અમરેલીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જુદા જુદા ગામે નિદર્શન માટે મગફળી ય્ત્નય્ ૩૨ નું બિયારણ આપવામાં આવેલ, આ સાથે લો કોસ્ટ ઇનપુટ્‌સ જેવા કે રાઈઝોબીયમ, પીએસબી કલ્ચર તથા બ્યુવેરીયા બાસિયાના જીવાણુ ફૂગ આધારિત કીટનાશક પણ આપવામાં આવેલ. ખેડૂતોએ આ કીટનાશક પાવડરનો ઉપયોગ કરેલ જેના સીધા જ પરિણામ ખેડૂતોના ખેતરમાં જોવા મળ્યા હતા, જેમાં લશ્કરી તેમજ લીલી ઈયળો પર આ બ્યુવેરીયા બાસિયાના જીવાણુઓની અસર જોવા મળી. જમીનમાં કે છોડ પર છંટકાવથી લાંબા સમય સુધી અસરકારક રહે છે. કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ૨ સપ્ટેમ્બરના રોજ બગસરાના નવા પીપરીયા ગામે ખેતરની મુલાકાત કરતાં ફુગવાળી સફેદ ઈયળ જોવા મળી જે અંગે ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, આ બ્યુવેરીયા બાસિયાના પાવડરનો ઉપયોગ કર્યા પછી આ ઈયળો સફેદ ફૂગવાળી થઇ નિષ્ક્રિય થઇ જાય છે. પ્રતિ ૧૦ લીટર પાણીમાં ૫૦ ગ્રામ બ્યુવેરીયા મિશ્ર કરીને પાન ઉપર કીટકો દેખાય ત્યારે ૭-૧૦ દિવસના અંતરે ૨-૩ છંટકાવ વહેલી સવાર કે સાંજના સમયે કરવા. આની અસર ભેજવાળા માહોલમાં વધુ સારી જોવા મળે છે. રાસાયણિક કીટનાશક કરતા આ વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ છે.