અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે સંયુક્ત માલિકીની જમીન પર સરકાર દ્વારા મળવાપાત્ર કૃષિ રાહત પેકેજની રકમ બારોબાર મેળવી લેવા માટે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં આરોપીએ અન્ય હિસ્સેદારોની જાણ બહાર ખોટી સહીઓ કરી સરકારી નાણાં પોતાના અંગત ખાતામાં જમા કરાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નરેશભાઇ કરશનભાઇ નારોલા (ઉ.વ.૪૫)એ ભરતભાઇ કરશનભાઇ નારોલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ગોઢાવદર ગામની ખાતા નંબર ૨૯૪ અને સર્વે નંબર ૧૯૬, ૩૧૫, ૬૧, તથા ૫૬ ધરાવતી અંદાજે ૯-૦૪-૮૮ હેક્ટર જમીન તેમનીસંયુક્ત માલિકીની છે. આ જમીનની દેખરેખ અને વહીવટ ભરતભાઈ નારોલા સંભાળતા હતા. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે આરોપીએ લાલચમાં આવી એક કારસો રચ્યો હતો.ભરતભાઈએ તેમને કે અન્યોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ઓનલાઈન અરજી કરી હતી. આ અરજી સાથે જોડવાના થતા સંમતિ પત્રકમાં ફરિયાદી તથા અન્ય સાક્ષીઓની બોગસ સહીઓ કરવામાં આવી હતી. આ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી ગ્રામસેવક પાસે જમા કરાવ્યા હતા.સરકારી તંત્રને ગેરમાર્ગે દોરીને તેમણે પોતાના બેંક એકાઉન્ટમાં કૃષિ રાહત પેકેજના કુલ રૂ. ૪૪,૦૦૦ જમા કરાવી લીધા હતા. પોતાની જ માલિકીની જમીન પર મળતા હકથી વંચિત રહેલા તેમને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લીલીયા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી યોજનાઓમાં થતી આવી છેતરપિંડીને પગલે પંથકમાં ચર્ચા જાગી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય એમ જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.







































