઈટ્રીક એસિડ(લીંબુના ફૂલ): પ ગ્રામ
• પોટેશિયમ મેટાબાય સલ્ફાઈટઃ ૧ ગ્રામ
રીત: સારી જાતની પાકી કેરી લઈ તેને સ્વચ્છ પાણીથી ધોઈ છોલી ટુકડા કરી મિકસરમાં રસ કાઢો. તેને સ્ટીલની એક તપેલીમાં લઈ તેમાં ખાંડ ઉમેરી ગેસ પર મૂકી હલાવતા રહો, ખાંડ ઓગળી જાય એટલે તેમાં સાઈટ્રીક એસિડ ઉમેરો અને સતત હલાવતા રહો ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઠંડુ પડે ત્યારે પોટેશિયમ મેટાબાય સલ્ફાઈટ ઉમેરી કાચની સ્વચ્છ બરણીમાં ભરી લો.
મેંગો સ્કવોશ:
• પાકી કેરીનો રસઃ ૧ લીટર
• પાણી: ૧ લીટર
• ખાંડ: ર કિલો ગ્રામ
• સાઈટ્રીક એસિડ(લીંબુના ફૂલ):ર૫ ગ્રામ
• પોટેશિયમ મેટાબાય સલ્ફાઈટ: ૧ ગ્રામ
•લેમન યેલ્લો કલરઃ ૫ ગ્રામ
રીત: પાકી કેરીને ધોઈ, છોલી અને મિકસરમાં રસ કાઢો, સ્ટીલની તપેલીમાં ખાંડ ઉમેરી તેમાં લીંબુના ફુલ ઉમેરી ખાંડ ડુબે તેટલું પાણી રેડી ગરમ કરવા માટે મૂકવું. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવુ, ફીણ વળે, ઉકળે એટલે ચાસણીને ગેસ પરથી નીચે ઉતારી સ્વચ્છ કપડાથી ગાળી લેવી. ચાસણી ઠંડી પડે એટલે તેમાં કેરીનો રસ ઉમેરી મિકસ કરો. ત્યારબાદ લેમન યલ્લો કલર સહેજ પાણીમાં ઓગાળી ઉમેરવો, સંગ્રાહક તરીકે પોટેશિયમ મેટાબાય સલ્ફાઈટ નાખવો અને સ્ટરીલાઈઝ કેરલ બોટલમાં ભરી બોટલને હવા ચુસ્ત બંધ કરવી.સલ્ફાઈટ ઉમેરી કાચની સ્વચ્છ બરણીમાં ભરી લો.
કાચી કેરીનું શરબતઃ
• કાચી કેરી: ૧ કિલો ગ્રામ
• ખાંડ: ૧.પ કિલો ગ્રામ
• પાણી: ૧ લીટર ગ્રામ
• લીંબુના ફુલ: ૮ ગ્રામ
• એપલ ગ્રીન કલર: ૧ ગ્રામ
• પોટેશિયમ મેટાબાય સલ્ફાઈટઃ ૧ ગ્રામ
રીત ઃ કાચી કેરીને ધોઈ, છાલ છોલી નાના નાના ટુકડા કરવા ટુકડાને મિકસરના જારમાં નાખી થોડુ પાણી ઉમેરી બારીક વાટવું. ત્યારબાદ ઝીણા કપડાથી દબાવી નીચોવી રસ કાઢવો. સ્ટીલની તપેલીમાં ખાંડ ઉમેરી તેમાં લીંબુના ફુલ ઉમેરી ખાંડ ડુબે તેટલુ પાણી રેડી ગરમ કરવા માટે મૂકવું. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવુ, ફીણ વળે, ઉકળે એટલે ચાસણી ને ગેસ પરથી નીચે ઉતારી સ્વચ્છ કપડાથી ગાળી લેવી. ચાસણી ઠંડી પડે એટલે તેમાં કેરીનો રસ ઉમેરી હલાવવું. ત્યારબાદ એપલગ્રીન કલર સહેજ પાણીમાં ઓગાળી ઉમેરવું અને પોટેશિયમ મેટાબાય સલ્ફાઈટ સંગ્રાહક તરીકે નાખવો અને સ્ટરીલાઈઝ કરેલ બોટલમાં ભરી બોટલને હવા ચુસ્ત બંધ કરવી.
કેરી-ગુંદાનું અથાણુંઃ
• ગુંદાઃ ૧ કિલો ગ્રામ • કાચીકેરી: રપ૦ ગ્રામ
• મીઠું ; ૧રપ ગ્રામ • મેથીના કુરીયા: પ૦ ગ્રામ • રાઈના કુરીયાઃ રપ ગ્રામ • વરીયાળીઃ ર૦ ગ્રામ
• હીંગ: ૧૦ ગ્રામ • લાલ મર ચુંઃ ૩૦ ગ્રામ • મરી: પ ગ્રામ • સરસીયુંઃ ૩૦૦ ગ્રામ • હળદરઃ પ ગ્રામ • એસીટીક એસિડઃ ૧૦મિલી(૨ ચમચી)
રીતઃ ગુંદાને સાફ કરી બીજ કાઢી લેવા. કાચી કેરી લઈ સ્વચ્છ પાણીથી ધોઈ. છોલી સ્ટીલની છીણીથી છીણી તેમાં સરસીયા સિવાયનો તમામ મસાલો મિશ્ર કરી કેરીના છીણ સાથે ભેળવી દેવો. ત્યારબાદ ગુંદામાં બીજની ખાલી પડેલ જગ્યામાં છીણવાળો મસાલો બરાબર દબાવી ભરી દેવો. બરણીમાં ગુંદા ડુબે તેટલું તેલ (સરસીયું ગરમ કરીને ઠંડુ પાડવુ) ઉમેરી એસીટીક એસિડ રેડી બરણીને બંધ કરવી. ૧પ દિવસ બાદ ખાવાના ઉપયોગમાં લેવું.
કેરીની ચટણી:
• કેરી: ૧ કીલો ગ્રામ
• ખાંડ: પ૦૦ ગ્રામ
• મીઠુ: પ૦ ગ્રામ
• લાલ મરચું પાવડર: ૧૦ ગ્રામ
• ડુંગળીઃ પ૦ ગ્રામ
• લસણ: ૧૦ ગ્રામ
• આદુ: પ૦ ગ્રામ
• જીરૂ: પ ગ્રામ
• ખારેકઃ પ૦ ગ્રામ
• ગરમ મસાલોઃ ૧૦ ગ્રામ
રીત: અર્ધ પાકી-કાચી કેરીને છોલી, ટુકડા કરી મીકસરમાં નાખી ક્રશ કરી માવો તૈયાર કરો. લસણ, ડુંગળી, આદુને મીકસર માં ક્રશ કરીને તેનો પણ માવો તૈયાર કરો. કેરીનાં માવામાં ખાંડ નાખીને ગેસ પર ગરમ કરવા મુકવો. તેમાં આદુ, લસણ, ડુંગળીનો માવો ઉમેરી હલાવતા રહો, તેમાં ગરમ મસાલો નાખી બરાબર મિકસ કરી ચટણી તૈયાર થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડી પડવા દેવી અને ઉપયોગમાં લેવી.















































